________________
આઠમા ગણધર - અકંપિત
બીજી રીતે તત્ત્વ સમજાવીને ઉત્તર આપતાં કહે છે કે
अहवा जमिंदियाणं पच्चक्खं, किं तदेव पच्चक्खं ? । उवयारमेत्तओ तं, पच्चक्खमणिंदियं तत्थं ॥ १८९२ ॥ ( अथवा यदिन्द्रियाणां प्रत्यक्षं किं तदेव प्रत्यक्षम् ? । उपचारमात्रतस्तत्, प्रत्यक्षमनिन्द्रियं तथ्यम् ॥ )
ગણધરવાદ
૪૭૩
ગાથાર્થ - અથવા ઈન્દ્રિયોને જે પ્રત્યક્ષ હોય તે જ શું પ્રત્યક્ષ કહેવાય ? ખરેખર તો તે ઉપચારમાત્રથી પ્રત્યક્ષ છે. પરમાર્થથી તો સાચું પ્રત્યક્ષ જ્ઞાન અતીન્દ્રિય જે છે તે છે. ૧૮૯૨૫
વિવેચન - હે અકંપિત ! શું આ પાંચ ઈન્દ્રિયોથી જે જણાય તેને જ પ્રત્યક્ષ તમારા વડે મનાય છે ? મારા જે કૈવલજ્ઞાન દ્વારા અતીન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન છે તેને પ્રત્યક્ષ તરીકે નથી સ્વીકારાતું ? ખરેખર આ જ મોટી વિપરીત બુદ્ધિ છે. કારણ કે ઈન્દ્રિયો દ્વારા જે પ્રત્યક્ષ જણાય છે તેને તો ખરેખર ઉપચારમાત્રથી જ પ્રત્યક્ષ તરીકે વ્યવહારાય છે. પરમાર્થથી તો તે પરોક્ષ જ છે. અનુમાન પ્રમાણમાં બાહ્ય એવા ધૂમાદિ લિંગ દ્વારા અગ્નિ આદિ વસ્તુઓ જેમ જણાય છે તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાનમાં બાહ્યલિંગાદિ કારણ નથી. તેથી જાણે પ્રત્યક્ષ હોય શું ? એમ સમજીને પ્રત્યક્ષ તરીકે તેમાં ઉપચાર કરાય છે. બાહ્ય ધૂમાદિ જેવાં લિંગ-કારણ નથી એટલે જાણે સાક્ષાત્ જણાય છે. જાણે પ્રત્યક્ષ દેખાય છે. આમ સમજીને ઉપચારથી પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે.
પરમાર્થથી તો આ ઈન્દ્રિયજન્યજ્ઞાન પરોક્ષ જ છે. કારણ કે અક્ષ એટલે જીવ. જીવને સાક્ષાત્ જે જણાય તે પરમાર્થથી પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આ ત્રણ જ્ઞાનો પરમાર્થથી પ્રત્યક્ષ છે. ઈન્દ્રિયજન્ય મતિ-શ્રુતજ્ઞાનમાં આ જીવ અનુમાનની જેમ વસ્તુને પોતે સાક્ષાત્ જાણતો નથી. પરંતુ ઈન્દ્રિયો દ્વારા જાણે છે. તેમાં ઈન્દ્રિયો જ મોટું કારણ છે. તેથી ઈન્દ્રિયજન્ય જ્ઞાન પરોક્ષ જ છે. અતીન્દ્રિય જ્ઞાન જ સાચી રીતે પ્રત્યક્ષ આમ સમજવું જોઈએ. કારણ કે અતીન્દ્રિય જ્ઞાન-કાલે જીવ વડે જ ઈન્દ્રિયોની સહાય વિના વસ્તુ સાક્ષાત્ જણાય છે. માટે પરમાર્થથી તો તે અતીન્દ્રિય જ્ઞાન જ પ્રત્યક્ષ છે. ૧૮૯૨
અહીં કદાચ આવી શંકા તમે કરો કે “ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનમાં” જો કે જીવ પોતે વસ્તુને સાક્ષાત્ જાણતો નથી. ઈન્દ્રિયો દ્વારા જાણે છે. પરંતુ ઈન્દ્રિયો તો વસ્તુને