________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વિવેચન - તમે ૧૬૯૫ મી ગાથામાં જે એમ કહેલું કે “ઘટ-પટ વગેરે સર્વે પણ કાર્યો સામગ્રીમય દેખાય છે” માટી એ ઉપાદાનકારણ અને દંડ-ચક્રાદિ નિમિત્તકારણ આ બન્ને સામગ્રીરૂપે મળવાથી ઘટકાર્ય ઉત્પન્ન થતું દેખાય છે તથા પટકાર્યમાં તન્તુ એ ઉપાદાનકારણ અને તુરી-વેમાદિ નિમિત્તકારણ આ બન્ને સામગ્રીસ્વરૂપે મળવાથી પટકાર્ય ઉત્પન્ન થતું દેખાય છે આવું તમે આ ગાથામાં પ્રથમ કહેલું છે. પછી તે જ ગાથામાં તમે કહેલું છે કે સર્વથા શૂન્યતા હોતે છતે સર્વનો અભાવ જ છે તેથી આવા પ્રકારની સામગ્રી કેમ હોય ? અર્થાત્ સર્વશૂન્યતા હોવાથી સામગ્રી નથી. આવા પ્રકારનું તમારું બોલાયેલું આ વચન પરસ્પર અત્યન્ત વિરુદ્ધ છે. કારણ કે એક બાજુ કહો છો કે કાર્ય સામગ્રીમય દેખાય છે અને બીજી બાજુ કહો છો કે સામગ્રી જ નથી. આ બન્ને વચનો પરસ્પર વિરુદ્ધ જ છે. જો કાર્ય સામગ્રીમય દેખાતું જ હોય તો કાર્ય પણ છે અને તજ્જનક સામગ્રી પણ છે જ. પછી સામગ્રી નથી એમ કેમ કહેવાય ? માટે તમારું વચન પૂર્વાપર વિરોધથી ભરેલું છે.
૨૯૨
તથા “કાર્ય સામગ્રીમય દેખાય છે પણ સામગ્રી નથી” આવું તમે જે બોલો છો તે તમારા કહેલા પ્રસ્તુત અર્થને પ્રતિપાદન કરનારું આવા પ્રકારનું વચન તો જગતમાં છેને? કારણ કે તમારા તે વચનને ઉત્પન્ન કરનારી કંઠ-હોઠ-તાલવું-દાંત વગેરે સામગ્રી તો પ્રત્યક્ષ દેખાય જ છે. હવે જો સામગ્રી જ ન હોય તો વચનજનક આ સામગ્રી કેમ દેખાય ? અને જો વચનજનક સામગ્રી દેખાય છે તો સામગ્રી નથી આમ કેમ કહો છો ? આમ પણ તમારી વાત પરસ્પર વિરુદ્ધ છે.
પ્રશ્ન - કદાચ અહીં તમે આવો બચાવ કરો કે “અવિદ્યાના ઉપદ્રવથી અસત્ વસ્તુ પણ દેખાય છે” જેમ પીળીયાના રોગથી જે વસ્તુ પીળી નથી છતાં પણ પીળી દેખાય છે. તેમ અવિદ્યાથી (મિથ્યાજ્ઞાનથી) અવિદ્યમાન વસ્તુ પણ (આ સામગ્રી) દેખાય છે. અર્થાત્ સામગ્રી અવિદ્યમાન જ છે તો પણ અવિદ્યાના વશથી ભાસ માત્ર થાય છે. આવું કહો તથા તમારી આ વાતની પુષ્ટિમાં તમે કદાચ એમ પણ કહો કે શાસ્ત્રમાં આવું કહ્યું પણ છે કે -
काम-स्वप्न-भयोन्मादैरविद्योपप्लवात् तथा ।
पश्यन्त्यसन्तमप्यर्थं जनः केशेन्दुकादिवत् ॥
કામવાસનાના કારણે, સ્વપ્નના કારણે, ભયના કારણે, ઉન્માદના કારણે અને અવિદ્યાના ઉપદ્રવના કારણે મનુષ્ય ઘણીવાર કેશેન્દુકાદિની જેમ જે વસ્તુ અસત્ હોય છે. અર્થાત્ જે વસ્તુ ન હોય તેને પણ દેખે છે. તેની જેમ સામગ્રી વાસ્તવિકપણે નથી પરંતુ અવિદ્યાના કારણે દેખાય છે.
૧. આકાશ સ્વચ્છ હોય છે. તેમાં કંઈ નથી છતાં કેશનો સમૂહ જે દેખાય છે. તે કેશેન્દુક કહેવાય છે.