________________
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૯
વિવેચન - વસ્તુઓમાં આપેક્ષિક અને સ્વાભાવિક એમ બે જાતના ધર્મો હોય છે. તે બે પ્રકારના ધર્મોમાં જે જે આપેક્ષિક ધર્મો છે તે તે અન્યની અપેક્ષાવાળા હોય છે. તેથી અપેક્ષાવાળો પદાર્થ નાશ થતાં તે તે આપેક્ષિક ધર્મોનો પણ નાશ થાય છે. જેમકે સ્ત્રીમાં સૌભાગ્યવંતીપણું પુરુષને આશ્રયી ધર્મ છે. પુરુષનું મૃત્યુ થતાં સ્ત્રીમાંથી સૌભાગ્યવંતીપણું નાશ પામે છે. બે નંબરની આંગળીમાં હ્રસ્વત્ય અને દીર્ઘત્વ ત્રીજી આંગળી અને પહેલી આંગળીની અપેક્ષાએ હોય છે એટલે ત્રીજી અથવા પહેલી આંગળીનો નાશ થયે છતે બે નંબરની આંગળીમાં તેની અપેક્ષાએ રહેલું એવું દીર્ઘત્વ અથવા હૃસ્વત્વ અવશ્ય નાશ પામે છે. પરંતુ સ્વાભાવિક ધર્મોમાં આમ થતું નથી. અન્ય વસ્તુ નાશ પામવા છતાં વિવક્ષિત વસ્તુમાં રહેલી સત્તા અને રૂપાદિ ધર્મો નાશ પામતા નથી. તેથી તે સત્તા અને શેષધર્મો અન્યથી નિરપેક્ષ છે. જેમકે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો તે સ્ત્રીમાં પુરુષની અપેક્ષાએ રહેલું સૌભાગ્યવંતીપણું જ નાશ પામે છે. પરંતુ સ્ત્રીનું અસ્તિત્વ કે તેમાં રહેલું સ્ત્રીપણું, સ્ત્રીપણાના ઋતુસ્રાવાદિ સહજ ધર્મો કંઈ નાશ પામતા નથી. તેથી પણ નક્કી થાય છે કે વસ્તુની સત્તા અને વસ્તુના સ્વાભાવિક ધર્મો અન્યથી નિરપેક્ષ છે.
ગણધરવાદ
તથા = જો આમ ન સ્વીકારીએ અને ઘટ-પટ આદિ સકલ પદાર્થોની સત્તા પણ અન્યની અપેક્ષાએ જ છે. આમ સ્વીકારીએ તો હ્રસ્વઅંગુલીનો સર્વથા નાશ થયે છતે દીર્ઘ અંગુલીનો પણ સર્વથા નાશ થવો જોઈએ. કારણ કે દીર્ઘઅંગુલીની સત્તા હ્રસ્વઅંગુલીની અપેક્ષાએ જ તમારા મતે હતી. તેથી હ્રસ્વઅંગુલીના નાશની સાથે જ દીર્ઘઅંગુલીનું અસ્તિત્વ જ ચાલ્યું જવું જોઈએ. પરંતુ હ્રસ્વઅંગુલીનો નાશ થયે છતે દીર્ઘઅંગુલી પણ નાશ પામી જાય. આવું આ સંસારમાં ક્યાંય બનતું નથી. તેથી અવશ્ય નક્કી કરાય છે કે ઘટ-પટ-અંગુલી-સ્ત્રી આદિ સમસ્ત પદાર્થોની સત્તા તથા તેમાં રહેલા રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ સ્વાભાવિક ધર્મો અન્યથી નિરપેક્ષપણે જ જગતમાં છે. સ્વતઃ જ હોય છે.
આ રીતે સમસ્ત પદાર્થોની સત્તા અને તેના સ્વાભાવિક એવા અનંત ધર્મોની સત્તા સ્વયં હોતે છતે “સર્વશૂન્યતા” તો ક્યાંય ભાગી જાય છે. અર્થાત્ સર્વથા શૂન્યતા છે જ નહીં. ||૧૭૧૫॥
વ્યક્તપંડિતે ગાથા નંબર ૧૬૯૨ માં પૂર્વે જે કહ્યું હતું કે પદાર્થોની સિદ્ધિ સ્વતઃ પણ નથી, પરતઃ પણ નથી અને ઉભયતઃ પણ નથી. પરંતુ અપેક્ષામાત્રથી જ છે. તે વિષય ઉપર જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે વાદીએ કહેલો ‘‘અપેક્ષાતઃ ’’ આ હેતુ સાધ્યથી વિરૂદ્ધ છે માટે વિરુદ્ધહેત્વાભાસ છે. કારણ કે વિપક્ષમાં જ (સાધ્યના અભાવમાં જ) વર્તે છે. આ વાત જણાવતાં કહે છે કે -