________________
ગણધરવાદ
દશમા ગણધર - મેતાર્ય
૫૪૩
કે પરલોક સંભવતો નથી. જેમ મદિરાનાં અંગો ગોળ-ધાવડી વગેરે પદાર્થો છે તેનો જ ધર્મ જે મદશક્તિ છે તે મદશક્તિ મદિરાનાં અંગો હોય ત્યાં સુધી જ હોય છે. મદિરાનાં અંગોનો નાશ થયે છતે તેના ધર્મભૂત એવી મદશક્તિનો પણ નાશ થાય છે. તેવી જ રીતે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે આમ માનીએ તો તે ચૈતન્ય ભૂતોથી અભિન્ન તત્ત્વ થયું. કારણ કે ધર્મીથી ધર્મ અભિન્ન હોય છે. હવે ધર્મી એવા ભૂતોનો નાશ થયે છતે તેના ધર્મભૂત એવા ચૈતન્યનો પણ નાશ જ સંભવે છે. તેથી પરલોકયાયી કોઈ તત્ત્વ જ ન હોવાથી પરલોકનો અભાવ થાય છે. જે ધર્મ જેનાથી અભિન્ન હોય છે તે ધર્મનો નાશ થયે છતે તે ધર્મનો પણ નાશ થાય છે. જેમકે પટાદિ પદાર્થનો ધર્મ શુકલતા આદિ છે. તે પટાદિનો નાશ થયે છતે તે શુક્લતાદિ ધર્મનો પણ નાશ થાય જ છે. કપડું બાળી નાખીએ ત્યારે કપડાની ઉજ્વળતા પણ બળી જ જાય છે. તેની જેમ ભૂતોના નાશની સાથે જ ચૈતન્ય નાશ પામી જાય છે. તેથી ભવાન્તરગમન કેમ ઘટે ? ||૧૯૫૨॥
હવે કદાચ કોઈ એમ કહે કે ચૈતન્ય એ ભૂતોથી અર્થાન્તર (ભિન્ન) છે. તો પણ પરલોક ઘટતો નથી. આ વાત સમજાવે છે
-
अह वि तदत्थंतरया, न य निच्चत्तणमओ वि तदवत्थं । अनलस्स वाऽरणीओ, भिन्नस्स विनासधम्मस्स ॥१९५३॥
( अथाऽपि तदर्थान्तरता, न च नित्यत्वमतोऽपि तदवस्थम् । अनलस्येवाऽरणीतो भिन्नस्य विनाशधर्मस्य ॥ )
ગાથાર્થ - - અથવા ચૈતન્યની પૃથ્વી આદિ ભૂતોથી અર્થાન્તરતા માનવામાં આવે તો પણ ભવાન્તરયાયીના અભાવ નામનું દૂષણ તેવી જ અવસ્થાવાળું આવે છે. કારણ કે ચૈતન્ય એ નિત્ય નથી. જેમ અરણીના કાષ્ઠથી ઉત્પન્ન થયેલો એવો વિનાશધર્મયુક્ત અગ્નિ નાશવંત છે તેમ. ૧૯૫૩॥
વિવેચન - હવે કદાચ ચૈતન્યની પૃથિવી આદિ પાંચભૂતોથી અર્થાન્તરતા સ્વીકારાય. એટલે કે ચૈતન્ય એ ભૂતધર્મ નથી પણ ભૂતોમાંથી ઉત્પન્ન થનારો સ્વતંત્ર ભિન્ન પદાર્થ છે. તો પણ તે જ દોષ આવે છે. અર્થાત્ ભવાન્તરમાં જનારા જીવનો અભાવ થવાનો તે જ દોષ ઉભો રહે છે. એટલે તવસ્થં તે દોષ તેવી જ અવસ્થાવાળો જ ઉભો રહે છે. દોષ દૂર થતો નથી. ગાથામાં લખેલ = શબ્દનો અર્થ યતઃ કરવો. યતઃ એટલે કારણ કે, તેથી, આવો અર્થ થાય છે. કારણ કે ભૂતોથી ભિન્ન માનેલું એવું પણ ચૈતન્ય નિત્ય
=