________________
પપ૬
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
આ જ પ્રમાણે ઘટ બન્યા પછી પણ ઘટ વિનાશ ન પામે ત્યાં સુધીમાં પણ પ્રતિસમયે થતા પૂરણ-ગલનના કારણે પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. નવા-નવા ઘટાકારપણે ઉત્પન્ન થાય છે તથા રૂપાદિ ગુણવાળાપણે અને માટીદ્રવ્યરૂપે ધ્રુવ રહે છે. તેથી બનેલો એવો પણ આ ઘટ ઉત્પાદ-વ્યય અને ધૃવધર્મવાળો છે. આ રીતે અન્ય પણ જે કોઈ વસ્તુ આ સંસારમાં છે તે સર્વે પણ વસ્તુ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળી જ છે. આવું તીર્થકર ભગવંતોને અભિમત છે. તેઓએ કેવલજ્ઞાનથી આ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ જોયેલું છે અને પ્રત્યક્ષપણે સંસારી સર્વે જીવોને પણ આ જ પ્રમાણે વસ્તુ સ્વરૂપ અનુભવાય છે. તેથી ઉત્પત્તિમત્ત્વ ધર્મ હોવાથી ઘટમાં જેવું વિનાશીપણું સિદ્ધ થાય છે તે જ રીતે અવિનાશીપણું પણ સિદ્ધ થાય છે. તેમ થયે છતે સાધ્ય સાધવા માટે ધર્મી (પક્ષ) તરીકે બનાવેલા ચૈતન્ય નામના પક્ષમાં વિનાશિત્વની જેમ અવિનાશિત્વ પણ સિદ્ધ થાય છે. તેથી ચૈતન્યધર્મથી અભિન્ન એવો જીવ પણ કથંચિત્ જેમ વિનાશી છે તેમ કથંચિત્ નિત્ય પણ છે જ.
માટીનો જે પિંડ છે તેનો પિંડાકારપણે વિનાશ. પિંડમાં પિંડગત શક્તિ છે તે શક્તિરૂપે વિનાશ. પૃથુબુદ્ધોદરાદિ જે ઘટાકાર છે તે આકારપણે ઉત્પાદ. ઘટની જલાધારાદિ જે શક્તિ છે તે શક્તિરૂપે ઉત્પાદ. વર્ણાદિ ગુણવાળાપણે બન્ને કાલમાં હોવાથી ધ્રૌવ્ય.
તથા માટીદ્રવ્યરૂપે બને કાલમાં હોવાથી ધ્રૌવ્ય. આ પ્રમાણે ઘટપદાર્થમાં પૂર્વપર્યાયરૂપે વિનાશ, ઉત્તરપર્યાયરૂપે ઉત્પાદ અને મૂલદ્રવ્યરૂપે ધ્રૌવ્ય એમ ત્રણે ધર્મો એકીસાથે જ છે. તેથી ઉત્પાદ હોવાથી જેમ વ્યય છે તેમ તે જ ઉત્પાદ હોવાથી ધ્રૌવ્ય પણ સાથે જ છે. માટે ચૈતન્યગુણ કેવલ એકલો વિનાશી નથી પણ અવિનાશી (નિત્ય-ધ્રુવ) પણ અવશ્ય છે જ. તેની સાથે અભેદભાવ રહેલો જીવ પણ કેવલ વિનાશી નથી પણ ઉત્પત્તિવાળો હોવાથી ધ્રુવ (નિત્ય) પણ અવશ્ય છે જ. માટે પરલોક ઘટી શકે છે. પરલોકનો અભાવ થતો નથી. આ વાત હવે પછીની ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. ll૧૯૬૪-૧૯૬પા
घडचेयणया नासो, पडचेयणया समुब्भवो समयं । संताणेणावत्था, तहेह-परलोअ-जीवाणं ॥१९६६॥ मणुएहलोगनासो सुराइपरलोगसंभवो समयं । जीवतयाऽवत्थाणं, नेहभवो नेय परलोओ ॥१९६७॥