________________
૩૧૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
આ પ્રમાણે અનેક યુક્તિઓ વડે શૂન્યતાવાદી વ્યક્તપંડિતની માનેલી શૂન્યતાનું ખંડન કરીને કંઈક માર્ગે આવેલા વ્યક્તપંડિતને સાચું તત્ત્વ સમજાવવા રૂપ શિક્ષા આપતા ભગવાન કહે છે કે -
पच्चक्खेसु न जुत्तो तुह भूमि-जलानलेसु संदेहो । अणिलागासेसु भवे सो वि न जुत्तोऽणुमाणाओ ॥१७४८॥ (प्रत्यक्षेषु न युक्तस्तव भूमि-जलानलेषु सन्देहः । अनिलाकाशयोर्भवेत् सोऽपि न युक्तोऽनुमानात् ॥)
ગાથાર્થ - પ્રત્યક્ષ દેખાતા પૃથ્વી-જલ અને અગ્નિ આમ ત્રણ ભૂતોમાં શંકા કરવી યોગ્ય નથી અને (અપ્રત્યક્ષ એવા) પવન તથા આકાશને વિષે પણ તે સંદેહ કરવો યોગ્ય નથી. કારણ કે તે અનુમાનથી સિદ્ધ થાય છે. ll૧૭૪૮
વિવેચન - પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશ આ પાંચ ભૂતતત્ત્વ (પદાર્થરૂપ તત્ત્વ) છે. તે પાંચમાં હે વ્યક્તપંડિત ! તમને સંશય વર્તે છે. પરંતુ તે પાંચમાંથી પૃથ્વીપાણી અને અગ્નિ આ ત્રણ ભૂતતત્ત્વ તો પ્રત્યક્ષ દેખાય જ છે. પત્થરોની શિલાઓ, જલાશયો અને અગ્નિના ભડકા તમને અને સર્વ વ્યક્તિઓને પ્રત્યક્ષ દેખાય છે. તેથી તે ત્રણ તત્ત્વમાં સંદેહ કરવો યોગ્ય નથી. કારણ કે જે વસ્તુ ચક્ષુથી સાક્ષાત્ દેખાતી હોય અર્થાત્ પ્રત્યક્ષ હોય ત્યાં સંદેહ કરવો ઉચિત નથી. માટી, પત્થર, કાંકરા, રેતી, શિલાઓ વગેરે પૃથ્વી તત્ત્વ પ્રત્યક્ષ દેખાય છે. જલાશયો, નદીઓ, સરોવરો, સમુદ્ર, કુવાઓ, વાવડીઓ વગેરે જલતત્ત્વ પણ પ્રત્યક્ષ દેખાય જ છે. તથા અગ્નિદ્રવ્ય પણ ઘરે ઘરે રસોડામાં પ્રત્યક્ષ દેખાય છે. તેથી આ ત્રણ ભૂતતત્ત્વ તો પ્રત્યક્ષ દૃષ્ટિગોચર હોવાથી સંશયનો વિષય જ નથી.
અનિલ (પવન) અને આકાશ આ બે ભૂતતત્ત્વ ચક્ષુગોચર નથી. કારણ કે તે બે ભૂતતત્ત્વમાં ચક્ષુરિન્દ્રિયનો વિષય જે રૂપગુણ છે તે નથી. રૂપગુણના અભાવે આ બે તત્ત્વ ચાક્ષુષપ્રત્યક્ષ થતાં નથી. પરંતુ જેમ ચક્ષુથી દેખાય તેને પ્રત્યક્ષ કહેવાય છે. તેમ શેષ ઈન્દ્રિયોથી જે જણાય તે પણ પ્રત્યક્ષ જ કહેવાય છે. પાંચે ઈન્દ્રિયથી જણાતા વિષયને પ્રત્યક્ષ કહેવાય છે. તેથી અનિલ (વાયુ) પણ સ્પર્શનેન્દ્રિયનો વિષય હોવાથી સ્પાર્શનપ્રત્યક્ષ છે. વાયુમાં શીતળ-ઉષ્ણ સ્પર્શગુણ છે. સ્પર્શગુણ સ્પર્શનેન્દ્રિયથી જણાય છે. જેના ગુણો પ્રત્યક્ષ હોય છે તે ગુણોવાળું દ્રવ્ય પણ ઘટ-પટની જેમ પ્રત્યક્ષ કહેવાય છે. તેથી “વાયુભૂત પણ પ્રત્યક્ષ છે. સ્પર્શગુણ પ્રત્યક્ષ હોવાથી, ઘટ-પટની જેમ” આ પ્રમાણે તે વાયુમાં પણ સંદેહ કરવો યોગ્ય નથી.