________________
ગણધરવાદ
૧૧
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ આપ્તપુરુષના વાક્યથી જણાતો અર્થબોધ અનુમાનથી જ થઈ જાય છે. તેથી આપ્તપુરુષની વાણીથી થતા બોધને પ્રમાણ માનવારૂપ આગમપ્રમાણ અનુમાનથી જુદુ માનવાથી જરૂર નથી. જેમ ઘટ શબ્દ સાંભળવાથી ઘટ નામના પદાર્થમાં જ બોધ થાય છે. તેથી ઘટપદાર્થને છોડીને ઘટશબ્દથી વાચ્ય બીજી કોઈ વસ્તુ નથી. એ જ પ્રમાણે “આ આત્મા” નામનો શબ્દ પણ શરીરને છોડીને બીજા કોઈ સ્થાનમાં કે બીજા કોઈ પદાર્થમાં પ્રયોગ કરાતો જણાતો નથી કે જેથી “આત્મા” શબ્દ સાંભળવાથી “આત્મા” નામના પદાર્થનો બોધ શરીર વિના બીજા કોઈ સ્થાનમાં થાય.
વળી સ્વર્ગ-નરક-નિગોદ આદિ અષ્ટઅર્થને જણાવનારા લોકોત્તર તીર્થંકરાદિ મહાપુરુષોના વાક્યને જે શાબ્દપ્રમાણ (આગમપ્રમાણ) કહેવાય છે. તે પણ તાત્ત્વિક રીતે વિચાર કરીએ તો અનુમાનપ્રમાણથી ભિન્ન નથી. તે આગમપ્રમાણ પણ અનુમાનમાં જ સમવતાર પામે છે તે અનુમાન આ પ્રમાણે -
સ્વર્ગ-નરક-નિગોદ આદિ અષ્ટઅર્થના વિષયવાળું તીર્થકર આદિ લોકોત્તર આપ્તપુરુષોનું જે વચન છે તે વચન (પક્ષ), પ્રમાણ છે (સાધ્ય), અવિસંવાદિ વચનવાળા આપ્તપુરુષ વડે કહેવાયેલું હોવાથી (હેતુ). ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ વગેરે ભાવિના ભાવોને કહેનારા જ્ઞાનીઓના વચનની જેમ (ઉદાહરણ). આ રીતે અનુમાનપ્રમાણથી જ લોકોત્તર પુરુષોનું વચન પ્રમાણ છે આમ જણાઈ જ જાય છે. તો આગમપ્રમાણ જુદું માનવાની શું જરૂર ? તેથી ખરેખર તો આગમપ્રમાણ જુદું નથી કે જે આગમપ્રમાણથી આત્માનું અસ્તિત્વ માની શકાય.
વળી એવા પ્રકારના આપ્તપુરુષ અમને કોઈ દેખાતા જ નથી. જેને આત્મા પ્રત્યક્ષ દેખાયો હોય. જો આત્માને સાક્ષાત્ દેખનારા કોઈ જ્ઞાની મળે તો તેમના વચનને અમે “આગમપ્રમાણ” તરીકે સ્વીકારીએ. પરંતુ આવા સર્વજ્ઞ અને આત્માને જોનારા કોઈ જ્ઞાની અમને જણાતા નથી. માટે આગમપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થતી નથી. ll૧પપરા
जं चागमा विरुद्धा, परोप्परमओ वि संसओ जुत्तो । सव्वप्पमाणविसयाईओ, जीवो त्ति तो बुद्धी ॥१५५३॥ ( यच्चागमा विरुद्धाः, परस्परमतोऽपि संशयो युक्तः । सर्वप्रमाणविषयातीतो, जीव इति ततो बुद्धिः ॥)