________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૯૯
કાલ અનંતો છે અને ઓછામાં ઓછા છ માસે તો એક જીવ અવશ્ય મોક્ષે જાય જ છે. ક્યારેક તેનાથી ઓછા કાલમાં વધારે જીવો પણ મોક્ષે જાય છે અને ઘણી વાર છ માસની અંદર પણ ઘણા જીવો મોક્ષે જાય છે અને મોક્ષે ગયેલા જીવો પાછા આવતા નથી. આ રીતે કેવલ એકલો અપચય જ થવાથી ધાન્ય ભરેલા કોઠારમાંથી કઢાતા ધાન્ય વડે જેમ કોઠાર ખાલી થાય, તેમ આ સંસાર ભવ્યજીવોથી સર્વથા ખાલી થઈ જશે. એટલે કે આ
સંસારમાં ભવ્યજીવોનો ઉચ્છેદ થઈ જશે અને કોઈ ભવ્ય જીવ બાકી ન રહેવાથી મોક્ષે
જનાર પણ કોઈ ન હોવાથી મોક્ષે જવાનું જ બંધ થઈ જશે.
ઉત્તર - આ પ્રશ્ન ઉચિત નથી. કારણ કે ભવ્યજીવોની રાશિ આ સંસારમાં (મોટા અનંતાની સંખ્યાવાળી) અનંતી છે. ભાવિકાલ અને આકાશનો જેમ ઉચ્છેદ થતો નથી તેમ ભવ્ય જીવરાશિનો પણ ઉચ્છેદ થતો નથી. જે વસ્તુ મોટા અનંતા વડે અનંતી હોય છે તે થોડી થોડી હાનિ પામતી હોય તો પણ સર્વથા ઉચ્છેદ પામતી નથી. જેમ ભાવિમાં આવનારો અનંતકાલ છે. તેમાંથી પ્રતિદિન એક એક દિવસ વર્તમાનકાલરૂપ બનીને પસાર થાય છે. એટલે દરરોજ એક એક દિવસની હાનિ થાય છે. તો પણ ભાવિના અનંતકાલનો ક્યારેય અંત આવવાનો નથી. એવી જ રીતે લોક-અલોકમાં ભરેલ આકાશાસ્તિકાય દ્રવ્યનો બુદ્ધિથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ કાઢવામાં આવે તો અનંતકાલે પણ આકાશાસ્તિકાયના સમસ્તપ્રદેશો કાઢી શકાતા નથી. તેવી રીતે છ છ માસે કે દરરોજ ભવ્યજીવો મોક્ષે જાય તો પણ આ સંસારમાં ભવ્યજીવોની રાશિ જ એટલી બધી મોટા અનંતે છે કે તે સર્વથા ખાલી થતી નથી.
શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જ્યારે ભગવાનને જઈને પૂછીએ કે હે ભગવાન્ ! હવે મોક્ષમાં કેટલા જીવો થયા, ત્યારે ભગવાનનો સદા આ એક જ ઉત્તર હોય છે કે એક નિગોદનો અનંતમો ભાગ હજુ મોક્ષે ગયો છે. તે પાઠ આ પ્રમાણે -
जइयाइ होइ पुच्छा, जिणाणमग्गंमि उत्तरं तइया ।
इक्स्स य निगोयस्स य अनंतभागो उ सिद्धिगओ ॥१॥
એટલે સંસારવર્તી ભવ્યજીવોની રાશિ એટલી બધી મોટા અનંતાવાળી છે (નવ અનંતામાંના આઠમે અનંતે છે) તેથી ભવ્ય જીવોની રાશિ ક્યારેય ખાલી થતી નથી. માટે ક્યારેય ભવ્યોનો સર્વથા ઉચ્છેદ થશે નહીં. ૧૮૨૭।।
जं चातीताऽणागयकाला तुल्ला जओ य संसिद्धो । एक्को अणंतभागो, भव्वाणमईयकालेणं ॥१८२८॥