________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૬૭
મોહથી આ જીવ તેને સુખ માને છે. જ્યારે જ્યારે વાંકું પડે, આપત્તિ આવે, ત્યારે ત્યારે સુખ માનનારો આ જ જીવ પોતાની જીભે જ બોલે છે કે “બળ્યો આ સંસાર, આના કરતાં આ સંસાર ન માંડ્યો હોત તો સારું હતું” આનો અર્થ એ છે કે જાતિસ્વભાવે આ દુઃખરૂપ જ છે. મોહાન્ધ જીવોએ તેમાં સુખબુદ્ધિથી સુખનું આરોપણ માત્ર કરેલું છે. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે -
હે ગૌતમ ! જે કારણથી પાંચ ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જણાતું સુખ તે સુખ જ નથી, દુઃખમાત્ર જ છે. માત્ર દુઃખનો ક્ષણિક પ્રતિકાર કરનાર છે તેથી પુણ્યનું ફળ પણ (ઉપાધિરૂપ હોવાથી) દુ:ખ જ છે. ૨૦૦૫
જેમ રોગ થયો હોય તો ઔષધ રોગનો પ્રતિકાર કરનાર હોવાથી સુખરૂપ લાગે પણ ઔષધ લેવું જ પડે તે સુખરૂપ નથી. તેની જેમ પાંચ ઈન્દ્રિયોના વિષયથી થનારું સુખ એ સુખ નથી પણ દુઃખ જ છે. ઘડીભર દુ:ખનો પ્રતિકાર કરનાર છે. વાસ્તવિક તો તે બંધન રૂપ છે માટે દુઃખ જ છે. તેમાં સુખનો ઉપચાર કરાયો છે. સાચા સુખ વિના ઉપચાર સંભવતો નથી. જેમ જંગલમાં સાચો સિંહ છે તો જ બહાદૂર પુરુષમાં સિંહનો ઉપચાર કરાય છે. જગતમાં સાચો સર્પ છે તો જ ક્રોધી માણસમાં સર્પનો ઉપચાર કરાય છે. તેમ સાચું આધ્યાત્મિક સુખ છે તો જ વિષયસુખમાં સુખનો ઉપચાર કરાયો છે. ૨૦૦૬
તેથી સાતા હોય કે અસાતા હોય તે બન્ને (પુણ્ય-પાપ એવાં કર્મોનાં બંધનો છે માટે) દુઃખ જ છે. સોનાની હોય કે લોખંડની હોય પણ આખર તે બન્ને બેડી જ છે. પગનું બંધન જ છે. તે બન્નેમાંથી એક પણ સુખદાયી નથી. પરંતુ તે બન્ને બેડીનો વિરહ થવો - પગ છુટા થવા તે સુખ છે તેમ પુણ્ય અને પાપનાં બંધનોના વિરહમાં જ સુખ છે. તેથી શરીર અને ઈન્દ્રિયો હોતે છતે આત્મા તે શરીરમાં અને ઈન્દ્રિયોમાં બંધાયેલો છે, માટે દુઃખ જ છે. શરીર અને ઈન્દ્રિયોના અભાવમાં જ બંધનમુક્તિ હોવાથી, સ્વતંત્ર હોવાથી, પરાધીનતા ન હોવાથી અનંતસુખ છે. ૨૦૧૧
उक्तञ्च
औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा । क्लिश्नाति लब्धपरिपालनदृष्टिरेव ॥ नातिश्रमापगमनाय यथा श्रमाय । राज्यं स्वहस्तधृतदण्डमिवातपत्रम् ॥