________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૮૧ મૃગાવતીનું કલ્યાણ પોતાના થયેલા દોષોના પશ્ચાત્તાપથી થયું છે. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની ધર્મદેશના સાંભળવા મૃગાવતીજી તેમના ગુરુણીજી શ્રી ચંદનબાળાજીની સાથે ગયેલાં. ત્યાં ચંદ્ર-સૂર્ય મૂલવિમાને વંદના કરવા આવેલા, તેના મૂલવિમાનનો અતિશય પ્રકાશ હોવા છતાં સમય થઈ ગયો છે એવો ખ્યાલ ચંદનબાળાજીને આવી ગયો પણ મૃગાવતીજીને આ ખ્યાલ ન આવ્યો. જેથી ચંદનબાળાજી સમય થયો જાણીને ઉઠી ગયાં અને પોતાના સ્થાને આવી ગયાં. જ્યારે મૃગાવતીજી ધર્મદેશના સાંભળવામાં લીન થઈ ગયાં. જ્યારે સૂર્ય-ચંદ્ર ચાલ્યા ગયા પછી મોડું થવાથી ગભરાયેલાં એવા મૃગાવતીજી હાંફળાંહાંફળાં થયેલાં તુરત પોતાના સ્થાને આવ્યાં, રાત્રિએ ગુરુજીએ ઠપકો આપ્યો, “સ્ત્રી જાતિએ એકલા સ્વસ્થાનથી બહાર રહેવું તે શોભાસ્પદ નથી.” આ ઠપકાથી પોતાની થયેલી ભૂલનો વારંવાર પશ્ચાત્તાપ કર્યો, “મારી ભૂલ થઈ છે હું વારંવાર ખમાવું છું” આવો હાર્દિક ભાવ આવતાં પશ્ચાત્તાપ માત્રથી કર્મો ખપાવ્યાં અને તે જ રાત્રિમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવો સરળ આત્મા ? આ જગ્યાએ જો જીવ વક્રપ્રકૃતિવાળો હોય અને પોતાનો બચાવ કરવો હોય તો કરી શકે છે કે હું ખોટા ભાવથી ત્યાં રોકાઈ ન હતી, પણ પ્રભુની ધર્મદેશના સાંભળવા રોકાઈ હતી, વળી ચંદ્ર-સૂર્ય મૂલવિમાને આવ્યા હતા એટલે સમય વીતી ગયો છે એવો ખ્યાલ ન આવ્યો એટલે આવવામાં મોડું થયું છે. વળી તમે જ્ઞાની હતાં તમને સમય થઈ ગયાની ખબર પડી ગઈ, એટલે ઉઠીને આવી ગયાં તો મને જરાક ઈશારો કર્યો હોત તો હું પણ ઉઠી જાત, મારી ભૂલ નથી પણ તમે મને ઈશારો ન કર્યો એ તમારી ભૂલ છે. મને ઠપકો શું કામ આપો છો ? આવા આવા કોઈપણ બચાવ કરવા હોય તો થઈ શકતા હતા. પણ આ આત્માએ કોઈ બચાવ કર્યો જ નથી. કેવલ પોતાની ભૂલ સ્વીકારીને સતત પશ્ચાત્તાપ કર્યો, જેનાથી કેવલજ્ઞાની બન્યાં.
- “અઈમુત્તા” મુનિને પૂર્વે કરેલી અપ્લાયની વિરાધનાની આલોચના કરવાથી ઘનઘાતી કર્મોનો નાશ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. નાના બાલમુનિ હોવાથી બીજા બાળકો પાણીમાં અનેક પ્રકારની રમત કરતા હતા. તેઓની સાથે બાલસ્વભાવના કારણે પાણીમાં પાતરાને હોડી રૂપે બનાવીને તરાવવાનું કામ કરવાની રમત આ બાલમુનિ કરતા હતા, બીજો કોઈ દૂષિત ભાવ ન હતો, કેવલ બાલસ્વભાવ માત્ર હતો. છતાં ગુરુજી શ્રી ગૌતમસ્વામીજી જોઈ ગયા અને ઠપકો આપ્યો, મકાનમાં આવીને અપ્લાયની વિરાધનાની વારંવાર કરેલી આલોચના અને તેવા ઉચ્ચ કોટિના ભાવથી આલોચનાની ક્રિયા કરી કે જેથી તે અઈમુત્તા મુનિ કેવલી બન્યા.