________________
૧૫
(૫) શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું અને જ્ઞાનગુણ એ જ મારું સ્વરુપ છે. આનાથી અન્ય હું કોઈ નથી અને મારું કંઈ નથી આવી વિચારણા કરવી એ જ મોહના નાશનું ઉત્તમશસ્ત્ર છે. (૪-૨)
(૬) જેમ ભૂંડ પ્રાણી વિષ્ટામાં જ (કાદવમાં જ) આનંદ માને છે તેમ અજ્ઞાની આત્મા અજ્ઞાનદશામાં જ આનંદ માને છે અને હંસ નામનું પ્રાણી જેમ સરોવરના નિર્મળ પાણીમાં મજા કરે છે તેમ જ્ઞાની આત્મા આત્મજ્ઞાનમાં જ મજા માણે છે. (૫-૧)
(૭) આત્મજ્ઞાનદશા એ સમુદ્ર વિના ઉત્પન્ન થયેલું અમૃત છે. ઔષધો વાટ્યા વિના બનાવેલું રસાયણ છે અને બાહ્ય ભૌતિક સંપત્તિની અપેક્ષા વિનાનું ૫૨મ ઐશ્વર્ય છે આમ જ્ઞાની પુરુષો કહે છે. (૫-૮)
(૮) હે આત્મા ! જો તું સંસારથી ભય પામતો હોય અને મોક્ષપ્રાપ્તિને ઈચ્છતો હોય તો ઈન્દ્રિયોનો વિજય કરવા પુરુષાર્થ કર. (૭-૧)
(૯) પતંગીયું, ભ્રમર, મત્સ્ય, હાથી અને હરણ આ પાંચે પ્રાણીઓ એક-એક ઈન્દ્રિયની આસક્તિથી (દોષથી) જો મૃત્યુ પામ્યા છે તો જે આત્મા પાંચે ઈન્દ્રિયોને પરવશ છે તેની તો દશા જ કેવી થાય ? (૭-૭)
(૧૦) પુદ્ગલદ્રવ્ય પુદ્ગલદ્રવ્યની સાથે જોડાય અને આત્મા આત્મતત્ત્વની સાથે જોડાય તે ઉચિત છે. પરંતુ પરદ્રવ્યની પ્રાપ્તિથી તૃપ્તિ માનવી તે મિથ્યા-ભ્રમમાત્ર છે. જ્ઞાની આત્માને ૫૨દ્રવ્યથી તૃપ્તિ માનવી ઉચિત નથી. (૧૦-૫)
(૧૧) પરદ્રવ્યની સ્પૃહા કરવી એ જ મહાદુઃખ છે અને પરદ્રવ્યની સ્પૃહારહિતતા એ જ મહાસુખ છે. આમ સંક્ષેપમાં મહાત્મા પુરુષોએ સુખ-દુઃખનું લક્ષણ કહ્યું છે. (૧૧-૮)
આમ આવા પ્રકારની ચિત્તમાં ચમત્કાર સર્જાવતી અનેક વાતો આ ગ્રન્થમાં કંડારાઈ છે. જાણે વાંચ્યા જ કરીએ વાંચ્યા જ કરીએ, ક્યારેય તૃપ્તિ ન થાય, પુસ્તક છોડવાનું મન જ ન થાય, આમ અમૃતરસનો આ મહાસાગર છે. ચિત્તને સચોટ લાગી આવે, આશ્ચર્ય ઉત્પન્ન કરે, ચમત્કાર સર્જે, આત્મિક આનંદ આપે, મોહદશા પાતળી પાડે, સ્વભાવદશાનો ઉઘાડ કરાવે એવી ભવ્ય અને ઉત્તમ આ કૃતિ છે.