________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૯૩
ઉત્તર - સુવિદો વિ જ વિરુદ્ધ = બન્ને પ્રકારનો પણ સંબંધ માનવામાં કોઈપણ જાતનો વિરોધ નથી. ત્યાં જીવ અને આકાશના સંબંધની જેમ “જીવ અને કર્મનો સંબંધ” અનાદિ-અનંત પણ હોય છે. તેવો અનાદિ-અનંતપણે સંબંધ અભવ્ય જીવોમાં હોય છે. તથા કંચન અને ઉપલના સંબંધની જેમ “જીવ અને કર્મનો સંબંધ” અનાદિ-સાત્ત પણ હોય છે. તેવો અનાદિ-સાન્તપણે સંબંધ ભવ્ય-જીવોમાં હોય છે. સંસારમાં બન્ને જાતના જીવો છે અને તેઓમાં અનુક્રમે બન્ને જાતના સંબંધો પણ છે.
પ્રશ્ન - આ સંસારમાં કેટલાક જીવો ભવ્ય અને કેટલાક જીવો અભવ્ય છે એમ કહો છો. પરંતુ તે બન્ને પ્રકારના જીવોમાં “જીવત્વ” સમાન હોવા છતાં આવા પ્રકારનો ભેદ કેમ કે અમુક જીવો ભવ્ય અને અમુક જીવો અભવ્ય ? આ ભવ્ય અને આ અભવ્ય એવા પ્રકારનો ભેદ કોના વડે કરાયેલો છે ?
કદાચ ઉપરના આ પ્રશ્નનો જવાબ તમે એમ કહો કે સર્વે જીવોમાં “જીવત્વ = જીવપણું” સમાન હોવા છતાં કોઈ નારકીરૂપે અતિ દુઃખી થાય છે, કોઈ તિર્યંચરૂપે દુઃખી થાય છે, કોઈ મનુષ્યરૂપે સુખી થાય છે અને કોઈ દેવરૂપે અતિ સુખી થાય છે અથવા જીવત્વધર્મ વડે સમાન હોવા છતાં રાજા-રંક, સુખી-દુઃખી, રોગી-નિરોગી, ધનવાન-નિર્ધન ઈત્યાદિ રૂપે ભિન્ન ભિન્ન હોય છે. તેમ જીવ–પણે સમાન હોવા છતાં પણ “ભવ્યત્વ અને અભવ્યત્વપણે” જીવોના બે ભેદ હોય છે.
તો આવો ઉત્તર “ર વ વવક્તવ્યમ્” ન આપશો. આપ જો આવો ઉત્તર આપો તો તે આપનો ઉત્તર ખોટો છે. કારણ કે નારક-તિર્યંચ-મનુષ્ય-દેવાદિ ભેદો, રાજા-રંક, સુખીદુઃખી, રોગી-નિરોગી અને ધનવાન-નિધન આ સઘળા ભેદો કર્મકૃત છે. કર્મ વડે કરાયેલા ભેદો છે. જ્યારે “ભવ્યત્વ અને અભવ્યત્વ” કર્મ વડે કરાયેલા છે એમ આપ નથી માનતા, સ્વાભાવિક છે એમ માનો છો. જો ભવ્યત્વ-અભવ્યત્વ પણ કર્મકૃત હોત તો તો આ શંકા જ ન થાત. તથા આ ભાવો કર્મકૃત છે. એમ માનો તો અમે તમને આમ પ્રશ્ન કરત કે જો ભવ્યત્વ-અભવ્યત્વ કર્મકૃત છે તો રત્નત્રયીની સાધનાથી જેમ નારક-તિર્યંચ-નર-દેવાદિ અવસ્થા અપાવનારું કર્મ ક્ષય થવાથી જીવની મુક્તિ થાય છે તેમ કર્મ ક્ષય થવાથી ભવ્યત્વ અને અભવ્યત્વ પણ નાશ પામવાથી અભવ્યજીવો પણ મોક્ષે જશે આવી આપત્તિ આવશે. માટે આ ભાવો કર્મકૃત તો નથી, સ્વાભાવિક છે. અર્થાત્ પારિણામિક ભાવવાળા છે. તેથી શંકા થાય છે કે જીવત્વ સમાન હોવા છતાં કર્મકારણ વિના સ્વાભાવિકપણે ભવ્ય-અભવ્ય આવા ભેદ કોનાથી થયા ? ll૧૮૨૦-૧૮૨ના
આ પ્રશ્ન જ ગ્રંથકારશ્રી હવે પછીની ગાથામાં કહે છે.