________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
દીર્ઘ-લઘુ-ગુરુ વગેરે અનંત ધર્મો સ્વયં રહેલા છે જ. માત્ર તેની અભિવ્યક્તિ અને તેનું જ્ઞાન સહકારી કારણોના સમવધાનથી થાય છે.
૨૬૦
આ વિષયમાં કદાચ હે વ્યક્તપંડિત ! તમે આમ કહો કે “આ હ્રસ્વ, આ દીર્ઘ, આ ઉભય છે” ઈત્યાદિ વિષયના ખંડનપ્રસંગે જે સ્વતઃ, પરતઃ અને ઉભયતઃ એમ ત્રણ પક્ષો ૧૬૯૨ મી ગાથામાં સર્વશૂન્યતા સમજાવવાના અવસરે મેં પાડેલા, ત્યાં મારી દૃષ્ટિએ તો સર્વથા શૂન્યતા જ હોવાથી આ સંસારમાં કોઈ સ્વ નથી, કોઈ પર નથી. તેથી જ કોઈ ઉભય નથી. આ જગત સર્વથા શૂન્ય જ હોવાથી કંઈ જ નથી. ફક્ત મારી દૃષ્ટિએ મારી સામે જે (જૈન દર્શનકાર વગેરે) પરવાદીઓ દેખાય છે તેમના મતે જગત સત્ છે. તેથી તેવા પરવાદીની બુદ્ધિ પ્રમાણે તેઓએ માનેલા જે સ્વ-પર અને ઉભય વગેરે પદાર્થો છે. તે અપેક્ષાએ મેં ત્યાં પક્ષો પાડેલા છે. અર્થાત્ પરવાદીની (જૈનાદિની) જાતિને અનુસારે સ્વ-પરનો સ્વીકાર કરીને આ સઘળા પક્ષો કહેવાયા છે. પરંતુ મારી દૃષ્ટિએ વાસ્તવિકપણે સ્વતઃ સિદ્ધ એવું પદાર્થોનું સણું પણ નથી અને પોતાના વિષયમાં જ્ઞાન કરાવનારું એવું હ્રસ્વાદિકપણું પણ કંઈ નથી જ. કેટલીક વાર પરવાદીને સમજાવવા માટે પોતાને અમાન્ય ભલે હોય. તો પણ જો પરવાદીને માન્ય હોય તો એવા પક્ષો સ્વીકારાય છે. તેથી સર્વથા શૂન્યતા માનવાવાળા મારા મતમાં પૂર્વાપર વિરોધ જેવો કોઈ દોષ આવતો નથી.
ઉત્તર - તમારો આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે જો તમારા મતે સર્વથા શૂન્યતા જ છે. આ સંસારમાં કંઈ છે જ નહીં. તો “આ સ્વમત અને આ પરમત” આવા સ્વ અને પરના ભેદ ભાવવાળા વિશેષણો કેમ ઘટશે ? કોઈ રીતે ઘટશે નહીં. જો આ સંસારમાં કંઈ છે જ નહીં. તો આ અમારો સ્વપક્ષ છે અને પેલો જૈનદર્શનાદિનો જે પક્ષ છે તે પરપક્ષ છે. આવો ભેદ તમારા મતે કેમ ઘટશે ? અથવા જો સર્વથા શૂન્યતા જ છે તો ગાથા નંબર ૧૭૦૮ માં કહ્યા મુજબ જેમ સ્વપ્નાસ્વપ્ન, સત્ય-અલીક, ગંધર્વનગરપાટલીપુત્ર ઈત્યાદિ સત્-અસત્ પદાર્થો સમાન થવાનો અથવા વિપર્યય થવાનો પ્રસંગ આવે, તેમ અહીં પણ સ્વપક્ષ અને પરપક્ષ આ બન્ને કાંતો સમાન જ થઈ જવા જોઈએ અથવા સ્વપક્ષ એ પરપક્ષ અને પરપક્ષ એ સ્વપક્ષ આમ વિપરીત પણ થવાનો પ્રસંગ કેમ ન આવે ? જેથી પૂર્વે કહેલા દોષોની પુનરાવૃત્તિ થશે.
તથા આ અમારો જે પક્ષ છે તે સ્વપક્ષ છે અને આ તમારો જૈનોનો જે પક્ષ છે તે પરપક્ષ છે. આવું વિચારશો અને આવું જો કહેશો તો “સર્વથા શૂન્ય જ જગત છે” આવો જે તમારો પક્ષ છે તેની હાનિ છે. તમારી શૂન્યતાવાદની માન્યતા સંપૂર્ણપણે ઉડી જશે. ૧૭૦૯