________________
૨૫૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વળી જો સંસારમાં સર્વથા શૂન્યતા જ છે તો પછી “સ્વપ્નાસ્વપ્ન”, “સત્યાલીક', “ગંધર્વનગર-પાટલીપુત્ર” ઈત્યાદિ ભાવો “સમતા = સમાન જ છે. આમ પણ કેમ ન કહેવાય ? શૂન્યતા જ હોવાથી વિશેષ કોઈ કારણ છે જ નહીં. તેથી જેમ સ્વપ્ન એ મિથ્યા છે તેમ અસ્વપ્ન એ પણ મિથ્યા જ હોવું જોઈએ અથવા અસ્વપ્ન જેમ સાચું છે તેમ સ્વપ્ન પણ સાચા પદાર્થવાળું જ હોવું જોઈએ. એટલે કે બને સમાન જ થશે. આ મિથ્યા હોવાથી સ્વપ્ન છે અને પેલું યથાર્થ હોવાથી અસ્વપ્ન છે આવો ભેદ પણ કેમ ઘટશે ? એવી જ રીતે આ ગાય સાચી ગાય છે અને રેતીમાં કે ચિત્રમાં ચિતરેલી ગાય અલીક છે આવો ભેદ (વિશેષતા) કેમ રહેશે ? બન્ને સમાન જ થશે. સાચી ગાય જેમ દૂધ આપે છે તેમ ચિત્રની ગાય પણ દૂધ આપનારી અને પ્રસવધર્મિણી થવી જોઈએ અથવા ચિત્રની ગાય જેમ દૂધ નથી આપતી અને પ્રસવ નથી કરતી, તેમ સાચી ગાય પણ દૂધ ન આપવી જોઈએ અને પ્રસવ કરનારી પણ ન હોવી જોઈએ. આ જ રીતે વાદળોનું નગર અને યથાર્થ પટ્ટણાશહેર સમાન થવાં જોઈએ. પરંતુ આવું જગતમાં નથી. માટે સર્વશૂન્યતા માનવી તે ઉચિત નથી.
અથવા સર્વશૂન્યતા માન્ય છતે વિપર્યય થવો જોઈએ. વિપર્યય કેમ થતો નથી? એટલે કે જો સર્વથા શુન્ય જ છે, કંઈ છે જ નહીં તો સ્વપ્નમાં દેખાતો હાથી અને મહાવૃક્ષ સાચા પદાર્થો હોય અને અસ્વપ્નદશામાં (જાગૃત દશામાં) દેખાતો હાથી અને મહાવૃક્ષ ઔપચારિક પદાર્થો હોય. આવું બનવું જોઈએ. કારણ કે શૂન્યતા જ છે તો પછી આવું કેમ ન બને ?
અથવા જો સર્વથા શુન્ય જ જગત છે તો જેમ આકાશ-પુષ્પ કે ખરશ્ચંગ દેખાતાં નથી, તેનું અગ્રહણ થાય છે. તેમ સ્વપ્ન અને અસ્વપ્ન અથવા સત્ય અને અલીક અથવા ગંધર્વનગર કે સત્ય પાટલિપુત્રનગર વગેરે સર્વે પણ ભાવો દેખાવા જ ન જોઈએ. સર્વે પણ ભાવોનું અગ્રહણ જ થવું જોઈએ. કંઈ જ નથી એમ શૂન્યતા જ દેખાવી જોઈએ. આવી શૂન્યતા કેમ દેખાતી નથી અને ઘટ-પટ-સ્વપ્ન-અસ્વપ્ન વગેરે ભાવો તે તે સ્વરૂપે કેમ દેખાય છે ?
કદાચ તમે અહીં એવો બચાવ કરો કે છે તો સર્વથા શૂન્યતા જ, પરંતુ ભ્રાન્તિના વશથી ઘટ-પટ-સ્વપ્ન-અસ્વપ્ન વગેરે ભાવો જણાય છે. જેમ આંખમાં તિમિરાદિનો રોગ હોય તો શુદ્ધ એવા આકાશમાં પણ પટ્ટા-પટ્ટા દેખાય છે. આ જેમ ભ્રમ છે તેમ સ્વપ્નાસ્વપ્નાદિનું ગ્રહણ એ પણ ભ્રમ છે. તમારો આ બચાવ પણ ઉચિત નથી. કારણ