________________
૧૬
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
સાક્ષાત્ અનુભસિદ્ધ છે અને જે વસ્તુ પ્રત્યક્ષ અનુભવાતી હોય છે, દેખાતી હોય છે, જણાતી હોય છે. તેને સાધવા બીજા અનુમાન આગમ વગેરે પ્રમાણો મુકવાની શી જરૂર ?
પ્રશ્ન - હે ભગવાન્ ! મને આ આત્મા પ્રત્યક્ષ ક્યાં છે ? અર્થાત્ મને આ આત્મા પ્રત્યક્ષ જણાય છે એમ આપ શી રીતે કહો છો ? જો મને આત્મા પ્રત્યક્ષ જણાતો હોત, અનુભવાતો હોત તો તો હું આત્મા વિષે શંકા કરત જ નહીં ?
-
ઉત્તર - જો તમે આવો પ્રશ્ન કરો છો તો હું તમને ઉત્તર આપું છું તે તમે સાંભળો. હે ગૌતમ ! તમારા જ હૃદયમાં જે આ સંશયાદિ વિજ્ઞાન પોતાના જ અનુભવથી સિદ્ધપણે વર્તે છે. તે જ જીવ કારણ કે સંશયાદિવિજ્ઞાન અને જીવ ગુણ-ગુણી હોવાથી અભિન્ન છે. તમારા હૃદયમાં “જીવ છે કે નથી” આવો સંશય તો વર્તે જ છે. “સંશય છે કે સંશય નથી” આ તો મારે સમજાવવું પડે તેમ નથી. કારણ કે તમારા પોતાના અનુભવથી જ તમને જણાય છે કે મને આત્મા વિષે સંદેહ છે. તો પછી જે આ સંદેહાત્મક જ્ઞાન છે તે જ જીવ છે. કારણ કે જ્ઞાન એ જીવનો ગુણ છે અને જીવ એ જ્ઞાનગુણનો ગુણી છે. જ્ઞાનગુણ પ્રત્યક્ષ હોવાથી તેનાથી અભિન્ન એવો જીવ પણ અનુભવપ્રત્યક્ષ જ છે. જેમ સાકરનું ગળપણ જિહ્વા દ્વારા પ્રત્યક્ષ છે. તેથી તે ગળપણવાળી સાકર પણ જિહ્વા દ્વારા પ્રત્યક્ષ કહેવાય જ છે તેમ અહીં પણ જાણવું.
તથા જે વસ્તુ પ્રત્યક્ષ જ જણાતી હોય છે તે વસ્તુઓની અનુમાનાદિ અન્યપ્રમાણોથી સિદ્ધિ કરાતી નથી. જેમકે પોતાના જ શરીરમાં રહેલાં સુખ અને દુઃખ અનુભવપ્રત્યક્ષથી જ સિદ્ધ છે. આજે મને ઘણો આનંદ છે, આજે મારું માથું દુઃખે છે, આજે મારું પેટ દુ:ખે છે ઈત્યાદિ બોલાતાં વાક્યોમાં આનંદ અને દુઃખાવો અનુભવથી જ પ્રત્યક્ષ છે. તેને આંખે દેખી શકાતાં નથી કે દેખાડી શકાતાં નથી. પણ તેનો અનુભવ થાય છે. તેમ સંશયાદિવિજ્ઞાનનો તમને અનુભવ થાય છે. માટે તે સંશયાદિવાળો આત્મા પણ તમને અનુભવસિદ્ધ છે. હવે અનુમાનાદિ અન્ય પ્રમાણોથી સિદ્ધિ કરવાની જરૂર જ નથી.
પ્રશ્ન - હે ભગવાન્ ! પ્રત્યક્ષ દેખાતી વસ્તુ પણ જે વાદી ન માનતો હોય તેને સમજાવવા અનુમાનાદિ પ્રમાણથી સિદ્ધ કરવી જ પડે છે. જેમ કે આ ગામ-નગર-ઘર-માણસો ઈત્યાદિ વસ્તુઓમય વિશ્વ સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાય જ છે. તો પણ “આ સંસારમાં કંઈ છે જ નહીં, સર્વથા શૂન્ય જ છે” આવું માનનારા શૂન્યવાદીને સમજાવવા પ્રત્યક્ષ દેખાતા ગામ-નગરાદિ રૂપ સમસ્ત વિશ્વ અનુમાનાદિ અન્યપ્રમાણોથી સાધવું જ પડે છે. તેમ સંશયાદિજ્ઞાન રૂપે પ્રત્યક્ષ જણાતો આત્મા પણ અનુમાનાદિ ઈતરપ્રમાણોથી સમજાવવો જોઈએ.