________________
૨૪૦
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
જ ક્યાંથી ? જો રેતીના એક એક કણમાં તેલ નથી તો રેતીના સમૂહમાં પણ તેલ હોય જ ક્યાંથી ? જુદા જુદા એક-એક અંગમાં જે કાર્ય ન હોય તે કાર્ય તેના સમૂહાત્મક સામગ્રીમાં પણ ન જ હોય.
સારાંશ કે હેતુ એટલે ઉપાદાનકારણ અને પ્રત્યય એટલે નિમિત્તકારણ. તે બન્નેની મળેલી જે પરિપૂર્ણ સામગ્રી, તે સામગ્રીના જુદા જુદા એક-એક અવયવમાં કાર્ય થતું દેખાતું નથી. કારણ કે સંપૂર્ણ સામગ્રીવાળી અવસ્થામાં જ કાર્ય થતું દેખાય છે. તેથી એક-એક અંશમાં (સામગ્રીના એક-એક ભાગમાં) કાર્ય થતું દેખાતું નથી. પ્રત્યેક અંશમાં કાર્ય નથી. આ એક વાત નિર્વિવાદપણે સિદ્ધ થઈ. હવે જે પ્રત્યેકમાં ન હોય તે સમૂહમાં પણ ન હોય. જેમકે રેતીના એક-એક કણમાં તેલ નથી. તેથી તેના સમૂહમાં પણ તેલ નથી. તેની જેમ ઉપાદાન-નિમિત્તરૂપ સામગ્રીના એક-એક અંશમાં કાર્ય નથી. માટે તે બન્નેના સમૂહાત્મક સામગ્રીમાં પણ કાર્ય નથી એમ માનવું જોઈએ. તેમ થવાથી આ સંસારમાં કાર્યનો સર્વથા અભાવ જ છે. આમ નક્કી થાય છે. કોઈ કાર્ય ઉત્પન્ન થતું જ ન હોવાથી ઉપાદાનનિમિત્તરૂપ સામગ્રી પણ નથી જ. તેથી સર્વથા શૂન્યતા માનવી એ જ શ્રેયસ્કર માર્ગ છે.
ભાવાર્થ ફરીથી આ પ્રમાણે છે. હેતુ (ઉપાદાનકારણ) અને પ્રત્યય (નિમિત્તકારણ) પોતાનાથી થનારા કાર્યને શું એકલા-એકલા કરે છે ? કે તે બન્ને સાથે મળીને કાર્ય કરે છે? એકલું ઉપાદાનકારણ કાર્ય કરે છે અથવા એકલું નિમિત્તકારણ કાર્ય કરે છે. આવું તમે કહી શકશો નહીં. કારણ કે એકલા-એકલા એક-એક કારણમાંથી કાર્ય થતું દેખાતું નથી. હવે જો એક-એક કારણમાંથી કાર્ય ન થતું હોય તો તે સામગ્રીમાંથી પણ તે કાર્યનો અભાવ જ માનવો જોઈએ. રેતીના એક-એક કણમાં તેલ નથી તો સમહમાં પણ તેલ હોત નથી. તેવી જ રીતે એક-એક ભાગમાં કાર્યનો અભાવ છે. તેથી તેના સમૂહાત્મક સામગ્રીમાં પણ કાર્યનો અભાવ જ છે.
આ રીતે વિચારતાં સર્વે પણ કાર્યની ઉત્પત્તિનો અભાવ જ છે. કોઈ કાર્ય સંસારમાં થતું જ નથી. હવે જો કોઈ કાર્ય થતું ન હોય તો તેની સામગ્રી પણ ન જ હોય. તેથી સામગ્રીનો પણ અભાવ જ છે. કારણ કે જો કાર્યરૂપે કોઈ ઉત્પન જ ન થતું હોય તો સામગ્રી પણ અનુત્પન જ રહે. તેથી ઉપાદાનકારણ, નિમિત્તકારણ આ બન્નેના સાથે મળવારૂપ સામગ્રી અને કાર્ય આ ચારેમાંથી કોઈપણ વસ્તુ આ સંસારમાં છે જ નહીં. કોઈની પણ ઉત્પત્તિ સંભવતી નથી માટે આ જગતની અંદર સર્વથા શૂન્યતા જ છે અને તેમ માનવું એ જ હિતાવહ છે. નાગાર્જુનના અનુયાયી બૌદ્ધો પોતાના વિચારો ઉપર સાચાપણાની મહોર મારવા સાક્ષીપાઠ આપતાં કહે છે કે અમારા શાસ્ત્રમાં પણ આમ જ કહ્યું છે. તે શાસ્ત્રપાઠ આ પ્રમાણે -