________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૯૫
“આ જગત્ શૂન્ય છે” આ વચન અપ્રમાણભૂત ઠરશે. તથા “આ જગત્ શૂન્ય છે’ આવું વચન અમે યેનકેન પ્રકારે સ્વીકાર્યું. આવી તમારી મતિ હોય તો સર્વથા અભાવ માનવામાં આ અલ્યુપગમ (સ્વીકાર) પણ યોગ્ય નથી. ૧૭૩૫||
વિવેચન - પૂર્વપક્ષવાદી (શૂન્યતા માનનારો વાદી) પોતાના પક્ષનો બચાવ કરે છે કે - “આ જગત્ શૂન્ય જ છે” એમ હું માનું છું. તેથી તમે ૧૭૩૩ મી ગાથામાં જે કહ્યું કે જો વક્તા છે અને વચન છે તો આ શૂન્યતા છે એમ કેમ કહેવાય ? પરંતુ આ સંસારમાં કોઈ વક્તા પણ નથી અને કોઈ વચન પણ નથી જ, તથા વક્તા અને વચનના અભાવમાં વચનીય (કહેવા યોગ્ય-વાચ્ય) એવા ભાવો પણ નથી. માટે જ સર્વથા શૂન્યતા છે. વક્તાવચન અને વચનીય ભાવો એમ ત્રણેનો અભાવ જ છે. તેથી સર્વથા શૂન્યતા જ છે અને આમ જ માનવું એ ઉચિત છે.
ઉત્તર - ‘વક્તા-વચન અને વચનીય એમ સર્વે ભાવોનો અભાવ જ છે તેથી શૂન્યતા જ છે” આવા પ્રકારનું તમારા વડે બોલાયેલું ત્રણેના અભાવને સૂચવનારું જે “આ વચન” છે તે આ સંસારમાં સત્ય છે કે મિથ્યા છે ?
જો આ વચન સત્ય છે તો આવા પ્રકારનું વચન સત્ય હોવાથી સર્વે ભાવોનો
અભાવ કેમ કહેવાય ? “વચન તો છે” તેથી સર્વનો અભાવ તો નથી. તથા જો વચન છે તો વચન હોવાથી વચનીય ભાવો અને વક્તા પણ હોય જ. માટે શૂન્યતા નથી.
હવે જો એમ કહો કે ઉપરોક્ત વચન મિથ્યા છે તો કંઈ નથી-કંઈ નથી આમ કહેનારું તમારું આ વચન જ મિથ્યા હોય તો તે વચન અપ્રમાણ જ ઠરશે અને અપ્રમાણભૂત વચનથી કોઈ વસ્તુની સિદ્ધિ થાય નહીં તેથી શૂન્યતાની સિદ્ધિ થશે નહીં. જે વચન જુદું હોય તેનાથી કહેવાયેલો ભાવ પણ મિથ્યા જ હોય. માટે પણ શૂન્યતાની સિદ્ધિ થતી નથી.
પ્રશ્ન - શૂન્યતાને સમજાવનારું અમારું ઉપરોક્ત વચન સત્ય છે કે મિથ્યા છે ? આવા વિકલ્પો પાડીને અમારા પક્ષની વાતને તમે ઉડાવો છો પણ તે વ્યાજબી નથી. પક્ષો
પાડવાથી આ વચનને સત્ય માનીએ તો પણ શૂન્યતા રહેતી નથી અને મિથ્યા માનીએ તો પણ તેનાથી શૂન્યતા સિદ્ધ થતી નથી. એમ તમે કહો છો અને તેથી અમારો શૂન્યતાસાધક પક્ષ ઉડી જાય છે. પરંતુ “આ જગત્ શૂન્ય જ છે” આવા પ્રકારનું શૂન્યતાસૂચક અમારું જે આ વચન છે. તે અમારા વડે “યેનકેન પ્રકારેણ” (સત્ય છે કે મિથ્યા છે આવા પ્રકારના પક્ષો પાડ્યા વિના) સ્વીકારાયું છે અને અમારા આ વચનનો