________________
૪૯૪
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
( एवमेव द्वे भिन्ने भवेतां, भवेद् वा स्वभावत एव । भवसम्भूतिः, भण्यते न स्वभावाद् यतोऽभिमतः ॥ भवेत्स्वभावो वस्तु, निष्कारणता वा वस्तुधर्मो वा । यदि वस्तु नास्ति, सकोऽनुपलब्धेः खपुष्पमिव ।)
ગાથાર્થ - આ જ પ્રમાણે કેટલાકના મતે પુણ્ય અને પાપ એમ બન્ને કર્મો ભિન ભિન્ન છે. વળી કેટલાકના મતે સ્વભાવમાત્રથી જ આ સંસારની ઉત્પત્તિ છે. આ પાંચે વિકલ્પોમાં હવે સાચો ઉત્તર વિચારાય છે. સ્વભાવમાત્રથી આ સંસારની ઉત્પત્તિ ઘટતી નથી. કારણ કે સ્વભાવ એ શું કોઈ વસ્તુ સ્વરૂપ છે ? કે નિષ્કારણતા છે ? કે વસ્તુનો ધર્મમાત્ર છે ? જો સ્વભાવ એ વસ્તુમાત્ર કહો તો તે પક્ષ બરાબર નથી. કારણ કે આકાશપુષ્પની જેમ સ્વભાવાત્મક તે વસ્તુ દેખાતી નથી. માટે નથી. ll૧૯૧૨-૧૯૧૩ll
વિવેચન - ત્રણ વિકલ્પો કહીને હવે ચોથા વિકલ્પવાળાનો મત કહે છે. આ જ પ્રમાણે કેટલાકના મતે પુણ્ય અને પાપ બન્ને પ્રકારનાં કર્મ છે અને તે સ્વતંત્ર છે કારણ કે તે બન્નેના ફળભૂત એવાં સુખ અને દુઃખ બને જુદાં જુદાં અનુભવાય છે. એકસાથે બને અનુભવાતાં નથી. આ રીતે સુખ એ પુણ્યકર્મનું ફળ છે અને દુઃખ એ પાપકર્મનું ફળ છે એમ બન્નેનાં ભિન્ન ભિન્ન કાર્ય દેખાતાં હોવાથી તે બન્નેના કારણભૂત એવાં બને કર્મો પણ પુણ્ય અને પાપના નામે અલગ અલગ છે. આવો ચોથો મત છે.
હવે પાંચમાં મતવાળાનું એવું માનવું છે કે પુણ્યકર્મ પણ નથી અને પાપકર્મ પણ નથી. આ બન્ને કર્મો વિના સ્વભાવમાત્રથી જ આ સંસારની વિચિત્રતા સંભવે છે. કર્મ જેવું કોઈ કારણ નથી. જેમ આકાશમાં વાદળોની ઘટા સ્વાભાવિકપણે જ ભિન્ન ભિન્ન આકારે બને છે તેમ આ સંસારની વિચિત્રતા સ્વાભાવિકપણે જ પ્રવર્તે છે. આમ પુણ્ય અને પાપની બાબતમાં પાંચ મતો છે. તે દર્શાવ્યા છે. આવા પાંચ મતો સાંભળવાથી હે અચલભ્રાત ! તમને સંશય થયો છે. પરંતુ તે સંશય કરવા જેવો નથી. કારણ કે ઉપરોક્ત પાંચ વિકલ્પોમાંથી માત્ર ચોથા નંબરવાળો એક જ વિકલ્પ આદરવા જેવો છે. બાકીના સર્વે વિકલ્પો આદરવા જેવા નથી. બાકીના ૧, ૨, ૩ અને ૫ આ ચાર પક્ષો ખોટા છે તેથી તે પક્ષોનું ખંડન હવે અમે સમજાવીએ છીએ.
ત્યાં પ્રયાસત્તિન્યાયને અનુસરીને પાંચમાં વિકલ્પનું પ્રથમ ખંડન કરે છે. “જે નજીકનો પક્ષ હોય તેને પ્રત્યાસત્તિ કહેવાય છે” ઉપર જે ક્રમશઃ પાંચ પક્ષો સમજાવાયા, તેમાં છેલ્લો પાંચમો પક્ષ હમણાં જ બતાવ્યો છે. એટલે ઉલટા ક્રમે તે અતિશય નજીક છે એમ સમજીને પાંચમા વિકલ્પનો ઉત્તર સૌથી પ્રથમ કહેવાય છે -