________________
૫૩૦
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
ગોઠવાયેલાં અર્થાત્ શુભાશુભના ભેદથી રહિતપણે રહેલાં એવાં અર્થાત્ એવા ભેદ વિનાના પુદ્ગલોથી નિરન્તર આ લોક ભરેલો છે, વ્યાપ્ત છે. તેથી જે સમયે આ જીવ કર્મોનો બંધ કરે છે તે સમયે “સ્થૂલ અને તનુ” આવા પ્રકારનાં બે વિશેષણોમાંથી સૂક્ષ્મને જ ગ્રહણ કરે અને સ્થૂલને (બાદરને) ગ્રહણ ન કરે. આ વિશેષણ ૧૯૪૦મી ગાથામાં કહેલું ઘટી શકે છે. કારણ કે તનુ = અર્થાત્ સૂક્ષ્મવર્ગણા જ આ જીવ કર્મરૂપે ગ્રહણ કરે છે. આવા સૂક્ષ્મ વિશેષણથી વિશિષ્ટ જે પુદ્ગલો છે. તેનાથી અન્ય (બાદર તથા અતિશય સૂક્ષ્મ) પુદ્ગલો તો આ જીવ વડે કર્મરૂપે સ્વભાવથી જ ગ્રહણ કરાતાં નથી. માટે બાદર અને સૂક્ષ્મમાંથી સૂક્ષ્મને જ ગ્રહણ કરે છે. આ વિશેષણ સાર્થક છે. ઘટી શકે છે માટે યથાર્થ છે.
પરંતુ શુભાશુભ આવું વિશેષણ ગ્રહણકાલે (બંધકાલે) કેમ સંભવે ? કારણ કે શુભ અને અશુભ એમ બન્ને પ્રકારનાં પુદ્ગલોથી અવિશિષ્ટપણે આ લોક ભરેલો છે. એટલે આ જીવ પોતાના સ્વભાવથી તો શુભાશુભ એવા ભેદથી રહિત સામાન્ય પુદ્ગલોને ગ્રહણ કરી શકે છે. તેથી કર્મના બંધકાલે અર્થાત્ તે જ ક્ષણમાં કર્મપુદ્ગલોને ગ્રહણ કરવાના કાલે જ તે જીવને શુભાશુભનો ભેદ કેમ ઘટે ? શુભ જ પુદ્ગલો લેવાં પણ અશુભ પુદ્ગલો ન લેવાં અથવા અશુભ જ પુદ્ગલો લેવાં પણ શુભ પુદ્ગલો ન લેવાં, આવો વિભાગ બંધકાલે કેમ ઘટે ? બાદર-સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ વિશેષણ ઘટે, પણ શુભાશુભ વિશેષણનો વિભાગ કેમ ઘટે ? આ વિશેષણ બંધકાલે કોઈ રીતે ઘટતું નથી. આવો પરનો (પૂછનારનો) આશય છે.
તેથી ‘‘સોહળવાશુળ'' ઈત્યાદિ ગાથામાં કર્મોના જે શુભાશુભ ભેદ પાડ્યા છે તે યોગ્ય નથી, ઘટતા નથી. આમ પ્રશ્ન કરનાર અચલભ્રાતાજીના હૈયાનો ભાવ છે. ૧૯૪૨॥
પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ ઉત્તર આપે છે
-
अविसि चिय तं सो परिणामासयसभावओ खप्पं । कुरुते सुभमसुभं वा गहणे जीवो जहाहारं ॥१९४३॥
(अविशिष्टमेव तत् स परिणामाश्रयस्वभावतः क्षिप्रं । कुरुते शुभमशुभं वा ग्रहणे जीवो यथाऽऽहारम् ॥ )
ગાથાર્થ - જીવ પ્રથમ તો અવિશિષ્ટ એવા જ કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. પરંતુ પોતાના અધ્યવસાયસ્વભાવના કારણે અને આશ્રયસ્વભાવના કારણે ગ્રહણકાલે જ આહારની
જેમ આ જીવ તે કર્મને શુભ અથવા અશુભરૂપે પરિણમાવે છે. ૧૯૪૩