________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
વિવેચન - ગાથાના અવતરણમાં પ્રશ્ન કરનારા ઈન્દ્રભૂતિજીને ભગવાન મહાવીર પ્રભુ કહે છે કે હે ઈન્દ્રભૂતિ ! તમારા વડે ગુણોથી ગુણી ભિન્ન છે એમ સમજાય છે કે અભિન્ન છે એમ સમજાય છે ? આ બે પક્ષોમાંથી કહો તમે કયો પક્ષ સમજો છો ? જો તે ગુણીદ્રવ્ય પોતપોતાના ગુણોથી અભિન છે એમ માનતા હો તો જ્ઞાન-શ્રુતિજિજ્ઞાસા આદિ ગુણોનું પ્રત્યક્ષ ગ્રહણમાત્ર થવાથી જ તે ગુણોની સાથે અભિન્ન ભાવે રહેલો ગુણી એવો આત્મા પણ પ્રત્યક્ષ ગ્રહણ થયો જ. આ રીતે આત્મદ્રવ્ય પ્રત્યક્ષ જ છે. આ વાત સિદ્ધ થઈ જ. જે વસ્તુ જેનાથી અભિન્ન હોય છે તેમાંની એક ગ્રહણ થયે છતે અભિન્ન એવી બીજી વસ્તુ પણ ગ્રહણ થાય જ છે. જેમ કે વસ્ત્રમાં રહેલું રૂપ. ચક્ષુ દ્વારા રૂપ દેખાયે છતે રૂપવાળું વસ્ત્ર પણ દેખાય જ છે. તેની જેમ ગુણી એવો આત્મા પણ પોતાના જ્ઞાનાદિ ગુણોથી અભિન છે. તેથી જ્ઞાનાદિ ગુણો ગ્રહણ થયે છતે ગુણી એવો આત્મા પણ ગ્રહણ થયો જ. અભિન્ન માનવાથી આત્મા પણ પ્રત્યક્ષ છે આ વાત સિદ્ધ થાય છે. વળી અર્વાગ્દર્શને આત્માનું સંપૂર્ણ પ્રત્યક્ષ તો અશક્ય જ છે. માટે સ્મૃતિરૂપ એકાદ ગુણના પ્રત્યક્ષથી આત્માનું પ્રત્યક્ષ સ્વીકારી લેવું જોઈએ “એકાદ ગુણનું પ્રત્યક્ષ થાય” તે તો બહુ અલ્પ છે આમ કહેવું ઉચિત નથી. ગુણના પ્રત્યક્ષથી ગુણી અવશ્ય પ્રત્યક્ષ કહેવાય છે.
હવે જો ગુણોથી ગુણી ભિન્ન છે આમ માનશો તો આમ માનવાથી (ભલે આત્મા પ્રત્યક્ષસિદ્ધ નહીં થાય પરંતુ) ગુણી એવા ઘટ-પટ આદિ ઈતર પદાર્થો પણ પ્રત્યક્ષ રહેશે નહીં. કારણ કે ત્યાં પણ ઘટ-પટાદિ ગુણીથી ભિન્ન એવા રૂપ-રસાદિ ગુણો જ માત્ર પ્રત્યક્ષ થાય છે. આમ જ માનવાનું રહેશે. કારણ કે આ સંસારમાં જે પદાર્થ જેનાથી ભિન્ન હોય છે ત્યાં બેમાંથી એક ગ્રહણ થયે છતે બીજાનું ગ્રહણ થતું નથી. જેમ ઘટદ્રવ્યથી પટદ્રવ્ય ભિન્ન છે તેથી ઘટ દેખાય છતે કંઈ પટ દેખાઈ જતો નથી. તેમ તમે જો ગુણોથી ગુણી ભિન્ન છે આમ માનશો તો રૂપ-રસાદિ ગુણો ભલે ઈન્દ્રિયોથી ગ્રહણ થાય પરંતુ ઘટપટ-સાકર આદિ મૂળભૂત દ્રવ્યોનું ગ્રહણ ઈન્દ્રિયોથી નહીં થાય. તે તે દ્રવ્યો અપ્રત્યક્ષ જ બનશે. પણ આ વાત ઉચિત નથી. કારણ કે ઘટ-પટ આદિ દ્રવ્યો ચક્ષુથી પ્રત્યક્ષ છે. સાકરાદિ દ્રવ્યો રસનેન્દ્રિયથી પ્રત્યક્ષ છે, કમલાદિ દ્રવ્યો ધ્રાણેન્દ્રિયથી પ્રત્યક્ષ છે આ વાત આ-બાલ-ગોપાલ પ્રસિદ્ધ છે.
સારાંશ કે ગુણોથી ગુણીને જો અભિન માનો તો સ્મૃતિ આદિ આત્માના ગુણો પ્રત્યક્ષસિદ્ધ હોવાથી જીવ પણ પ્રત્યક્ષસિદ્ધ થાય છે અને ગુણોથી ગુણીને જો ભિન્ન માનશો તો રૂપ-રસાદિ ગુણો પ્રત્યક્ષ થવા છતાં તેના ગુણી ઘટ-પટાદિ પ્રત્યક્ષ થશે નહીં. સ્મૃતિ