________________
૫૩૨
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ કર્મપુદ્ગલોનો પણ તેવો તેવો સ્વભાવ છે. અર્થાત્ તેવી તેવી કોઈ યોગ્યતાવિશેષ અંદર છે કે જેથી શુભ-અશુભ ભાવવાળા જીવ વડે ગ્રહણ કરાતું છતું તે કર્મ પણ તે રૂપે (શુભઅશુભરૂપે) પરિણામ પામે છે.
જેમ જીવ વડે ગ્રહણ કરાતો આહાર એકસરખો-સમાન હોવા છતાં પણ જીવના કારણે ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામે છે. ગાય દૂધ પીએ તો તે આહાર દૂધરૂપે પરિણામ પામે અને સાપ દૂધ પીએ તો વિષરૂપે પરિણામ પામે. આ રીતે આશ્રયના સ્વભાવના કારણે દૂધ જેમ દૂધ અને વિષ બને છે તેમ જીવ વડે કર્મ શુભ અને અશુભભાવે પરિણામ પામે છે. તથા આહારરૂપે લેવાતા તે દૂધમાં પણ તેવો સ્વભાવ છે કે જે દૂધરૂપે અને વિષરૂપે પરિણામ પામવાની યોગ્યતાવિશેષ ધરાવે છે. તેવી જ રીતે કર્મના પુદ્ગલોમાં પણ શુભપણે અને અશુભપણે પરિણામ પામવાની યોગ્યતાવિશેષ પણ રહેલી છે.
પ્રશ્ન - કર્મ પુગલોમાં અને જીવમાં રહેલા આવા પ્રકારના પરિણમન કરવાના અને પરિણમન પામવાના આશ્રયસ્વભાવના કારણે શું શુભાશુભત્વ રૂપ પરિણમન માત્ર જ થાય ? કે બીજું પણ કંઈ પરિણમન થાય ?
ઉત્તર - કર્મોમાં શુભાશુભત્વ રૂપ જે પરિણમન થાય છે તે તો ઉપલક્ષણરૂપ છે. અર્થાત્ આ એક પરિણમનનું વિધાન કરેલ છે. તેના ઉપલક્ષણથી (તેનાથી અધ્યાહારપણે) જે સમયે જીવ કર્મ બાંધે છે તે જ સમયમાં તે કર્મપુદ્ગલોમાં પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગની વિચિત્રતા પણ આ જીવ કરે છે. અનંતાનંત કર્મ દલિકો જીવ ગ્રહણ કરે છે. તેમાં જુદા જુદા કર્મદલિકોને જુદી જુદી પ્રકૃતિરૂપે પરિણમાવે છે. તથા દરેક કર્મપ્રકૃતિઓમાં જુદો જુદો સ્થિતિબંધ પણ કરે છે. તથા દરેક કર્મપુગલોમાં ભિન્ન ભિન્ન રસબંધ પણ કરે છે. આ રીતે જીવનો પરિણામસ્વભાવ અને કર્મપુદ્ગલોમાં તેવા તેવા ભાવે પરિણામ પામવાની યોગ્યતા આ બન્ને કારણોને લીધે જીવ ગ્રહણ સમયે જ આ સઘળું કાર્ય કરે છે.
એકસમયે ગ્રહણ કરાતા તે અનંતાનંત કર્મપરમાણુઓનો કોઈ કર્મને અલ્પભાગ અને કોઈક કર્મને બહુભાગ આપે છે. આવી વિચિત્રતા પણ આ જીવ ગ્રહણ સમયે જ ઉપરોક્ત કારણોને લીધે કરે છે. આ પ્રમાણે જીવ પોતે જ કર્મોના બંધકાલે જ પરિણામ પમાડવાના અને પરિણામ પામવાના આશ્રયસ્વભાવના કારણે જ સર્વકાર્ય કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
गहणसमयम्मि जीवो, उप्पाएइ गुणे सपच्चयओ । सव्वजियाणंतगुणे, कम्मपएसेसु सव्वेसु ॥१॥