________________
૨૮૦
કિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
કાષાયિક પરિણામો વિપાક આપવામાં દારુણ ફલવાળા છે અને સમ્યકત્વ, અણુવ્રત તથા મહાવ્રત પરમાર્થસિદ્ધિનાં કારણો છે. આમ દોષ તથા ગુણોના પરિણામનું (વિપાકનું) પર્યાલોચન કરવું.
તીર્થંકર પરમાત્માની ભક્તિ કરવી. સુસાધુજનની સેવા કરવી. ઉત્તરગુણોની અભિલાષા કરવી. (સમ્યકત્વ હોય તો દેશવિરતિની ઈચ્છા કરવી અને દેશવિરતિ હોય તો સર્વવિરતિની ઈચ્છા કરવી) ઈત્યાદિ ધર્મક્રિયા કરવામાં હંમેશાં ઉદ્યમશીલ રહેવું.
આમ કરવાથી પોતાના આત્મામાં સમ્યક્ત્વપરિણામ અથવા વિરતિનો પરિણામ જો ઉત્પન્ન થયેલો ન હોય તો ઉત્પન્ન થાય છે અને જો તે પરિણામ ઉત્પન્ન થયેલો હોય તો વધારે વિશુદ્ધ થાય છે પરંતુ ક્યારેય પડતો નથી. તેથી બુદ્ધિશાળી આત્માએ આ વિષયમાં નિત્ય અપ્રમાદી થવું. આવા પ્રકારની સમ્યક્રિયામાં સદા લીન બનવું.
ઉત્તમ પરિણામવાળો અને નિત્ય ચતુ શરણ આદિને (ચતુ શરણ-દુષ્કૃતગર્તાસુકૃતાનુમોદનાને) આચરતો જીવ પુણ્યપ્રકૃતિઓને બાંધે છે અને બાંધેલી પુણ્યપ્રકૃતિઓને વધારે તીવ્ર શુભરસબંધવાળી કરે છે. (ચઉસરણપયના ગાથા-૫૯)
इत्यादिक्रियाजातमुत्पन्नं भावं सम्यग्ज्ञानादिसंवेगनिर्वेदलक्षणं न पातयेत् । अपि च न जातं धर्मध्यानशुक्लध्यानादिकं भावमजातमपि-अनुत्पन्नमपि जनये= निष्पादयेत् । श्रेणिक-कृष्णादीनां गुणिबहुमानेन, मृगावत्याः पश्चात्तापेन, आलोचनेनातिमुक्तनिर्ग्रन्थस्य, गुरुभक्त्या चण्डरुद्रशिष्यस्य, इत्याद्यनेकवाचंयमानां परमानन्दनिष्पत्तिः श्रूयते आगमे ॥५॥
ઉપર કહેલી ધર્મક્રિયાઓનો સમૂહ-ગુણીઓનું બહુમાન, દોષોનો પસ્તાવો, પાપોની દુર્ગછા, અતિચારોની આલોચના, દેવગુરુ અને સાધર્મિકની ભક્તિ, અધિક ગુણો ઉપર આરોહણ, ઈત્યાદિ ધર્મક્રિયાઓનો સમૂહ આપણા આત્મામાં ઉત્પન્ન થયેલા એવા સમ્યજ્ઞાનાદિ સંવેગના પરિણામ અને નિર્વેદના પરિણામને પડવા દેતો નથી. પણ વધારે વધારે સ્થિર કરે છે. તથા આ આત્મામાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન આદિ જે વિશિષ્ટ ભાવો ન જન્મ્યા હોય તેવા ભાવોને ઉત્પન્ન પણ કરે છે. અને ઉત્પન્ન થયેલાની વૃદ્ધિ પણ કરે છે. આ રીતે આ ક્રિયામાર્ગ જીવને સ્વસંપત્તિ પ્રાપ્ત કરાવવામાં ઘણો જ ઉપકારક છે.
શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાનું જો કલ્યાણ થયું હોય તો ગુણી એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ આદિ ઉપર અને પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ આદિ ઉપર હાર્દિક જે ઘણું જ બહુમાન હતું તેનાથી થયું છે.