________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ આ વાર્તા સાંભળીને ઈન્દ્રભૂતિ આદિ ૧૧ પંડિત બ્રાહ્મણો આશ્ચર્ય પામ્યા અને તે ૧૧ માં સૌથી મોટા ઈન્દ્રભૂતિ અહંભાવમાં આવી આ પ્રમાણે બોલવા લાગ્યા કે “અમે સર્વજ્ઞ હોતે છતે આ વળી બીજા સર્વજ્ઞ કોણ આવ્યા?” અમે બધા જ વાદી-પ્રતિવાદીઓને જિત્યા છે. અદ્વિતીય સર્વજ્ઞતા અમે પ્રાપ્ત કરી છે. સૂતેલા સિંહને જગાડવા તુલ્ય અમારી હરીફાઈ કરનારા વળી આ બીજા સર્વજ્ઞ કોણ આવ્યા ? ખૂણે-ખાંચરે કોઈ વાદી રહી ગયો હશે. તે પોતાની જાતને સર્વજ્ઞ કહેવરાવતો અમને રોષાયમાન કરવા આવ્યો લાગે છે. આ કૃત્રિમ સર્વશે મનુષ્યોને તો છેતર્યા છે. પરંતુ તેણે તો દેવોને પણ ઠગ્યા છે. જે દેવ-દેવીઓ ધર્મમય અને પરમ પવિત્ર અમારા યજ્ઞમંડપને છોડીને માયાવી એવા તે કૃત્રિમ સર્વજ્ઞની સભામાં જઈ રહ્યા છે. જરૂર આ કોઈ મહામાયાવી ઠગ લાગે છે. હમણાં જ હું ત્યાં જાઉં છું. તેની સાથે વાદ કરી તેને જીતીને તેના સર્વજ્ઞપણાના બીરુદને વ્યર્થ કરું છું અને હમણાં જ તેનો પરાભવ કરું છું.
બીજા ભાઈઓ કહે છે કે આવા મચ્છર જેવા સામાન્ય માણસને જીતવા માટે હે વડીલબંધુ ! તમારે જવાનું ન હોય, અમે જ જઈને પતાવી દઈએ છીએ. ત્યારે ઈન્દ્રભૂતિ કહે છે કે તમે બધા ભાઈઓ તો ઘણા જ્ઞાની છો, સર્વજ્ઞ છો. આવા સામાન્ય માણસને જિતી શકો એમાં કોઈ શંકા જ નથી. અરે મારો નાનો એક શિષ્ય પણ આ વાદીને જિતી શકે તેમ છે. પરંતુ તેમ કરવાથી “મેં સર્વ વાદીઓને જિત્યા” આમ ન કહેવાય. મારો યશ ઉજ્વળ ન રહે. તેટલા માટે મારે જ જવું છે અને મારે જ આ વાદીને જિતવો છે. એટલે હું જ જાઉં છું અને હમણાં જ તે વાદીને જિતીને પાછો આવું છું. (નજીકના ભવિષ્યમાં જ કલ્યાણ થવાની ઈન્દ્રભૂતિની ભવિતવ્યતા પાકી ગઈ છે. તે ભવિતવ્યતા જ ઈન્દ્રભૂતિને ત્યાં જવાની પ્રેરણા કરે છે.) આવું બોલીને “સરસ્વતી કંઠાભરણ” આદિ અનેક પ્રકારના બિરુદો બોલતા એવા ૫૦૦ શિષ્યોથી પરિવરેલા શ્રી ઈન્દ્રભૂતિ રોષ-ઈર્ષ્યા અને અહંભાવપૂર્વક પરમાત્માના સમવસરણ તરફ જાય છે.
સમવસરણ પાસે આવ્યા ત્યારે ત્યાંનું અવર્ણનીય દૃશ્ય જોઈને વિચારમાં પડે છે કે શું આ બ્રહ્મા છે ? કે શું આ વિષ્ણુ છે ? કે શું આ સાક્ષાત્ મહાદેવ છે ? મનમાં ને મનમાં આવા અનેક પ્રશ્નો ઉઠે છે. વેદોમાં કહેલું બ્રહ્માનું સ્વરૂપ ન ઘટવાથી તથા લક્ષ્મી અને પાર્વતી પત્નીનો અભાવ હોવાથી આ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ નથી. તો ખરેખર આ કોણ હશે? આમ તેના સંબંધી વિચારોમાં ડુબેલા ઈન્દ્રભૂતિને જોઈને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જ મધુરવાણીથી તેઓને બોલાવે છે કે - હે ગૌતમગોત્રીય ઈન્દ્રભૂતિ ! તમે અહીં ભલે આવ્યા. આ શબ્દો સાંભળીને ઈન્દ્રભૂતિ મનમાં વિચારે છે કે શું આ મારું નામ પણ જાણે