________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૩૯
આ રીતે વિચારતાં ગાતા ગાતાદ્રિ પક્ષોમાં અનવસ્થા વગેરે દોષો જ દેખાતા હોવાથી વસ્તુઓની ઉત્પત્તિ જ ઘટતી નથી અને જો વસ્તુઓની ઉત્પત્તિ જ થતી ન હોય તો આ સંસારમાં ઘટ-પટ-ઘર વગેરે પદાર્થો છે આવું કેમ કહેવાય ? સંસાર સર્વથા શૂન્ય જ છે આમ જ માનવું જોઈએ. તેથી “સર્વથા શૂન્યતા જ છે” આ જ માન્યતા બરાબર યોગ્ય છે.
બીજી રીતે વિચારતાં પણ વસ્તુઓની ઉત્પત્તિ સંભવતી નથી. તે માટે પણ “સર્વથા શૂન્યતા” માનવી એ જ યોગ્ય છે. આમ જણાવતાં કહે છે કે -
हेऊ-पच्चयसामग्गि, वीसु भावेसु नो व जं कजं । दीसइ सामग्गिमयं, सव्वाभावे न सामग्गी ॥१६९५॥ (हेतुप्रत्ययसामग्री, विष्वग् भावेषु नो वा यत् कार्यम् । दृश्यते सामग्रीमयं, सर्वाभावे न सामग्री ॥)
ગાથાર્થ – ઉપાદાનકારણ અને નિમિત્તકારણ આત્મક સામગ્રીના એક એક ભાવોમાં (અંશમાં) જે કારણથી કાર્ય દેખાતું નથી. પરંતુ સામગ્રીમય જ કાર્ય દેખાય છે. હવે સર્વનો અભાવ હોતે છતે સામગ્રી ક્યાંથી સંભવે ? /૧૬૯૫ll
વિવેચન - ઘટ-પટ-ઘર-ખુરશી-ટેબલ વગેરે તમામ પદાર્થોની ઉત્પત્તિ ઉપાદાનકારણ અને નિમિત્તકારણની સામગ્રી મળવાથી જ થાય. અનાદિનો આ સનાતન નિયમ છે. જેમકે ઘટકાર્ય કરવામાં માટી એ ઉપાદાનકારણ અને દંડ-ચક્રાદિ નિમિત્તકારણ તરીકે પ્રસિદ્ધ છે. જે કારણ પોતે જ કાર્યસ્વરૂપે પરિણામ પામે તે ઉપાદાનકારણ કહેવાય છે અને ઉપાદાનકારણમાંથી કાર્ય કરવામાં જે સહકાર આપવા રૂપે મદદગાર માત્ર હોય તે નિમિત્તકારણ કહેવાય છે. ઘટમાં માટી અને દંડ-ચક્રાદિ, પટમાં તત્ત્વ અને તુરી-વેમાદિ, દહીં બનાવવામાં દૂધ અને ખટાશાદિ અનુક્રમે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ પ્રસિદ્ધ છે. આ બન્ને પ્રકારનાં કારણોને કાર્યની સામગ્રી કહેવાય છે.
હવે અહીં એક પ્રશ્ન થાય છે કે કેવલ એકલા ઉપાદાનકારણમાં કાર્ય દેખાતું નથી. જેમકે માટીમાં ઘટકાર્ય દેખાતું નથી. જો માટીમાં ઘટકાર્ય દેખાતું હોય તો કરવાની જરૂર શું ? એવી જ રીતે તખ્તમાં પટકાર્ય, દૂધમાં દહી કાર્ય દેખાતું નથી. તેથી નક્કી થાય છે કે ઉપાદાનકારણમાં કાર્ય હોતું નથી. તેવી જ રીતે નિમિત્તકારણમાં પણ કાર્ય દેખાતું નથી. જેમકે દંડ-ચક્રાદિમાં ઘટકાર્ય દેખાતું નથી. તેવી જ રીતે તુરી-વેમાદિમાં પટકાર્ય અને ખટાશાદિમાં દહી કાર્ય દેખાતું નથી. આ રીતે જો ઉપાદાનકારણમાં કાર્ય ન હોય અને નિમિત્તકારણમાં પણ કાર્ય ન હોય તો તે બન્ને સાથે મળેલી સામગ્રીમાં તો કાર્ય હોય