________________
૨૬૨
ત્યાગાષ્ટક - ૮
अतः सम्यग्ज्ञानबलेन हेयोपादेयविवेचनं कृत्वा समस्तहेयभावत्यागवत्तया भवितव्यम् । त्यागो हि निर्जरामूलम् । परभावग्रहणमेवात्माहितम् । अतस्त्यागः करणीय एव आत्मस्वरूपाभिलाषुकैः ॥८॥
જ્ઞાનસાર
આ કારણથી આત્માના સ્વરૂપની બાધકપરિણતિના જે જે (મિથ્યાત્વ-અસંયમ-પ્રમાદકષાયાદિ) કારણો છે તે કારણોનો ત્યાગ કરીને સાધકપરિણતિનાં જે જે કારણો (ક્ષાયોપશમિક ભાવના સમ્યક્ત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-સમ્યજ્ઞાન-ક્ષમા-માર્દવ-આર્જવ સંતોષાદિ ગુણો રૂપ કારણો) છે તેનું અવલંબન લેવું જોઈએ.
જેમ અમદાવાદથી મુંબઈ જતો કોઈ પુરુષ પ્રથમ રીક્ષાનું સાધન લે છે. અમદાવાદનું સ્ટેશન આવતાં તે રીક્ષા છોડીને ટ્રેનનું આલંબન લે છે. મુંબઈ સેન્ટ્રલ આવતાં ટ્રેનનું આલંબન છોડીને ટેક્ષીનું આલંબન લે છે. ઘર આવતાં ટેક્ષી પણ છોડી દે છે અને એલીમીટરનું આલંબન લે છે અને પોતાના ઈષ્ટ સ્થાને પહોંચે છે. તેમ સાધકાવસ્થામાં મિથ્યાત્વદશાના ત્યાગકાલે ક્ષાયોપશમિક ભાવના ગુણો સ્વીકારવાના હોય છે. જેથી ચારથી સાત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
ત્યારબાદ સંકલ્પ-વિકલ્પવાળી ક્ષાયોપશમિક ભાવની પ્રથમ પ્રાપ્ત કરેલી અપવાદ સાધનાનો (કારણ કે ક્ષાયોપમિક ભાવના આ ગુણો પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી. કર્મના ઉદય સાપેક્ષ છે. માટે ક્ષાયિકભાવ પામવા પુરતું જ તેનું આલંબન લીધું છે. અંતે તો તે ગુણો પણ ત્યજવાના જ છે. માટે તેને અપવાદસાધના કહેવાય છે. અપવાદ રૂપે આ સાધન લેવાં પડ્યાં છે, કાયમી નથી, માટે ક્ષાયોપશમિક ભાવના ગુણોની પ્રાપ્તિને અપવાદ સાધના કહેવાય છે. આવા પ્રકારની આ અપવાદસાધનાનો) ત્યાગ કરતો આ આત્મા આઠથી બાર ગુણસ્થાનકમાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયો છતો ઉત્સર્ગસાધનાને ગ્રહણ કરે છે. એટલે એકત્વવિતર્કઅવિચાર નામનું શુક્લ ધ્યાન અને ધર્મસન્યાસ નામના સાર્શ્વયોગને ગ્રહણ કરે છે.
ત્યારબાદ તેરમા-ચૌદમા ગુણસ્થાનકે તેવા પ્રકારની ઉત્સર્ગસાધનાનો પણ ત્યાગ કરતો (કારણ કે કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી જ સાધન સ્વીકારાય છે, કાર્ય સિદ્ધ થયે છતે સાધન ત્યજાય જ છે. તેમ અહીં પણ હવે સાધનાની આવશ્યકતા નથી. માટે ઉત્સર્ગસાધનાનો પણ ત્યાગ કરતો) અને પરિપૂર્ણ ગુણમય અવસ્થાનો આશ્રય કરતો આ આત્મા અનુક્રમે અનુક્રમે આગળ વધે છે.