________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૦૯
છે કે મૂર્તવસ્તુ અમૂર્તનું કારણ બને છે. તો પછી અન્નાદિ, જલાદિ, ઔષધાદિ અને આદિ શબ્દથી ફુલની માળા, ચંદન-અંગના, વિષ, સર્પ અને કંટકાદિ પ્રત્યક્ષપણે નજરે દેખાતી જે મૂર્ત વસ્તુઓ છે તેને જ સુખ-દુઃખનું કારણ માની લો ને ? ન દેખાતા એવા કર્મને કારણ માનવાની જરૂર શું ? બાહ્ય પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓ કારણ હોવા છતાં અદૃષ્ટ એવા કર્મને કારણ માનીએ તો અતિપ્રસંગ આવે. કારણ કે આવી ન દેખાતી બીજી વસ્તુને પણ કારણ માનવાની આપત્તિ આવે.
ઉત્તર - તવેતન્ ન = તે આ પ્રશ્ન ઉચિત નથી. જો કેવલ એકલી ચક્ષુથી દેખાતી બાહ્ય વસ્તુઓને જ સુખ-દુઃખાદિનું કારણ માનીએ તો સુખ અને દુઃખના સાધનભૂત એવી ચક્ષુથી દેખાતી બાહ્યવસ્તુઓ જેની જેની પાસે તુલ્ય છે છતાં તેમાં ફલભેદ અર્થાત્ મોટો કાર્યભેદ નજરે દેખાય છે. તેની પાછળ અવશ્ય કોઈક આન્તરિકકારણ હોવું જોઈએ અને તે જ કર્મ નામનું આન્તરિક કારણ છે.
તુલ્ય અન્નાદિ, જલાદિ, ઔષધાદિ મળવા છતાં પણ કોઈકને તેનો ઉપયોગ કરીને પરમ આહ્લાદ થાય છે અને તે જ અન્નાદિનો ઉપયોગ કરીને બીજા કોઈકને રોગાદિની ઉત્પત્તિ થાય છે. એક જ પ્રકારનું ઔષધ લેવા છતાં કોઈકનો રોગ મટે છે અને કોઈકનો રોગ મટતો નથી. આ પ્રમાણે બાહ્ય એવાં અન્નાદિ સાધન તુલ્ય હોવા છતાં પણ જે ફળભેદ દેખાય છે તેની પાછળ અવશ્ય કોઈક કારણ છે. જો નિષ્કારણ આમ બનતું હોય તો સદા તેમજ બનવું જોઈએ અથવા ક્યારેય પણ તેમ ન બનવું જોઈએ. કારણ કે નિષ્કારણ માનવામાં નિત્ય સત્ત્વ-અસત્ત્વનો પ્રસંગ આવે. માટે તુલ્ય સાધનસામગ્રી હોવા છતાં પણ જે ફળભેદ દેખાય છે તેનું કારણ ન દેખાતું એવું અદૃષ્ટ કર્મ જ છે. તેથી કેવલ એકલી બાહ્ય સાધનસામગ્રી સુખ-દુઃખનું કારણ નથી પણ અંદર રહેલું ચક્ષુથી ન દેખાતું એવું પુણ્ય-પાપ નામનું કર્મ પણ કારણ છે. તેથી કર્મની કલ્પના કરવી તે અનર્થક નથી પણ સાર્થક છે, સપ્રયોજન છે. ૧૯૨૬॥
સુખ-દુઃખાદિનું કારણ પુણ્ય અને પાપ નામનું કર્મ છે અને તે નથી દેખાતું તો પણ મૂર્ત છે, રૂપી છે. હવે કર્મને મૂર્ત માનવાનું કારણ શું ? તે પરમાત્મા સમજાવે છે एत्तोच्चि तं मुत्तं, मुत्तबलाहाणओ जहा कुंभो । देहाइकज्जमुत्ताइओ व भणिए पुणो भाइ ॥१९२७॥
( एतस्मादेव तन् मूर्तं मूर्तबलाधानतो यथा कुम्भः । देहादिकार्यमूर्तादितो वा भणिते पुनर्भणति ॥ )