________________
ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ
૩૬૯ સમાન અને અસમાન એમ બન્ને ભાવવાળા છે. તથા નિત્ય-અનિત્યાદિ ઉભય સ્વરૂપવાળા છે. ll૧૭૯૬/.
વિવેચન - આ સંસારમાં એવો કયો પદાર્થ છે કે જે પદાર્થ બીજા પદાર્થોની સાથે એકાન્ત સર્વથા સમાન જ હોય અથવા એકાને સર્વથા અસમાન જ હોય? એકાને સમાન જ હોય કે એકાન્ત અસમાન જ હોય એવો કોઈ પણ પદાર્થ નથી. ધારો કે ઘટ અને પટ છે તો ઘટના જે જલાધારાદિ વિશેષધર્મો છે તે પટમાં નથી અને પટના જે શીતત્રાણાદિ ધર્મો છે તે ઘટમાં નથી. આ રીતે વિશેષધર્મોને આશ્રયી બન્ને પદાર્થો અસમાન છે. પણ ઘટ અને પટ આ બન્ને દ્રવ્ય છે, વસ્તુ છે, અસ્તિ છે, પ્રમેય છે, જડ છે. આમ દ્રવ્યત્વવસ્તુત્વ-અસ્તિત્વ-પ્રમેયત્વ તથા જડત્વ ઈત્યાદિ સામાન્ય ધર્મોને આશ્રયી સમાન પણ ચોક્કસ છે જ. એ જ રીતે ચૈત્ર-મૈત્ર, દેવદત્ત-યજ્ઞદત્ત, મનુષ્ય-પશુ, ગાય અને ભેંશ વગેરે સર્વે પણ પદાર્થો પોતપોતાના વિશેષ ધર્મોને આશ્રયી અસમાન તથા સામાન્યધર્મોને આશ્રયી સમાન પણ છે. એકાન્ત સમાન કે એકાન્ત અસમાન આવું સ્વરૂપ નથી. અનેકાન્તમય જ વસ્તુનું સ્વરૂપ છે. તેવી જ રીતે એક વ્યક્તિ પોતાના ચાલુ આ ભવમાં પણ બાલ્યાવસ્થામાં જેવો પાંશુલપાદ (ધૂળીયા પગવાળો અર્થાત્ ધૂળમાં રમનારો) છે તેવો યુવાવસ્થામાં નથી અને જેવો યુવાવસ્થામાં વિકારી છે તેવો વૃદ્ધાવસ્થામાં વિકારી નથી. આમ એક ભવમાં પણ તેવા તેવા વિશેષ ધર્મોને આશ્રયી અસમાન છે, છતાં જમ્યો ત્યારથી મૃત્યુ સુધી દેવદત્તપણે સમાન પણ છે. આ રીતે એક ભવમાં પણ સુખી-દુઃખી, રોગી-નિરોગી, રાજા-રંકપણે અસમાન પણ છે છતાં મનુષ્યપણે સમાન પણ જરૂર છે.
- હવે જેમ એકભવમાં સમાન-અસમાન બને છે. તેવી જ રીતે પરભવમાં પણ આ ભવની સાથે તુલ્ય પણ બને છે અને અતુલ્ય પણ બને છે. તેથી સ્ત્રી મરીને સ્ત્રી પણ થાય છે અને પુરુષ-નપુંસક પણ થાય છે. મનુષ્ય મરીને મનુષ્ય પણ થાય છે અને દેવતિર્યંચ-નારકી પણ થાય છે. આમ સર્વત્ર અનેકાન્ત છે અને આમ જ સમજવું જોઈએ. તો પછી પરભવમાં “સાદેશ્ય” જ થાય આવું તારા વડે કેમ કહેવાય છે ?
તથા ઘટ-પટ-મનુષ્ય-પશુ-પક્ષી વગેરે સર્વે પણ જીવ-અજીવ પદાર્થો પ્રતિક્ષણે પૂર્વપર્યાય વડે વિનાશધમ અને ઉત્તરપર્યાય વડે ઉત્પાદશાલી હોવાથી અનિત્ય પણ છે તથા દ્રવ્યસ્વરૂપે = મૂલપદાર્થ રૂપે અનાદિ-અનંત હોવાથી નિત્ય પણ છે. તેથી સમાન-અસમાન, નિત્ય-અનિત્ય, ભિન્ન-અભિન્ન, વાચ્ય-અવાચ્ય, અસ્તિ-નાસ્તિ એમ ઉપરછલ્લી રીતે પરસ્પર વિરોધી દેખાતા પરંતુ પરમાર્થથી અવિરોધી એવા અનંતધર્મોની અનંત જોડીઓથી ભરેલા આ સઘળા પદાર્થો છે. એકાન્ત એક સરખું સ્વરૂપ કોઈનું પણ નથી. ll૧૭૯૬ll