________________
૬૬
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
સુખનું ઉદાહરણ છે તેને અનુસારે ઉપલક્ષણથી પાંચે ઈન્દ્રિયોનાં સુખો સમજી લેવાં) તેવા પ્રકારના ચંદનના વિલેપન રૂપ સ્પર્શનેન્દ્રિયના સુખની સાથે પણ ન સરખાવી શકાય તેવું આ આધ્યાત્મિક સુખ છે. પતિ-પત્નીનાં સુખો કે પાંચ ઈન્દ્રિયોના વિષયોનાં સુખો અલ્પકાલીન છે, પરાધીન છે, તે સુખની પ્રાપ્તિ કરવામાં, સુખને સાચવી રાખવામાં અને અંતે સુખના વિયોગમાં પારાવાર દુઃખ જ દુઃખ થાય છે. ક્ષણમાત્રના એ સુખને માણવા જતાં ઘણા લાંબા કાળની ઘણી ઉપાધિઓ આ જીવને વેઠવી પડે છે. અલ્પ સુખ અને ઘણું જ દુઃખ તથા ઘણી જ ઉપાધિઓ વેઠવી પડે છે.
વળી પુષ્પોની માલા, ચંદનનું વિલેપન અને સ્ત્રીના શરીરની સાથેનું આલિંગન ઈત્યાદિ પાંચે પાંચ ઈન્દ્રિયોના વિષયથી જન્ય જે સુખ છે તે ખરેખર પરમાર્થથી સુખ જ નથી. કારણ કે શરીરમાં વાસના-ભૂખ-તરસ વગેરે જે વિકારી-કલુષિત ભાવો ઉત્પન્ન થાય છે તેનો આ ભોગો ક્ષણમાત્ર પ્રતિકાર કરનારા છે. પણ વિકારીભાવોનો નાશ કરનાર કે મટાડનાર નથી, જેમ ઈંધન નાખવાથી અગ્નિ વધે છે, તેમ વિષયસેવનથી ઈન્દ્રિયસુખની ઘેલછા વધે છે, મટતી નથી. વારંવાર તેના સેવનની જ ઈચ્છા રહે છે અને તેનાથી બીજી પણ અનેક ઉપાધિઓ આવે જ છે. ખસના રોગી જીવને ખણજ ઉપડે અને તે ખણે તેનાથી તે આનંદસુખ માને પરંતુ તે ખણજ ખસના રોગને વધારે છે પણ મટાડે નહીં. ખણતાં ખણતાં તે જ રીતે ખણજ શરીરમાં ચાંદાં પાડે, માટે ખણજ ખણવી એ વાસ્તવિક સુખ નથી, ઉપડેલી ચળનો ક્ષણિક પ્રતિકાર કરવા રૂપ જ માત્ર છે. આત્મતત્ત્વના ગુણોનું જે સુખ છે તે સુખને નહીં સમજનારા, તેવા પ્રકારના વાસ્તવિક સુખથી ભ્રષ્ટ થયેલા મોહાન્ધ ભોગી જીવો વડે “ભોગસુખ એ સુખ છે” આમ આરોપિત કરાયું છે કલ્પના કરાઈ છે. પત્થરની ગાય, ગાય તરીકે આરોપિત કરાય પણ તેથી કંઈ તે ગાય દૂધ ન જ આપે કારણ કે તે તો કલ્પિત ગાય છે તેમ અહીં સમજવું.
આ સંસારમાં અલંકાર, વિશિષ્ટ વસ્ત્રાદિ દ્વારા કરાતી વેશભૂષા, વિશિષ્ઠ મેવામીઠાઈવાળાં ભોજન ઈત્યાદિ પુદ્ગલ દ્રવ્યના સંયોગમાં માનેલું જે સુખ છે તે સઘળું ય આરોપિત સુખ છે. જેમકે સોના-રૂપા-હીરા-માણેકાદિના કરાયેલા અલંકારો પહેરાય ઘડી બે ઘડી, પણ તેને પ્રાપ્ત કરવામાં ધન મેળવવા માટે ઘણાં દુ:ખો વેઠ્યાં, બનાવ્યા પછી ચોરાઈ ન જાય, લુંટાઈ ન જાય, ભાંગી ન જાય, ખોવાઈ ન જાય, તેની ખાતર પ્રાણસંકટ ન આવે ઈત્યાદિ માનસિક અનેક દુઃખો, તેમ છતાં ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા ભાંગી-તૂટી જાય ત્યારે પણ દુઃખ જ. આમ સર્વત્ર પરદ્રવ્યના સંયોગમાં દુ:ખ જ દુઃખ છે. તેથી પરદ્રવ્યજન્ય સુખ તે સુખ નથી પણ પરાધીનતા જ છે. જાતિસ્વભાવે તે દુઃખરૂપ જ છે.