________________
૬૮
જ્ઞાનસાર
મગ્નાષ્ટક - ૨ तस्मात् संसारः सर्वः दुःखरूप एव । स्वाभाविकानन्द एव सुखम्, यावद् इन्द्रियसुखे सुखबुद्धिः, तावत् सम्यग्दर्शनज्ञाने न इति तत्त्वार्थवृत्तौ, अतः अध्यात्मसुखं पुद्गलाऽऽश्लेषजसुखेन नोपमीयते इति ॥६॥
અન્યત્ર પણ કહ્યું છે કે –
કોઈપણ રાજા જ્યારે રાજ્ય પ્રાપ્ત કરે ત્યારે મેં રાજ્ય મેળવ્યું, હું સુખી થયો એમ માને છે. પરંતુ હકીકત કંઈક જુદી જ છે તે મોહને પરવશ થયેલા જીવને સમજાતી નથી.
રાજ્ય પ્રાપ્ત થવાથી જગતમાં મળેલી પ્રતિષ્ઠા “મારે રાજ્ય મેળવવું છે, મારે રાજ્ય મેળવવું છે” એવી જે ઉત્સુકતા હતી, ઘેલછા હતી તેનો જ નાશ કરે છે. બાકી તો માથા ઉપર ઘણો ભાર વધે છે. પ્રાપ્ત થયેલી આ સંપત્તિનું પરિપાલન (સંરક્ષણ) કરવાની જે દૃષ્ટિ છે તે દરરોજ પીડા જ કર્યા કરે છે. મારું રાજ્ય ચાલ્યું ન જાય, કોઈ લઈ ન લે, તેની ચિંતામાં જીવ બળીને ખાખ થઈ જાય છે. તેથી આ રાજ્ય અતિશય લાગેલા પરિશ્રમને દૂર કરવા માટે નથી પણ વધારે ને વધારે) પરિશ્રમ માટે જ છે. જેમ જે છત્રનો દંડ પોતાને જાતે જ પકડી રાખવો પડે, તે છત્ર જેમ સુખદાયી નથી પણ દાંડો પકડી રાખવા દ્વારા હાથ દુઃખાડનાર જ છે, દુઃખદાયી જ છે. તેમ રાજ્ય પણ ભાર-ચિંતા અને ઉપાધિઓ વાળું હોવાથી દુઃખદાયી જ છે.
તેથી આ સઘળો સંસાર દુઃખસ્વરૂપ જ છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં વર્તવું એનો જે સ્વાભાવિક આનંદ છે. તે જ પરમાર્થથી સુખ છે. જ્યાં સુધી ઈન્દ્રિયોના સુખમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી આ જીવને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ આવતાં નથી. આવું તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે. આ કારણથી આત્મિક ગુણોનું જે આધ્યાત્મિક સુખ છે તે સુખને પુદ્ગલોના સંયોગજન્ય સુખની સાથે સરખાવી શકાતું નથી.
એક સુખ સ્વાભાવિક છે. બીજું સુખ વૈભાવિક છે. એક સુખ સ્વતંત્ર છે. બીજું સુખ પરતંત્ર છે (પરાધીન છે) એક સુખ કર્મોના ક્ષયજન્ય છે. બીજું સુખ પુણ્યકર્મોના ઉદયજન્ય છે. એક સુખ કર્મોનો નાશ કરનાર છે. બીજું સુખ કર્મો બંધાવનારું છે. એક સુખ નિરુપાધિક છે. બીજું સુખ સોપાધિક છે. એક સુખ અનંતકાલ રહેનાર છે. બીજું સુખ પરિમિતકાલવાળું છે.