________________
૨૩૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
જે રેતીમાં સ્વતઃ સિદ્ધ તેલ નથી તે રેતીમાંથી ઘાણી આદિ પરપદાર્થથી તેલ કેવી રીતે નીકળે ? માટે જે સ્વતઃ સિદ્ધ ન હોય તે પરતઃ સિદ્ધ પણ ન હોય. તેથી આ કાર્યકારણભાવ તથા તે રૂપે રહેલા પદાર્થો સ્વતઃ સિદ્ધ પણ નથી અને પરતઃ સિદ્ધ પણ નથી.
જે સ્વતઃ સિદ્ધ ન હોય તથા જે પરતઃ સિદ્ધ પણ ન હોય તે સ્વ-પર એમ ઉભયથી
સિદ્ધ માનીએ તો આ પક્ષ પણ બરાબર યુક્તિસંગત થતો નથી. કારણ કે વ્યસ્ત એટલે કે છુટા-છુટા એટલે કે એકલા-એકલા એવા સ્વથી અથવા પરથી એમ બન્નેથી જે ભાવોની સિદ્ધિ થતી નથી. તે ભાવો તે બન્નેના સમુદાયથી પણ કેમ થાય ? અર્થાત્ બન્નેના સમુદાયાત્મક એવા ઉભયથી પણ થતા નથી જ. જેમ રેતીના એક-એક કણમાં તેલ નથી તો રેતીના કણોના સમૂહમાં પણ તેલ ન જ હોય, પ્રત્યેકમાં જે અસત્ હોય, તે સમૂહમાં પણ અસત્ જ હોય. તેમ અહીં સ્વથી અથવા પરથી એમ એક-એકથી કાર્ય-કારણભાવ ઘટતો નથી. માટે તે બન્નેના સાથે મળેલા સમૂહાત્મક એવા ઉભયથી તો કાર્ય-કારણભાવ તથા તે રૂપે પદાર્થો સંભવે જ નહીં. આ રીતે સ્વથી, પરથી અને ઉભયથી એમ ત્રણ પક્ષોથી તો કાર્ય-કારણની વ્યવસ્થા સંભવતી જ નથી. માટે તે રૂપે પદાર્થો નથી.
વળી ઉભયથી કાર્ય-કારણરૂપે પદાર્થોની સિદ્ધિ માનવામાં ઈતરેતરાશ્રય દોષ પણ આવે છે. કારણ કે કાર્ય એ કારણને આધીન હોવાથી અને કારણ એ કાર્યને આધીન હોવાથી જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી કારણની સિદ્ધિ થઈ શકશે નહીં અને જ્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થઈ શકશે નહીં. આ રીતે આ બન્ને પરસ્પર સાપેક્ષ હોવાથી ઉભયથી કાર્ય-કારણની સિદ્ધિ માનવામાં ઈતરેતરાશ્રય એટલે અન્યોન્યાશ્રય દોષ પણ આવે છે. એક વસ્તુ બીજાને આધીન હોય અને બીજી વસ્તુ પહેલી વસ્તુને આધીન હોય ત્યારે આ પરસ્પરાશ્રયદોષ કહેવાય છે.
હવે અન્યથી કાર્ય-કારણ ભાવરૂપે પદાર્થોની સિદ્ધિ કહીએ તો તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે અન્યથી એટલે સ્વ-પર અને ઉભયથી અન્ય જે પક્ષ તે “અનુભય” પક્ષ કહેવાય છે. અનુભયનો અર્થ એવો થાય છે કે સ્વ પણ નહીં, પર પણ નહીં. અર્થાત્ ઉભયપક્ષનો અભાવ, એનો અર્થ એવો થાય છે કે આ કાર્ય-કારણરૂપે પદાર્થોની વ્યવસ્થા સ્વથી પણ નથી, પરથી પણ નથી અને ઉભયથી પણ નથી. નિર્હતુક છે. સ્વ-પર અને ઉભયથી અન્ય કોઈ વસ્તુ જ નથી, તે સર્વથા અસત્ જ છે. તેથી નિર્હતુક માનવાથી કાર્યકારણરૂપે રહેલી પદાર્થોની વ્યવસ્થિત વ્યવસ્થા ઘટી શકે નહીં. જે નિર્હેતુક હોય છે તે નિત્યસત્ત્વ અથવા નિત્યઅસત્ત્વ જ હોય છે આવી આપત્તિ આવે છે.