________________
૨૨૮
ત્યાગાષ્ટક – ૮
જ્ઞાનસાર
પ્રશ્ન :- જો આત્માના પોતાના શુદ્ધસ્વરૂપને જ ઉપાદેય કહો અને શેષ સર્વને હેય કહો છો તો સુદેવ-સુગુરુ અને સુધર્માદિ શુભ નિમિત્તોની, શુભભાવોની (શુભઆચારસેવનાદિની), ધ્યાનાદિની અને આત્મતત્ત્વની સાધનાના કારણભૂત ક્ષાયોપમિક ભાવના પરિણામોની, એમ આ સર્વ સાધનભાવોની પણ હેયતા જ થઈ જશે. આવા પ્રકારના શુભભાવોની ગ્રહણતા (ઉપાદેયતા) નહીં રહે અને આવા શુભભાવોને ઉપાદેય કર્યા વિના તિરોભાવે રહેલું શુદ્ધસ્વરૂપ, સ્વધર્મ હોવા છતાં આવિર્ભૂત કેમ થાય ?
ઉત્તર ઃ- તમારો પ્રશ્ન સાચો અને સારો છે. પણ હવે ઉત્તર સાંભળો. જેમ કાંટો પગમાં લાગે તો પીડાકારી છે, તેમ સોય પગમાં નાખીએ તો પણ પીડાકારી જ છે. આનંદ કે સુખ થતું નથી, છે તો બન્ને પીડાકારી જ, જેટલી પીડા કાંટા વખતે થાય છે તેટલી જ પીડા, બલ્કે કંઈક અધિક પીડા સોય નાખતાં થાય છે. તો પણ પગમાં ઘુસી ગયેલા કાંટાને કાઢવા માટે સોય નખાય છે અને તે સોયનો બીજો છેડો હાથમાં પકડી રખાય છે કે જેથી જેવો કાંટો નીકળી જાય છે તેવી તુરત બીજા છેડાથી સોય કાઢી જ લેવામાં આવે છે. અંતે તો સોય પણ કાંટાતુલ્ય જ છે. માત્ર તે સોય કાંટાને કાઢનાર છે તેટલા પુરતી તેની ગ્રહણતા છે. તેમ અહીં સમજવું. સુદેવ-સુગુરુ અને સુધર્મ ઈત્યાદિ શુભ-દેવાદિ નિમિત્તો, શુભભાવો, (શુભ-આચારસેવનાદિ), ધ્યાન, દયા, તપ આદિ સાધનભૂત ધર્મો તથા આત્મતત્ત્વના સાધનાના ઉત્તમ પરિણામો, આ સઘળુંય પરભાવ છે, હેય છે, અંતે ત્યજવાનું છે, તો પણ અનાદિકાળથી મોહનીયકર્મના ઉદયની પરાધીનતાના કારણે અશુદ્ધપરિણતિને ગ્રહણ કરવાની કાંટાતુલ્ય વૃત્તિ આ જીવમાં જે પડેલી છે, તેના નિવારણ માટે ઉપરોક્ત શુભભાવોની ગ્રહણતા કહેલી છે. (ગ્રહણ કરવાનું શાસ્ત્રમાં કહેલું છે). તે પણ પોતાના આત્માની સિદ્ધાવસ્થા પ્રાપ્ત થયેલી ન થાય ત્યાં સુધી જ તેની ગ્રહણતા જાણવી. તેથી સ્વ-સ્વરૂપની ઉત્સર્ગમાર્ગે ગ્રહણતા જેવી છે તેવી ઉત્સર્ગમાર્ગે (રાજમાર્ગે-મૂલમાર્ગે) તે શુભનિમિત્તોની ગ્રહણતા ન સમજવી. સાધ્ય સિદ્ધ થતાં જ તેનો ત્યાગ કરવાનો છે.
પગ સાજા ન થાય ત્યાં સુધી જ લાકડી રાખવા જેવી છે, તેનો અર્થ એવો નથી કે પગની જેમ લાકડી પણ ઉત્સર્ગમાર્ગે પોતાનું અંગ છે, કે પગની જેમ ઉપાદેય છે. તથા આંખ બરાબર કામ કરતી ન થાય ત્યાં સુધી જ ચશ્માં પહેરવા લાયક છે તેનો અર્થ એ નથી કે ચશ્માં પણ આંખની જેમ સ્વ-અંગ છે અને અતિશય રક્ષણીય છે. તેમ અહીં પણ શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ અશુભ ભાવોના નિવારણ માટે શુભ ભાવોની ગ્રહણતા સમજવી. અત્તે તો તે પણ પરભાવ હોવાથી તેની પણ હેયતા જ જાણવી. છેલ્લે તે શુભભાવોની ગ્રહણતા પણ તજવાની જ છે.