________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૩૯
માતા ઘણી રૂપવતી હોય તો પણ વિષયાભિલાષ થતો નથી. (અહીં હલકા જીવોને બકાત કરવા.) તેની જેમ શુદ્ધપરિણામવાળા અને જીવોની રક્ષા કરવામાં જ સતત પ્રવૃત્તિવાળા એવા સાધુસંતોને કદાચ ક્યારેક જીવઘાત થઈ જાય તો પણ મનશુદ્ધ હોવાથી તે હિંસાની કોટિમાં ગણાતો નથી. તેથી અશુભપરિણામરૂપ ભાવહિંસામાં જીવઘાતરૂપ દ્રવ્યહિંસા અનૈકાન્તિક નિમિત્ત છે. એકાન્તિકકારણ નથી. તેથી હે વ્યક્તપંડિત ! પાંચ ભૂતો છે. તેમાં પ્રથમનાં ચાર ચેતન છે. આકાશ અચેતન છે. આમ તમે સત્ય સમજો અને સત્યનો સ્વીકાર કરો.
‘‘સ્વનોપમ થૈ સજતમ્'' આવો જે વેદપાઠ છે. તેનો અર્થ તારા ચિત્તમાં જે વર્તે છે તે અર્થ બરાબર નથી. “સકલ જગત સ્વપ્નની ઉપમાવાળું છે અર્થાત્ કાલ્પનિક છે. વાસ્તવિક નથી. કંઈ છે જ નહીં. સર્વથા શૂન્યતા જ છે ઈત્યાદિ અર્થ આ પદોનો તમારા મનમાં જે વર્તે છે તે ખરેખર મિથ્યા છે. કારણ કે સંસારના ભયોથી ઉદ્વેગી બનેલા ભવ્ય જીવોને વૈરાગ્યની વૃદ્ધિ માટે તથા ધન-સુવર્ણ-પુત્ર અને કલત્ર આદિનો મોહ ઘટાડવા તે વાક્યો કહેવાયેલાં છે તથા સંસારના સર્વે ભાવો સંયોગ-વિયોગવાળા હોવાથી હર્ષ-શોક કરાવનારા છે. વળી ક્ષણિક છે, અસાર છે. આમ તે તે ભાવોની અસારતામાત્રનું પ્રતિપાદન તે પાઠ વડે સમજાવાય છે. જેથી તે ભવ્યજીવો તે ધનાદિની આસ્થાને (મમતાને) ત્યજીને મુક્તિસુખ માટે પ્રયત્ન કરે. આમ વસ્તુની અસારતા સમજાવનારો તે પાઠ છે, પણ તે પાઠમાં “ભૂતોનો અભાવ” પ્રતિપાદન કરાતો નથી. “સ્વપ્નોપમં” આ પદનો અર્થ આ સંસારનાં સુખો નાશવંત છે. સ્વપ્નની તુલ્ય છે એટલે આજે છે અને કાલે ન પણ હોય એમ નાશવંત છે. આવું સમજાવવા માટે તે પાઠ છે. પણ સર્વથા ભૂતોનો અભાવ જણાવવા માટે “સ્વપ્નોપમં” કહ્યું નથી.
તેથી હે વ્યક્તપંડિત ! તમે હવે આ સંશય છોડી દો અને પાંચ ભૂતો છે. આમ તે પાંચેનું અસ્તિત્વ સ્વીકારો તથા તે પાંચમાં પ્રથમનાં ચાર સચેતન છે અને અંતિમ આકાશ અચેતન છે. આમ જે વસ્તુ જેમ છે તેમ સ્વીકારો. ૧૭૬૮॥
ઉપર પ્રમાણે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની તર્કપૂર્વકની સુંદર અમૃતવાણી સાંભળીને સર્વથા દૂર થયો છે સંદેહ જેનો એવા આ વ્યક્તપંડિત સંવેગ-વૈરાગ્યને પામ્યા. ત્યારબાદ તેઓએ શું કર્યું ? તે કહે છે -
छिन्नम्मि संसयम्मि जिणेण जरा-मरण- विप्पमुक्केणं । सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥१७६९॥