________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૬૩ આ પ્રમાણે જેમ જેમ ઉપર ઉપરનું સ્ટેજ આવે તેમ તેમ નીચે નીચેનું સ્ટેજ ત્યજતો અને પછી પછીનું સ્ટેજ સ્વીકારતો અર્થાત્ ત્યાગયોગ્યને ત્યજતો અને ગ્રહણયોગ્યને ગ્રહણ કરતો એવો આ આત્મા પૌદ્ગલિક પદાર્થોનો જે સંસર્ગભાવ હતો તેને સંપૂર્ણપણે દૂર કરવા દ્વારા કર્મ તથા શરીરનો પણ ત્યાગ કરીને નિર્મળ-નિષ્કલંક-સર્વથા પર-ભાવના સંગથી રહિત અને સર્વ પ્રકારના કર્મોના આવરણો વિનાનો બનેલો સચ્ચિદાનંદમય થયેલો (પરિપૂર્ણપણે સમ્યજ્ઞાનના આનંદથી ભરપૂર) એવો આ આત્મા આત્યન્તિક-એકાન્તિકનિર્દન્દ્ર-નિષ્ક્રયાસ અને નિરુપચરિત સુખવાળો થાય છે.
આત્મત્તિક = અત્યન્ત સુખ, પરિપૂર્ણ સુખ. ઐકાન્તિક = જે પ્રાપ્ત થયેલું સુખ ક્યારેય જાય નહીં તેવું સુખ. નિર્વન્દ્ર = જ્યાં કેવળ એકલું સુખ જ છે, દુઃખ અંશમાત્ર પણ સાથે નથી તે. નિષ્ક્રયાસ = જે સુખ મેળવવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. સ્વાભાવિક નિરુપચિત = જે ઉપચાર કરાયેલું સુખ નથી પણ સુખસ્વરૂપ જ છે તે.
આ કારણથી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનના બલ વડે હેય અને ઉપાદેયનો ભેદ કરીને જેટલા હેય ભાવો હોય તે સમસ્ત હેયભાવો પ્રત્યે ત્યાગવાળા થવું જોઈએ. હેયભાવોને ત્યજવા માટે ઉદ્યમશીલ થવું, કારણ કે હેયભાવોનો જે ત્યાગ છે એ જ કર્મોની નિર્જરા કરાવનારું મૂલતત્ત્વ છે. પરભાવનું ગ્રહણ કરવું એ જ આત્માનું અહિત (અકલ્યાણ) છે અને પરભાવનો ત્યાગ એ જ આત્મહિત છે. માટે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા આત્માઓએ તો પરભાવના ત્યાગનો જ નિરંતર અભ્યાસ અને પ્રયત્ન કરવો જોઈએ. એ ત્યાગ જ આત્મહિત કરનાર છે.
પર આઠમું ત્યાગાષ્ટક સમાપ્ત