________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૯૧ - ઉપરોક્ત વાતનો સારાંશ એ છે કે – ઘટ-પટ-મઠ આદિ ભલે અનિત્ય વસ્તુ હોય કે વ્યોમાદિ ભલે નિત્ય વસ્તુ હોય, પરંતુ નિત્ય કે અનિત્ય એમ સર્વે પણ વસ્તુઓ દ્રવ્ય સ્વરૂપે સદાકાલ અવસ્થિત જ છે. તેથી ઉત્પન કરાતી નથી. ઘટ-પટાદિ જેવા અનિત્ય પદાર્થો પણ દ્રવ્યરૂપે સદા અવસ્થિત છે. સત્તાગત રીતે સદા સ્થિત છે. માટે કોઈ વસ્તુ દ્રવ્યસ્વરૂપે નવી ઉત્પન્ન કરાતી નથી. પરંતુ પર્યાયની અપેક્ષાએ ભજના=વિકલ્પના જાણવી. એટલે કે જે વસ્તુઓ પર્યાયપણે પ્રગટ કરાઈ ચૂકી છે. જે ઘટ-પટ બનાવાઈ ગયા છે તે હવે બનાવાતા નથી. પરંતુ હાલ જે પર્યાયપણે પ્રગટ કરાય છે તે ઉત્પન્ન કરાય છે અને ભાવિમાં જે જે કાર્યો પર્યાયપણે પ્રગટ કરાશે તે તે કાર્યો ભાવિમાં ઉત્પન્ન કરાશે. આમ પર્યાય અપેક્ષાએ જાતમાં ઉત્પત્તિ નથી અને અજાતમાં ઉત્પત્તિ છે. આ રીતે ભજના અર્થાત્ વિકલ્પના જાણવી. તથા સર્વે પણ કાર્યો સ્વપર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિવાળાં છે અને તે જ સર્વે પણ કાર્યો પરપર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ વિનાનાં છે. આમ સર્વત્ર સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્તવાદ જાણવો. હે સૌમ્ય ! તમે એકાન્તવાદની વાસનાથી વાસિત છો તેથી તમે જે વાત કરી તે ઉચિત નથી. પણ વસ્તુ સ્વરૂપ પોતે જ અનેકાન્તમય છે અને તેમ જ સમજવું જોઈએ. ll૧૭૩૧
ગાથા ૧૬૯૫ માં કહેલું કે હેતુ (ઉપાદાનકારણ) અને પ્રત્યય (નિમિત્તકારણ) આ બન્નેની બનેલી જે સામગ્રી, તે સામગ્રીમાં કાર્ય દેખાય છે. પરંતુ સામગ્રીના એક-એક અવયવમાં કાર્ય દેખાતું નથી. માટે સામગ્રીમાં પણ કાર્ય નથી. જેમ રેતીના એક-એક કણમાં તેલ નથી તો રેતીના કણના સમૂહમાં પણ તેલ નથી. તેથી આ સંસારમાં કોઈ કાર્ય જ નથી. સર્વથા કાર્યનો અભાવ જ છે અને જો કાર્ય જ ન થતું હોય તો સામગ્રી પણ ન જ હોય. તેથી સર્વશૂન્યતા માનવી એ જ કલ્યાણકારી છે. આવું તમે પૂર્વે ૧૬૯૫ માં જે કહેલું તેનો પ્રત્યુત્તર આપતાં પરમાત્મા જણાવે છે કે -
दीसइ सामग्गीमयं सव्वमिहत्थि न य सा, नणु विरुद्धं । घेप्पइ व न पच्चक्खं किं कच्छपरोमसामग्गी ? ॥१७३२॥ (दृश्यते सामग्रीमयं सर्वमिहास्ति न च सा, ननु विरुद्धम् । गृह्यते वा न प्रत्यक्षं किं कच्छपरोमसामग्री? ॥)
ગાથાર્થ - અહીં સર્વે પણ કાર્ય સામગ્રીમય દેખાય છે અને તે સામગ્રી નથી આમ બોલવું તે પરસ્પર વિરુદ્ધ છે અથવા કાચબાના રોમની જનક સામગ્રી પ્રત્યક્ષપણે કેમ દેખાતી નથી ? ૧૭૩૨ |