________________
૫૫૭
ગણધરવાદ
દશમ ગણધર - મેતાર્ય (घटचेतनया नाशः, पटचेतनया समुद्भवः समकम् । સંતાનાવસ્થા, તભેદ-પરત્નોવા-નવાનામ્ | मनुजेहलोकनाशः, सुरादिपरलोकसंभवः समकम् । जीवतयाऽवस्थानं, नेहभवो नैव परलोकः ॥)
ગાથાર્થ – ઘટના ઉપયોગરૂપે નાશ અને પટના ઉપયોગરૂપે ઉત્પત્તિ આ બન્ને જેમ એકીસાથે છે તથા ચૈતન્યની પરંપરા વડે અવસ્થિતતા = ધ્રુવતા છે તે જ રીતે આ લોક અને પરલોકને આશ્રયી જીવોમાં ત્રિપદી છે. મનુષ્યપણે આ લોકનો નાશ, દેવભવપણે પરલોકની ઉત્પત્તિ તથા સાથે જ જીવપણે અવસ્થાન (ધૃવત્વ) છે. કે જ્યાં આ ભવ કે પરભવની વિવક્ષા કરાતી નથી. //૧૯૬૬-૧૯૬૭ll
- વિવેચન - ઘટના વિષયવાળું જે જ્ઞાન પ્રવર્તે તેને ઘટચેતના કહેવાય છે. તેવી જ રીતે પટના વિષયવાળું જે જ્ઞાન પ્રવર્તે તેને પટચેતના કહેવાય છે. આ પ્રમાણે જે જે વિષયનો જ્ઞાનોપયોગ આ જીવને કાલક્રમે પ્રવર્તે છે તેને તે તે વિષયની ચેતના કહેવાય છે. આ પ્રમાણે આ જીવને જ્યારે ઘટસંબંધી વિજ્ઞાન થયા પછી પટસંબંધી વિજ્ઞાન પ્રગટે છે ત્યારે ઘટની ચેતના વડે એટલે ઘટના જ્ઞાનના ઉપયોગવાળાપણે તે જીવનો નાશ થાય છે અને પટની ચેતના વડે એટલે કે પટજ્ઞાનના ઉપયોગવાળાપણે તે જીવનો ઉત્પાદ થાય છે. આ નાશ અને ઉત્પાદ એમ બન્ને એકીસાથે એક જ સમયમાં ઉત્પન્ન થાય છે. વાંકી આંગળીને સીધી કરો ત્યારે જે સમયમાં વક્રતાનો નાશ થાય છે તે સમયમાં જ સરળતાની ઉત્પત્તિ થાય છે. મહાપટને ફાડીએ ત્યારે જે સમયે અખંડ પટનો નાશ થાય છે તે સમયમાં જ ખંડપટની ઉત્પત્તિ થાય છે. તેની જેમ ઘટોપયોગરૂપ ચેતનાની અપેક્ષાએ જીવનો નાશ અને પટોપયોગરૂપ ચેતનાની અપેક્ષાએ જીવની ઉત્પત્તિ આ બન્ને એકી સાથે એક જ સમયમાં થાય છે.
વળી અનાદિકાળથી પ્રવર્તેલી ચેતનાની જે પરંપરા, તે પરંપરામાત્રને આશ્રયી વિશેષણરહિતપણે જીવ7માત્ર સ્વરૂપે અવસ્થાન (ધ્રુવ7) છે. આ ઘટચેતના પ્રવર્તે છે કે પટચેતના પ્રવર્તે છે કે મઠચેતના પ્રવર્તે છે ઈત્યાદિ વિશેષણોની વિવક્ષા જો ન કરીએ અને ચેતનાની ધારારૂપ જીવત્વની જો વિવક્ષા કરીએ તો અનાદિકાલથી તે ચેતના છે અને અનંતકાલ તે ચેતના રહેશે. આ વિવક્ષાએ ધૃવત્વ પણ સંભવે છે. આ ત્રિપદી જે જણાવી તે આ ભવમાં વર્તતા જીવને આશ્રયી ઘટોપયોગ-પટોપયોગ અને ઉપયોગમાત્રની વિવક્ષાએ નાશ-ઉત્પત્તિ અને ધ્રુવતા સ્વરૂપ ત્રિપદી જણાવી છે. તેવી જ રીતે પરભવમાં જતા જીવને આશ્રયી પણ આવા પ્રકારના જ ત્રણ સ્વભાવ જાણવા. તે આ પ્રમાણે -