________________
૫૮૨
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ जह दीवो निव्वाणो, परिणामन्तरमिओ तहा जीवो । भण्णइ परिनिव्वाणो, पत्तोऽणाबाहपरिणामं ॥१९९१॥ (यथा दीपो निर्वाण: परिणामान्तरमितस्तथा जीवः । भण्यते परिनिर्वाणः, प्राप्तोऽनाबाधपरिणामम् ॥)
ગાથાર્થ - જેમ પરિણામોત્તરને પામેલા દીપકને “નિર્વાણ” પામ્યો એમ કહેવાય છે. તેમ જીવ પણ અનાબાધપરિણામને પામ્યો છતો “નિર્વાણ” પામ્યો કહેવાય છે. I/૧૯૯૧//
વિવેચન - જેમ દીપક જ્યારે બુઝાઈ જાય છે ત્યારે ખરેખર સર્વથા નાશ પામતો જ નથી. માત્ર તેજમય પરિણામને છોડીને અંધકારાત્મક રૂપાન્તરતાને જ પામે છે. આવી રૂપાન્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તેને જ “નિર્વાણ પામ્યો કહેવાય છે. તેમ આ સંસારી જીવ કર્મવાળી અવસ્થાયુક્ત છે, તે જ જીવ જ્યારે રત્નત્રયીની સાધના-આરાધના કરવા દ્વારા કર્મોથી સર્વથા રહિત એવી અમૂર્ત જીવસ્વભાવવાળી નિરાબાધ અવસ્થાને પામવા સ્વરૂપ પરિણામાન્તરને પામે છે ત્યારે “નિર્વાણ” પામ્યો કહેવાય છે. પણ જીવનો સર્વથા નાશ થતો નથી.
અથવા મનુષ્યપણે મૃત્યુ પામેલો આ જીવ જેમ દેવાદિ ભવરૂપે માત્ર રૂપાન્તર જ પામે છે. સર્વથા નાશ પામતો નથી, તો પણ મનુષ્યભવને આશ્રયી મૃત્યુ પામ્યો કહેવાય છે. તેમ સંસારી અવસ્થાવાળો આ જ જીવ મુક્તિ-અવસ્થા પામવા રૂપે માત્ર રૂપાન્તરને જ પામે છે. પણ સર્વથા નાશ પામતો નથી. તેથી દુઃખ-શરીર અને કર્માદિના ક્ષયસ્વરૂપે આત્માની જે સત્ અવસ્થા છે. તેને જ નિર્વાણ કહેવાય છે. પરંતુ આ આત્મા આકાશપુષ્પની જેમ સર્વથા અસત્ થતો નથી. માત્ર અવસ્થાન્તર થાય છે. ll૧૯૯૧)
પ્રશ્ન - માનો કે મુક્તાવસ્થામાં જીવ સત્ છે તો પણ ત્યાં શરીર અને ઈન્દ્રિય ન હોવાથી શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિ પાંચ વિષયોનો ઉપભોગ કરવાનો ન હોવાથી આ મુક્તિ સુખ વિનાની જ થશે ? આવો પ્રશ્ન તમે કરો તો તેનો ઉત્તર આ પ્રમાણે છે -
मुत्तस्स परं सोक्खं, णाणाणाबाहओ जहा मुणिणो । तद्धम्मा पुण विरहादावरणाऽऽबाहहेऊणं ॥१९९२॥ (मुक्तस्य परं सौख्यं, ज्ञानानाबाधतो यथा मुनेः । तद्धर्मा पुनर्विरहादावरणाऽऽबाधहेतूनाम् ॥)