________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૫૯
ભગવાન - જો તમે આવું સમજો છો કે “જે વસ્તુ અત્યન્ત અનુપલબ્ધ હોય, તો પણ તે વસ્તુ (સ્વભાવાદિ) જગતમાં હોય છે. તો આ જ ન્યાયને અનુસાર ચક્ષુરાદિ ઈન્દ્રિયોથી સર્વથા અનુપલબ્ધ એવું કર્મ પણ જગતમાં હોઈ શકે છે. તો “કર્મ નથી, કર્મ નથી, આવાં નકારના ગાણાં શું કામ ગાઓ છો? અનુપલબ્ધ એવું કર્મ પણ હોઈ શકે છે.
સુધર્મબ્રાહ્મણ - સ્વભાવ ભલે દેખાતો નથી પરંતુ તેનું અસ્તિત્વ માનવામાં હેતુ (તર્ક) મળે છે. તેથી તર્કને કારણે સ્વભાવ (ન દેખાતો હોય તો પણ) સ્વીકારવો જોઈએ. જેમ માટીમાંથી ઘટ જ બને, પટ ન જ બને. આમ કેમ ? માટીનો આવો સ્વભાવ. એટલે કે કુલાલ એ કર્તા, માટી ઉપાદાનકારણ, ઘટ એ કાર્ય, તેની નિષ્પત્તિમાં કોઈ “કરણકારક” હોવું જોઈએ, કારણ કે કારણ વિના કાર્ય થાય નહીં. અહીં કરણકારકમાં સ્વભાવ જાણવો. માટીનો આવો સ્વભાવ કે તેમાંથી ઘટ બને, સ્વભાવની સિદ્ધિમાં આવો સુયોગ્ય તર્ક (હેતુ) છે. માટે હું સ્વભાવ છે આમ કહું છું.
ભગવાન - “કર્મ” માનવામાં પણ શું તે જ હેતુ ન હોઈ શકે ? અર્થાત્ કર્તા આત્મા, કાર્ય પારભવિશરીર, ઉપાદાનકારણ ઔદારિકાદિ વર્ગણાનાં પુદ્ગલો, તેમાં કોઈક કરણકારક જોઈએ. કારણકારક વિના કાર્ય થાય નહીં. માટે જે કરણકારક છે તે જ કર્મ છે. સારાંશ કે સ્વભાવને માનવામાં તમારી પાસે જે દલીલ છે તે જ દલીલ જો કર્મને સ્વીકારવામાં જોડો તો “કર્મ નામનું તત્ત્વ” છે એમ સમજાય તેમ છે.
સુધર્મબ્રાહ્મણ - કર્મનું જ બીજું નામ સ્વભાવ છે એમ અમે કહીશું. અર્થાત્ હે ભગવાન ! તમે જેને કર્મ કહો છો તેને હું માનું છું. પણ હું તેને સ્વભાવ કહું છું. તેમાં શું દોષ ? નામાન્તરમાં કંઈ દોષ હોતો નથી.
ભગવાન - “દોટ” = ભલે હો, કર્મને જ તમે સ્વભાવ કહો તેમાં શું દોષ? પણ કર્મ નામનું પુદ્ગલદ્રવ્ય છે. એક પ્રકારની સૂક્ષ્મ વસ્તુ છે. જીવ વડે ગ્રહણ કરીને ભિન્ન ભિન્ન રૂપે પરિણમાવાય છે. ભવિષ્યમાં જીવને જ સુખ-દુઃખ આપે અથવા જ્ઞાનાદિ ગુણને ઢાંકે તે ભાવે જીવે તે કર્મને બાંધ્યું છે. તે વાત “સ્વભાવ” માનવામાં ઘટશે નહીં. કારણ કે તમારે તે સ્વભાવને નિત્ય સદેશ જ માનવો પડશે. કારણ કે “સ્વભાવને લીધે જ ભવાન્તરમાં સંદેશ એવા મનુષ્યાદિ ભાવ તે તે જીવને પ્રપ્ત થાય છે એમ તમે માન્યું છે. ત્યાં પ્રશ્ન થશે જ કે તે સ્વભાવ સદાકાળ સદેશ જ રહે તેનું શું કારણ ? સ્વભાવની સદેશતાનું કોઈ કારણ દેખાતું નથી.
સુધર્મબ્રાહ્મણ - આ સ્વભાવ સદાકાલ પોતાના સ્વભાવથી જ સદેશ હોય છે. અર્થાત્ સ્વભાવની સદૃશતામાં પણ સ્વભાવ જ કારણ છે આમ હું કહીશ.