________________
૫૧૮
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
અતિશય દુઃખ આવે છે અને તે જ પાપના અપકર્ષથી સુખ પ્રાપ્ત થાય છે. આમ દુઃખ અને સુખ આ બન્ને પાપથી જ સિદ્ધ થઈ જાય છે. માટે પુણ્યકર્મ માનવાની જરૂર નથી. પાપનો ઉત્કર્ષ એ દુઃખનું કારણ અને પાપનો અપકર્ષ એ સુખનું કારણ છે. આવા પ્રકારની માન્યતાવાળા આ બીજા પક્ષના ખંડન માટે “કેવલ પુણ્યકર્મ જ છે એવા પ્રકારના પ્રથમ પક્ષના ખંડનવાળા વાદમાં જે જે દૂષણો કહ્યાં તેનાથી વિપરીત બુદ્ધિ વડે સર્વ ન્યાય અહીં પણ સ્વયં જોડી દેવો. તે આ પ્રમાણે છે -
પાપ એ દુઃખનું જ કારણ હોવાથી જેમ ઉત્કૃષ્ટ પાપ હોય તો ઉત્કૃષ્ટ દુઃખ હોય છે. તેમ પાપનો અપકર્ષ હોય (એટલે કે અલ્પ પાપ હોય) તો તેનાથી ભલે અલ્પમાત્રાવાળું દુઃખ પ્રાપ્ત થાય, પણ તે પાપના અપકર્ષથી દુઃખ જ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત ન જ થાય. કારણ કે જેમ પુણ્ય સુખનું જ કારણ છે. તેનાથી દુઃખ ન જ આવે, તેમ પાપ દુઃખનું જ કારણ છે માટે તેનાથી દુઃખ જ આવે, પરંતુ અલ્પમાત્રાવાળું પણ સુખ ન જ આવે. જેમ અમૃત એ જીવનનું કારણ છે તે ઉત્કૃષ્ટમાત્રામાં હોય તો જીવનને ઉત્કૃષ્ટપણે લંબાવે અને તે જ અમૃત અલ્પમાત્રામાં હોય તો જીવનને અલ્પમાત્રાએ લંબાવે, પણ લંબાવવાનું કામ કરે, ટૂંકાવવાનું કામ ન જ કરે. તથા વિષ વધારે પ્રમાણમાં હોય તો તરત જ મૃત્યુ કરાવે અને તે જ વિષનો થોડો એવો પણ અંશ હોય તો ધીમે ધીમે મૃત્યુ કરાવે પણ મૃત્યુનું જ કારણ બને. સ્વાથ્યનું કે લાંબા જીવનનું કારણ બનતું નથી. વિષનો અંશ છે તેટલા અંશમાત્રથી તે સ્વાથ્યહેતુ બનતો નથી. કારણ કે આખરે તો તે અંશ-લવ છે તો પણ વિષનો જ લવ છે. એટલે વિષનું ફળ જે મારણ છે તે મારણને જ આપનાર બને છે. જીવાડનાર બનતું નથી.
આ રીતે વિચારતાં અલ્પ એવું પણ સુખ પુણ્યકર્મથી જન્ય છે પણ પાપના અપકર્ષથી જન્ય નથી. આ રીતે ઉપર કહેલી દિશા પ્રમાણે વિપરીત પણે પોતાની બુદ્ધિથી જ સ્વયં સમજી લેવું. તેથી જેમ જીવનનો હેતુ અમૃત અને મરણનો હેતુ વિષ એમ બને કાર્યોમાં બન્ને કારણો ભિન્ન ભિન્ન છે અને સ્વતંત્ર છે. અમૃતની અલ્પતાથી મૃત્યુ-આત્મક કાર્ય અને વિષની અલ્પતાથી જીવનાત્મક કાર્ય થતું નથી. તેની જેમ સુખ અને દુઃખાત્મક બન્ને પ્રકારનાં કાર્યોનું પુણ્ય-પાપાત્મક અને પ્રકારનું કર્મ ભિન્ન-ભિન્ન અને સ્વતંત્ર સમજવું જોઈએ, પણ પુણ્યના અપકર્ષથી દુઃખ અને પાપના અપકર્ષથી સુખ માનવું જોઈએ નહીં. કારણ કે પુણ્યકર્મ ક્યારેય દુઃખનું અને પાપકર્મ ક્યારેય સુખનું કારણ બનતું નથી. આ રીતે બીજા પક્ષનું ખંડન પણ અહીં સમાપ્ત થયું.