________________
૨૧૮
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ (स यदि देहादन्यस्तत्, प्रविशन् वा निःसरन् वा । कस्माद् न दृश्यते, गौतम ! द्विविधाऽनुपलब्धिः सा च ॥ असतः खरशृङ्गस्येव, सतोऽपि दूरादिभावतोऽभिहिता । सूक्ष्मामूर्तत्वतः कर्मानुगतस्य जीवस्य ॥)
ગાથાર્થ - જો આત્મા દેહથી ભિન્ન છે તો તે આત્મા શરીરમાં પ્રવેશ કરતો કે નીકળતો દેખાતો કેમ નથી ? હે ગૌતમ ગોત્રીય વાયુભૂતિ ! તે અનુપલબ્ધિ બે પ્રકારની હોય છે. એક ખરઝંગની જેમ અસત્ વસ્તુની અને બીજી દૂરાદિભાવથી સત્ વસ્તુની પણ અનુપલબ્ધિ હોય છે. કર્મથી વ્યાપ્ત એવો જીવ સૂક્ષ્મ અને અમૂર્ત હોવાથી પ્રવેશ અને નિર્ગમન કરતો હોવા છતાં દષ્ટિગોચર થતો નથી. /૧૬૮૨-૧૬૮૩
વિવેચન - વાયુભૂતિ નામના બ્રાહ્મણ પંડિત ઉપરની સમજાવેલી યુક્તિઓથી પાંચ ભૂતના બનેલા શરીરથી આત્મદ્રવ્ય ભિન્ન છે આ વાત ઘણા ઘણા અંશે સમજી ગયા છે. તો પણ તેના સંબંધી કેટલીક પ્રશ્નોત્તરી પરમાત્માને પૂછે છે કે હે ભગવાન્ ! જો આ આત્મા શરીરથી ભિન્ન જ હોય અને શરીરમાં રહેતો હોય તો શરીરમાં પ્રવેશ કરતો અથવા શરીરમાંથી નીકળતો એવો આ જીવ દેખાતો કેમ નથી ? જેમ શીશીમાં ભરેલી દવા નાખીએ ત્યારે પણ દેખાય છે અને કાઢીએ ત્યારે પણ દેખાય છે. તેમ આ આત્મા પ્રવેશ-નિર્ગમન કરતો છતો દેખાતો કેમ નથી ? અથવા ઘડામાં પ્રવેશ કરતી અને ચણ ચણીને ઘડામાંથી નીકળતી ચકલી જેમ દેખાય છે તેમ શરીરમાં જતો-નીકળતો જીવ કેમ દેખાતો નથી ?
ઉત્તર - “વસ્તુનું ન દેખાવું” તેને સંસ્કૃત ભાષામાં અનુપલબ્ધિ કહેવાય છે. ભગવાન વાયુભૂતિને કહે છે કે હે વાયુભૂતિ ! અનુપલબ્ધિના કારણે શરીરમાં પ્રવેશ કરતો અને નિર્ગમન કરતો એવો આત્મા દેખાતો નથી. તે અનુપલબ્ધિ બે પ્રકારની હોય છે. અહીં અનુપલબ્ધિ એટલે કે વસ્તુનું અદર્શન તે બે પ્રકારનું હોય છે.
(૧) પહેલી એક અનુપલબ્ધિ અસત્ વસ્તુની હોય છે. જે વસ્તુ આ સંસારમાં ત્રણે કાલે પણ સંભવતી નથી. જેથી અસત્ જ હોય છે. તેની જે અનુપલબ્ધિ છે તે અનુપલબ્ધિ વસ્તુ અસત્ હોવાથી જાણવી. જેમકે ગધેડાનાં શિંગડાં, વળ્યાનો પુત્ર, સસલાનાં શિંગડાં, આકાશનું પુષ્પ ઈત્યાદિ જે જે વસ્તુઓ આ સંસારમાં ત્રણે કાલે પણ અસત્ છે. તેની અનુપલબ્ધિ જે હોય છે તે પ્રથમ અનુપલબ્ધિ જાણવી.