________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૭૫ क्रियामाश्रयति, केवलज्ञानी सर्वसंवरपूर्णानन्दकार्यावसरे योगरोधरूपां क्रियां करोति ! अत एवोच्यते-ज्ञानी क्रियामपेक्षते, एवं तदर्थमेव आवश्यककरणं मुनीनाम् ।
વિવેચન :- કોઈ પણ જ્ઞાની પુરુષ ભલે જ્ઞાનથી પરિપૂર્ણ હોય આત્મતત્ત્વ અને પરતત્ત્વને સમજવામાં-સમજાવવામાં તથા તેનો ભેદ કરવામાં ભલે અતિશય વિચક્ષણ હોય તો પણ યોગ્ય યોગ્ય અવસરે એટલે કે જે કાલે જે કાર્ય સાધવાનો અવસર હોય તે કાલે તે કાર્ય સાધવાને અનુકૂળ તે તે કાર્યના કિરણ રૂપે રહેલી (અસાધારણ કારણ સ્વરૂપે રહેલી) ક્રિયાને કરવાની અપેક્ષા અવશ્ય રાખે જ છે. જો કાર્યસાધક ક્રિયા કરે તો જ કાર્યની સિદ્ધિ થાય છે. જ્ઞાનમાત્રથી કાર્યસિદ્ધિ થતી નથી.
તત્ત્વજ્ઞાની એવો અવિરત સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યજ્ઞાની બન્યો છતો મારામાં બંધાતાં કર્મો કેમ અટકે? આમ સંવરભાવની રૂચિવાળો બન્યો છતો અભક્ષ્યત્યાગ, અનંતકાયત્યાગ, અબ્રહ્મત્યાગ, રાત્રિભોજનત્યાગ ઈત્યાદિ રૂપે પ્રથમ દેશવિરતિની ક્રિયા અને ત્યારબાદ સર્વ સંસારત્યાગ, પંચમહાવ્રતપાલન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન એ રૂપે સર્વવિરતિની ક્રિયા કરવાનો આશ્રય કરે જ છે. આવી ક્રિયા કરતો છતો તે આત્મા અનુક્રમે પાંચમા, છટ્ટા, સાતમાં ગુણઠાણે આરૂઢ થાય છે.
છટ્ટા-સાતમા ગુણઠાણે આવેલા અને ચારિત્રગુણથી યુક્ત એવા મુનિ પુરુષો ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરવા માટે આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાનાદિની ક્રિયાનો અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા મહાત્મા પુરુષો કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં રસિક થયા છતા શુક્લધ્યાનના આરોહણની ક્રિયાનો અવશ્ય આશ્રય કરે છે. શુક્લધ્યાનની ક્રિયા કરતા કરતા તે મુનિપુરુષ બારમા ગુણઠાણે ઘનઘાતી કર્મો ખપાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા સ્વરૂપ નિજ કાર્યને સિદ્ધ કરે છે. માટે ત્યાં પણ જ્ઞાની હોવા છતાં ક્રિયાની અપેક્ષા રહે જ છે.
તેરમા ગુણઠાણે પહોંચેલા-ઘનઘાતી કર્મોના ક્ષયવાળા એવા કેવલી ભગવંતો પણ (૧) સર્વસંવરભાવ પ્રાપ્ત કરવા માટે, (૨) સાતવેદનીયકર્મનો બંધ અટકાવવા માટે, (૩) સર્વથા અનાશ્રવભાવ પ્રાપ્ત કરવા માટે, (૪) યોગજન્ય આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતા અટકાવવા માટે તથા (૫) આત્માની સંપૂર્ણ શુદ્ધદશાનું પૂર્ણ આનંદરૂપ કાર્ય સિદ્ધ કરવા માટે યોગનો નિરોધ કરવાની ક્રિયા અવશ્ય કરે છે.
આ કારણથી જ કહેવાય છે કે જ્ઞાની આત્મા પણ તેવા તેવા અવસરે તે તે કાર્ય કરવા માટે તેને તેને અનુકૂલ અર્થાત્ કાર્યસાધક ક્રિયા કરવાની અવશ્ય અપેક્ષા રાખે છે. આમ હોવાથી જ્ઞાની એવા પણ મુનિઓને આવશ્યકક્રિયા તે તે કાર્ય માટે અવશ્ય હોય છે.