________________
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક
૪૨૭
ન બને, ઈત્યાદિ દોષો આવવાની આપત્તિ આવે. તેથી અચેતન એવું અદૃષ્ટ એ પરિસ્પન્દનનું કારણ નથી. પરંતુ કર્મથી યુક્ત એવો સચેતન આત્મા જ પ્રતિનિયત એવા સ્થૂલ દેહના પરિસ્પન્દનનો હેતુ હોવાથી આત્મા જ આ કાર્યમાં વેપારાત્મક છે. તેથી આત્મા સક્રિય છે. ll૧૮૪૭-૧૮૪૮
મંડિક - હે ભગવાન ! સ્કૂલ દેહના પરિસ્પન્દનનું કારણ કર્મયુક્ત એવો જીવ જ જો હોય તો કર્મયુક્ત ભવસ્થ જીવમાં સક્રિયત્વ સંભવે, પરંતુ મુક્તાત્માને આ સક્રિયત્ન કેમ ઘટે ? કારણ કે તેને તો સ્થૂલશરીર જ નથી. તેથી તેનું પરિસ્પન્દન નથી તો મોક્ષ જતા આત્માને સાત રાજ ગતિ કરવા સ્વરૂપ સક્રિયત્ન કેમ સંભવે ? આવી મંડિકની શંકાનો ભગવાન ઉત્તર આપે છે -
होउ किरिया भवत्थस्स, कम्मरहियस्स किंनिमित्ता सा ? । नणु तग्गइपरिणामा, जह सिद्धत्तं तहा सा वि ॥१८४९॥ (भवतु क्रिया भवस्थस्य, कर्मरहितस्य किंनिमित्ता सा । ननु तद्गतिपरिणामाद् यथा सिद्धत्वं तथा साऽपि ॥)
ગાથાર્થ - ભવસ્થ એવા જીવમાં તે ક્રિયા ભલે હો, પરંતુ કર્મરહિત એવા જીવમાં તે ક્રિયા કયા નિમિત્તે હોય ? ઉત્તર - તગતિ પરિણામ હોવાથી તે ક્રિયા થાય છે. જેમ સિદ્ધત્વ પ્રગટ થાય છે તેમ. /૧૮૪૯ll
વિવેચન - આ ગાથામાં પહેલા અર્ધા ભાગમાં પ્રશ્ન છે. પાછલા અર્ધા ભાગમાં ઉત્તર છે. ભાવાર્થ લગભગ કહેવાઈ ગયો છે. છતાં સારાંશ આ પ્રમાણે છે -
સ્થૂલ દેહમાં થતા પરિસ્પન્દનનું કારણ જો કર્મયુક્ત એવો જીવ જ હોય અને તેથી તે સંસારી જીવ જો સક્રિય હોય તો ભલે એમ હો. ભવસ્થ જીવમાં ક્રિયા હો. કારણ કે તે જીવ કર્મોદયવાળો છે. પરંતુ કર્મરહિત એવા મોક્ષના જીવમાં તે ક્રિયા છે એમ કેવી રીતે માનવું ? કારણ કે ત્યાં તો કર્મ નથી. તેથી કર્મરહિત તે મુક્ત આત્માને ગમનક્રિયા કોના નિમિત્તે સંભવે ? અને કર્મ ન હોવાથી ક્રિયા ન સંભવે તેથી મોક્ષે જતો જીવ તો અક્રિય જ હોવો જોઈએ. આવી શંકા મંડિકજીની છે.
ભગવાન તેનો ઉત્તર આપતાં કહે છે કે - તેવા પ્રકારનો આ જીવનો ઊર્ધ્વગતિપરિણામ હોવાથી (તથા પૂર્વપ્રયોગ-બંધવિચ્છેદ અને કર્મક્ષયથી થયેલી લઘુતા વગેરે કારણોથી) આ જીવની સાત રાજ ગતિ થાય છે. આ ઉત્તર પહેલાં અપાઈ જ ગયો છે. વળી જેમ કર્મોના