________________
પ૬૫
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ અર્થ - બુઝાઈ ગયેલો દીપક જેમ પૃથ્વીમાં જતો નથી, આકાશમાં જતો નથી, કોઈ દિશામાં જતો નથી તેમ કોઈ વિદિશામાં પણ જતો નથી. ફક્ત તેલના ક્ષયથી શાન્તિને જ પામે છે. તેવી જ રીતે નિવૃત્તિને પામેલો જીવ પણ પૃથ્વીમાં જતો નથી, આકાશમાં જતો નથી. કોઈ દિશામાં જતો નથી તેમ કોઈ વિદિશામાં જતો નથી. પરંતુ ક્લેશોનો ક્ષય થવાથી કેવલ શાન્તિને પામે છે. તમારા હૃદયમાં એકપક્ષ આ પ્રમાણે પ્રવર્તે છે કે બૌદ્ધાદિ દર્શનકારોની માન્યતાને અનુસારે દીપક બુઝાઈ જાય છે તેમ જીવ શાન્ત થઈ જાય છે. તેને જ મુક્તિ કહેવાય છે. અર્થાત્ મુક્તિ નામની બીજી કોઈ અવસ્થા નથી. આમ તમારા હૃદયમાં મુક્તિના અભાવને સૂચવનારા વિચારો એક બાજુ પ્રવર્તે છે તો બીજી બાજુ જૈનોની માન્યતાનુસાર સત્ એવા જીવની જ કોઈ વિશિષ્ટાવસ્થા તે મુક્તિ છે. આમ બીજી વિચારધારા પ્રવર્તે છે. તે બીજી વિચારધારા આ પ્રમાણે -
(૨) જીવ નામનો પદાર્થ જેમ સંસારમાં અસ્તિત્વ ધરાવે છે તેમ મુક્તિમાં પણ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં પણ આ જીવ સત્ છે. ફક્ત સત્ એટલે કે વિદ્યમાન એવા જીવની કોઈ વિશિષ્ટ અવસ્થા છે કે જે સર્વકર્મરહિત છે, સંપૂર્ણ શુદ્ધ છે, નિરાવરણ છે, સર્વગુણ સંપન્ન છે. વળી તે અવસ્થા કેવી છે ? રાગ-દ્વેષ-મદનમોહ-જન્મ-જરા અને શારીરિક રોગાદિ જે દુઃખો છે તે સર્વેના ક્ષયના સ્વરૂપવાળી અવસ્થા છે. તે જ મુક્તિ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
केवलसंविदर्शनरूपाः सर्वार्तिदुःखपरिमुक्ताः । मोदन्ते मुक्तिगता जीवाः, क्षीणान्तरारिगणाः ॥१॥
અર્થ - કેવલજ્ઞાનવાળા, કેવલદર્શનવાળા, સર્વ પ્રકારની પીડા અને દુઃખોથી મુક્ત થયેલા, ક્ષીણ કર્યા છે આન્તરિક શત્રુગણ જેઓએ એવા મોક્ષમાં ગયેલા જીવો આનંદ આનંદ કરે છે. આ વિચારધારા પ્રમાણે મુક્તિ છે ત્યાં જીવી જાય છે. કર્માદિ ક્લેશરહિત હોવાથી અનંત સ્વાભાવિક સુખમાં મગ્ન હોય છે. તેથી અનંત અનંત સુખવાળા છે. આ પ્રમાણે બન્ને પ્રકારની વિચારધારા તમારા હૃદયમાં પ્રવર્તે છે. તેથી તમને મુક્તિના વિષયમાં સંદેહ થયેલ છે. ૧૯૭૫
નિર્વાણના સંશયનું જે કારણ છે તે બીજી રીતે પણ જણાવે છે - अहवाऽणाइत्तणओ, खस्स व किं कम्मजीवजोगस्स । अविओगाओ न भवे संसाराभाव एवत्ति? ॥१९७६ ॥