________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૧૧
વિવેચન - “આ આત્મા અનાદિકાલથી શુદ્ધ-બુદ્ધ-નિરંજન અનંત ગુણોનો સ્વામી છે જ.” તેમાંથી કોઈ ગુણ ક્યારેય દૂર થતો નથી અને નવો કોઈ ગુણ ક્યારેય ઉમેરાતો નથી. જેમ સોનાની દસ તોલાની લગડી અથવા સ્ફટિકનો ગોળો જ્યારથી આ સંસારમાં છે ત્યારથી જ શુદ્ધ-નિર્મળ અને પોતપોતાના ગુણધર્મથી ભરેલ છે કદાચ તે હાથમાંથી પડી જાય તો પણ સોનું સોનાપણાને છોડતું નથી, સ્ફટિક સ્ફટિકપણાને છોડતું નથી. માત્ર ચારે બાજુ તે લગડી અને સ્ફટિકનો ગોળો કાદવથી ખરડાય છે. કાદવથી ખરડાયેલી લગડી અને ગોળો કાદવવાળી અવસ્થામાં હોય કે પાણી રેડીને કાદવ દૂર કરીને કાદવ વિનાની અવસ્થામાં હોય એમ બન્ને અવસ્થામાં કાદવનું જ આગમન અને નિર્ગમન થાય છે. પણ સુવર્ણદ્રવ્યમાં કે સ્ફટિકદ્રવ્યમાં કંઈ તફાવત થતો નથી. તે તો બન્ને અવસ્થામાં પોતાના અસલી મૂલસ્વરૂપમાં જ રહે છે. તેવી જ રીતે જીવને કર્મ બંધાયેલું હોય કે જીવથી કર્મ નિર્જર્યું હોય. આમ બન્ને અવસ્થામાં કર્મના પુદ્ગલોનું જ આગમન અને નિર્ગમન થાય છે. જીવ તો પોતે પોતાના મૂલભૂત સ્વરૂપમાં જેમ છે તેમ જ રહે છે. ફક્ત કર્મ પુદ્ગલોથી તેનું મૂલભૂતસ્વરૂપ આચ્છાદિત થાય છે, ઢંકાય છે. પરંતુ અલ્પમાત્રાએ પણ નાશ પામતું નથી કે હાનિ-વૃદ્ધિ પામતું નથી. જીવ તો સદા જેવો છે તેવો જ રહે છે. સોનાની લગડીની જેમ અને સ્ફટિકના ગોળાની જેમ આ જીવ સદા મુક્ત જ છે. મુક્તત્વની ઉત્પત્તિ જ નથી. પ્રારંભ જ નથી. પરંતુ તે અનાદિ છે, કૃતક છે જ નહીં. કર્મ આવ્યું તો પણ અને કર્મ ગયું તો પણ જીવનું કંઈ વધ્યું નથી કે જીવનું કંઈ ઘટ્યું નથી. તેથી મુક્તત્વ અનાદિ છે, કૃતક નથી, પ્રયત્નજન્ય નથી. તેથી તેનો વિનાશ થવાનો પ્રશ્ન રહેતો જ નથી.
આ જ વાત સમજાવવા ઘટમાત્રના સંયોગનો વિલય થાય તેમાં આકાશમાં શું વધ્યું ? અને શું ઘટ્યું ? કંઈ જ ફેરફાર આકાશમાં થતો નથી. આ ઉદાહરણ આપીને પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ આ જ વાત સમજાવી છે. આકાશમાં પડેલો ઘટ વિદ્યમાન હોય તો પણ અને તે જ ઘટનો વિલય થાય તો પણ આકાશમાં કંઈ ફેરફાર થતો નથી. તેવી જ રીતે જીવમાં કર્મનાં પુદ્ગલો આવે અથવા કર્મનાં પુદ્ગલો નિર્જરા પામે તો પણ જીવના અસલી સ્વરૂપમાં કંઈ ફેરફાર થતો નથી. જીવદ્રવ્ય તો સદા મુક્ત જ છે. કર્મનાં પુદ્ગલો જીવના સ્વરૂપને માત્ર ઢાંકી શકે છે પણ જીવના અસલી સ્વરૂપમાં કંઈ પણ હાનિવૃદ્ધિ કરી શકતાં નથી. ઉપરોક્ત વાતનો સાર હવે આપણે ટીકાના પદોના આધારે જાણીએ.
ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે પૂર્વબદ્ધ સમસ્ત કર્મ પુદ્ગલોના નાશના સમયે પોતાના મૂલભૂત અસલી સ્વરૂપમાં વૃત્તિને (રહેવાપણાને) ધારણ કરતા એવા આ જીવમાં “શું નવું કરાયું ?” કે જેથી મોક્ષને કૃતક કહેવો પડે ? સાર એ છે કે “આત્મા અને કર્મનો