________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ગાથાર્થ - આત્માનો જે અશુભ પરિણામ છે તે જ હિંસા કહેવાય છે. તે અશુભ પરિણામ ક્યારેક બાહ્ય જીવઘાતના નિમિત્તની અપેક્ષા રાખે છે, ક્યારેક નહીં. તેથી તે બાહ્ય જીવઘાત અનૈકાન્તિક છે. ૧૭૬૬।।
૩૩૬
વિવેચન - નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મામાં આવેલો જીવઘાતનો જે અશુભ પરિણામ છે તે જ (જીવઘાત કરે કે જીવઘાત ભલે ન કરે તો પણ તે અશુભ પરિણામ જ) હિંસા કહેવાય છે. જેમ કોઈ એક માણસે બીજા માણસનું ખૂન કરવા માટે બાણ માર્યું અથવા ગોળી મારી, સામેના માણસનું ત્યાં ધ્યાન આવી જવાથી તે માણસ બાણ કે ગોળી આવતાં પહેલાં ખસી ગયો જેનાથી તેની હિંસા (ખૂન) ન થયું. તો પણ બાણ છોડનાર કે ગોળી મારનારને હિંસકની કોટિમાં ગણવામાં આવે છે. તેની ધરપકડ થાય છે. ફોજદારી ગુન્હો લાગુ પડે છે અને કારાવાસની સજા પણ થાય છે. તે માટે જીવઘાત કરવાનો જે અશુભ પરિણામ છે તે જ હિંસકતાનું લક્ષણ છે.
આવા પ્રકારનો અશુભપરિણામ ક્યારેક બાહ્ય જીવઘાતસ્વરૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે. જેમકે કસાઈ વગેરે લોકો જીવઘાત પણ કરે અને અશુભ પરિણામ પણ રાખે છે અને ક્યારેક બાહ્ય જીવઘાતરૂપ નિમિત્તની અપેક્ષા વિના પણ અશુભ પરિણામ હોય છે. જેમકે તંદુલીયા મત્સ્યો મોટા મત્સ્યોની જેમ બાહ્ય જીવઘાતરૂપ હિંસા કરતા નથી છતાં હિંસા કરવાના અશુભ પરિણામ સેવે છે. તેથી અશુભ પરિણામરૂપ ભાવહિંસાના કાલે બાહ્ય જીવઘાત કરવા સ્વરૂપ દ્રવ્યહિંસાનું નિમિત્ત હોય અથવા દ્રવ્યહિંસાનું નિમિત્ત ન પણ હોય તેથી તે બાહ્ય જીવઘાતરૂપ નિમિત્ત અનૈકાન્તિક છે.
તેથી બાહ્ય જીવઘાતરૂપ નિમિત્ત વિહારાદિમાં મુનિઓને હોવા છતાં પણ અશુભ પરિણામ ન હોવાથી અને જીવરક્ષાના પરિણામ હોવાથી નિમિત્તના સદ્ભાવમાં પણ મુનિ અહિંસક છે અને તંદુલીયા મસ્ત્યાદિમાં જીવઘાતરૂપ બાહ્ય હિંસાત્મક નિમિત્ત ન હોવા છતાં પણ અશુભ પરિણામ હોવાથી હિંસકપણું વર્તે છે. આ રીતે બાહ્ય જીવઘાતરૂપ દ્રવ્યહિંસા એ અનૈકાન્તિકનિમિત્ત છે, એકાન્તિક નથી. આ રીતે વિચારતાં દ્રવ્યહિંસાથી હિંસા કરતો પુરુષ પણ ભાવપરિણામથી જો અહિંસક હોય તો અહિંસકની કોટિમાં ગણાય છે અને દ્રવ્યહિંસાથી હિંસા ન કરતો પુરુષ પણ ભાવપરિણામથી જો હિંસક હોય તો તે હિંસકની કોટિમાં ગણાય છે. આ તત્ત્વ બારીકાઈથી અને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવું છે. ૧૭૬૬॥
પ્રશ્ન - બાહ્ય કરાતો જીવઘાત શું સર્વથા હિંસાની કોટિમાં ન જ ગણાય ?