________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૦૧
હવે અતીતકાલ અનંત છે તો પણ તે કાલમાં મોક્ષે ગયેલા જીવોનો રાશિ “ના હો પુછા'' ઈત્યાદિ ગાથાના આધારે એક નિગોદના એક અનંતમા ભાગ તુલ્ય છે. આ લોકમાં અસંખ્યાતા ગોળા છે અને એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદ છે. એક એક નિગોદમાં અનંત-અનંત જીવો છે. તેવી એક નિગોદનો એક અનંતમો ભાગ જેટલો હોય તેટલા જ જીવો આજ સુધીમાં મોક્ષે ગયા છે અને ભવિષ્યકાલ પણ ભૂતકાલની તુલ્ય જ છે. તેથી ભવિષ્યકાલમાં પણ એક નિગોદનો એક અનંતમો ભાગ જ મોક્ષે જવાનો છે. બન્ને કાલ તુલ્ય હોવાથી ભૂતકાળના જેટલા જ જીવો ભવિષ્યકાલમાં પણ મોક્ષે જશે, પણ હીનાધિક નહીં. આ વાત આ રીતે યુક્તિથી બરાબર ઘટે છે.
આ કારણે બન્ને કાલના મોક્ષગામી જીવોની રાશિ ભેગી કરીએ તો પણ એક નિગોદના અનંતમા બે ભાગ જેટલા જ જીવો મોક્ષગામી થાય છે. પૂરેપૂરી એક નિગોદના જીવો પણ મોક્ષગામી થતા નથી અને થવાના પણ નથી. આવી નિગોદો એક-એક ગોલામાં અસંખ્યાતી છે અને તેવા ગોળા અસંખ્યાતા છે. બૃહત્સંગ્રહણી નામના ગ્રંથમાં કહ્યું છે કે -
गोला य असंखिजा, असंखनिगोयओ हवइ गोलो । इक्किक्कम्मि निगोए, अणंतजीवा मुणेयव्वा ॥
અસંખ્યાતા ગોળા છે. એક એક ગોળામાં અસંખ્યાતી અસંખ્યાતી નિગોદો છે અને એક એક નિગોદમાં અનંતા અનંતા જીવો છે.
હવે જો એક નિગોદના અનંતમા (બે) ભાગ પ્રમાણ જ જીવો મોક્ષે જતા હોય તો અસંખ્યાતા ગોળાની અસંખ્યાતી-અસંખ્યાતી નિગોદોમાં કેટલા બધા જીવો અમોક્ષગામી બાકી રહ્યા? તેથી ક્યારેય પણ ભવ્યજીવોની રાશિનો સંસારમાંથી ઉચ્છેદ થશે નહીં. ભૂતભાવિ અને વર્તમાન એમ ત્રણે કાલના મળીને પણ મોક્ષગામી સર્વે જીવો એક નિગોદના (બે) અનંતમા ભાગ પ્રમાણ જ સંભવિત હોવાથી ભવ્યોનો ઉચ્છેદ માનવો તે યુક્ત નથી. એક નિગોદના અનંતમા બે ભાગ સાથે કરીએ તો કંઈક મોટો પણ એક ભાગ જ કહેવાય છે. અનંતાના અનંતા ભેદો હોય છે. માટે બે ભાગ ભેગા કરીએ તો પણ એક ભાગ જ જાણવો. બાલજીવોના બોધ માટે બે ભાગ લખ્યું છે. વાસ્તવિક તો એક નિગોદનો અનંતમો એક ભાગ જ જાણવો.
પ્રશ્ન - અહીં કદાચ શિષ્યને (પંડિકબ્રાહ્મણને) આવો પ્રશ્ન થાય કે “આ સંસારમાં ભવ્ય જીવો અનંતા છે અને ભૂત-ભાવિકાલમાં મળીને એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે જાય છે.” આ બન્ને વાતો કેમ માની લેવાય ? કોઈ પ્રમાણ વિના આ બન્ને વાતો કેવી રીતે સ્વીકારાય ? બને વાતોની સિદ્ધિમાં તમારે કંઈક પ્રમાણ આપવું જોઈએ ?