________________
ચોથા ગણધર - વ્યક્ત
૨૩૧
વિવેચન - હે વ્યક્તપંડિત ! તમારા મનમાં આવા આવા વિચારો પ્રવર્તે છે કે આ જગતમાં ઘટ-પટ આદિ જે કોઈ પદાર્થો દેખાય છે તે સર્વે પણ પદાર્થોની સિદ્ધિ સ્વથી, પરથી, ઉભયથી અને અન્યથી (એટલે કે અનુભયથી) સંભવી શકતી નથી. કારણ કે આ બધા ભાવો પરસ્પર અપેક્ષામાત્રથી જ હ્રસ્વ-દીર્ઘના વ્યપદેશની જેમ જોડાયેલા છે. પરમાર્થથી કંઈ છે જ નહીં. તેની વિશેષચર્ચા આ પ્રમાણે છે -
ગણધરવાદ
આ સંસારમાં નૃષિંડ-ઘટ-પટ-દૂધ-દહીં-ઘી વગેરે જે કોઈ પદાર્થસમૂહ દેખાય છે
તે સર્વે કાં તો કાર્યાત્મક હોવા જોઈએ અથવા કારણાત્મક હોવા જોઈએ. આમ બન્ને ભાવોમાંથી કોઈપણ એક ભાવ સ્વરૂપે આ પદાર્થો હોવા જોઈએ. હવે જો આ સઘળા પણ પદાર્થો કાર્યાત્મક છે આમ કહીએ તો કાર્ય તેને કહેવાય કે જે “કારણ વડે કરાય તે કાર્ય” આમ કાર્યનો પણ કાર્ય તરીકેનો વ્યપદેશ કારણને જ આધીન બને છે. અર્થાત્ કારણ હતું તો જ કાર્ય કરાયું એવો જ અર્થ થાય. તેથી કાર્યમાં રહેલું કાર્યપણું સ્વતઃ પોતાના માત્રથી સિદ્ધ થતું નથી. કાર્યત્વ એ કારણને આધીન હોવાથી સ્વતઃ નથી.
=
એવી જ રીતે કારણરૂપ આ જગત છે એમ માનીએ તો કારણપણું પણ સ્વતઃ સિદ્ધ થતું નથી. કારણ કે કારણને પણ કારણ તો જ કહેવાય કે જો તે કારણ કોઈપણ પ્રકારના કાર્યને કરે. તેથી કારણનો કારણ તરીકેનો જે વ્યપદેશ છે તે પણ કાર્યને જ આધીન છે. પણ સ્વતઃ નથી એ વાત નિશ્ચિત થાય છે. આ પ્રમાણે વિચાર કરતાં નૃષિંડઘટ-પટાદિ સઘળા પણ પદાર્થો કાર્યાત્મકપણે કે કારણાત્મકપણે સ્વતઃ સિદ્ધ હોય. પોતાની
રીતે સિદ્ધ હોય આ વાત બરાબર યુક્તિસંગત લાગતી નથી. કાર્યપણું કારણને આધીન છે અને કારણપણું કાર્યને આધીન છે. પરની અપેક્ષા રાખે છે. માટે કાર્ય કે કારણ આ બન્નેમાંથી કોઈપણ સ્વતઃ સિદ્ધ નથી. તેથી જગતના પદાર્થો સ્વતઃ સિદ્ધ તો નથી જ.
હવે કદાચ એમ વિચારીએ કે તે પદાર્થો કાર્યસ્વરૂપે કે કારણસ્વરૂપે સ્વતઃ ભલે ન હો, પરંતુ પરતઃ તો હોઈ શકે ને ? કેમકે કારણને કારણપણાનો વ્યપદેશ સ્વતઃ ભલે ન હો, તો પણ પર એવા કાર્યથી થાય જ છે ને ? એવી જ રીતે કાર્યનો કાર્ય તરીકેનો વ્યપદેશ ભલે સ્વતઃ ન હો, તો પણ પર એવા કારણથી તો થાય જ છે ને ? માટે પરતઃ કાર્ય-કારણરૂપ આ જગત છે એમ માનીશું. તો આ યુક્તિ પણ બરાબર નથી. કારણ કે જે સ્વતઃ સિદ્ધ હોતું નથી તે પરતઃ પણ સિદ્ધ થતું નથી. કારણ કે પોતે પોતાની રીતે અસ્તિત્વ ધરાવતું હોય તો પરની અપેક્ષા રાખે અને પરથી પ્રગટ થાય. પણ પોતાનું પોતાની રીતે અસ્તિત્વ જ જો ન હોય તો પરમાત્રથી કેમ થાય ? જેમકે ગધેડાને પોતાને પોતાની રીતે મસ્તક ઉપર શૃંગ પ્રગટ થતાં નથી તો તે શૃંગ પરથી કેમ પ્રગટ થાય ?