________________
૩૩)
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
બીજી બાજુ નવરત્તસમ્ભવો નાપિ = નવા કોઈ જીવો બનતા નથી. નવા કોઈ જીવો ઉત્પન્ન થતા નથી. કારણ કે દ્રવ્ય દૃષ્ટિએ સર્વે પણ જીવો નિત્ય છે. અર્થાત્ અનાદિ અનંત છે. તેથી કોઈ નવો જીવ જન્મ પામતો નથી અને કોઈનો સર્વથા નાશ થતો નથી. માત્ર એક ભવમાંથી બીજા ભવમાં જવા સ્વરૂપે રૂપાન્તર જ પામે છે. તેથી નવા જીવો બને નહીં, જુનામાંથી દરરોજ હાનિ થાય, અને મોક્ષે ગયેલા પાછા આવે નહીં.
હવે જીવોથી ભરેલો આ લોક, જૈનદર્શન પ્રમાણે ૧૪ રાજલોક છે. એમ સર્વ દર્શનકારો વડે પોતપોતાના શાસ્ત્રોમાં આ લોક પોતપોતાની રીતિ પ્રમાણે “પરિમિત ક્ષેત્રવાળો” ચારે બાજુ મર્યાદા બાંધેલો જ લોક કહ્યો છે. હવે જો સૂક્ષ્મ શરીરવાળા એકેન્દ્રિય જીવો ન હોય અને સ્થૂળ શરીરવાળા પંચેન્દ્રિય કે વિકસેન્દ્રિય જીવો જ જો આ સંસારમાં હોય તો જગ્યા પરિમિત ક્ષેત્રવાળી હોવાથી અને જીવો પણ સ્કૂલ શરીરવાળા જ હોવાથી તે લોકમાં થોડા જ જીવો (પરિમિત જીવો જ) સમાશે. આ રીતે લોક પરિમિત, તેમાં જીવો પરિમિત, તેમાંથી નિરંતર મોક્ષે જાય પણ પાછા ન આવે અને નવા જીવો બને નહીં તો જેઓના મતે એકેન્દ્રિયમાં જીવો નથી તેઓના મતે તો આ સંસારનો ક્યારનોય વિચ્છેદ થયેલો હોવો જોઈએ. કારણ કે ભૂતકાળ અનંતો ગયો છે. નિરંતર જીવો ઓછા જ થાય છે. નવા આવતા જ નથી. સ્થૂલ શરીરવાળા જીવો પરિમિત લોક હોવાથી પરિમિત જ છે. તે તો સર્વે ક્યારનાય મોક્ષે પહોંચી ગયા હશે. જેથી સંસાર ખાલી થયેલો હોવો જોઈએ. અથવા જીવો ધીરે ધીરે ક્યારેક ક્યારેક મોક્ષે જાય છે એમ માનીએ તો પણ હવે ભવિષ્યમાં થોડા કાલમાં પણ સંસારનો વિચ્છેદ (સમાપ્તિ) થવાની આપત્તિ આવશે.
કોઈપણ દર્શનકારને આ સંસાર સર્વજીવોથી ખાલી થાય અને સંસારની વિચ્છિત્તિ (સમાપ્તિ) થાય આ વાત ઈષ્ટ નથી. સંસાર અનાદિ-અનંત છે. આમ તો સર્વે પણ દર્શનકારો માને છે. તેથી સ્થૂળ શરીરવાળા જીવો લોકમાં પરિમિત જ સમાતા હોવાથી અને સંસારની વિચ્છિત્તિ (સમાપ્તિ) કોઈને પણ ઈષ્ટ ન હોવાથી આ સંસારમાં સૂક્ષ્મ શરીરવાળા જીવોનું “અનંતપણું” આપોઆપ સિદ્ધ થાય છે અને આ સંસારમાં રહેલા સૂક્ષ્મ શરીરવાળા અનંતા પણ તે જીવો મોક્ષે ગયેલા ન હોવાથી અને જન્મ-મરણવાળા હોવાથી અવશ્ય ભૂતાધારવાળા (અર્થાત્ ચાર ભૂતોનું બનેલું શરીર છે આધાર જેનો એવા) તે જીવો છે. એટલે કે તેઓનું શરીર ભલે ચક્ષુથી નથી દેખાતું તો પણ અદેશ્ય અને સૂક્ષ્મ એવા શરીરવાળા તે અનંત જીવો છે.
તથા તે અનંતા પણ જીવોનું શરીર વનસ્પતિરૂપે, પરવાળા આદિ પૃથ્વીરૂપે, જલરૂપે, તેજરૂપે અથવા વાયુસ્વરૂપે જ સંભવી શકે છે. તેમાં વનસ્પતિરૂપે શરીર હોય