________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૦૭ તમે એમ કેમ કહો છો કે એક વિષયના આલંબનવાળું અને ક્ષણમાત્રવર્તી એવું જ્ઞાન પોતે જ ક્ષણિક હોવાથી અન્ય જ્ઞાનોની અને તેના વિષયોની સત્તા તથા ક્ષણિકતાદિ ધર્મો ન જાણી શકે ?
ઉત્તર - ઉપર કહેલો પ્રશ્ન પણ ઉચિત નથી અર્થાત્ અયુક્ત જ છે. કારણ કે સર્વ જ્ઞાનોની અને તેના વિષયોની સત્તા તથા ક્ષણિકતા જાણનારું આ વિવક્ષિત એકજ્ઞાન ક્ષણમાત્રમાં વિનાશ પામનાર હોવાથી જમ્યા પછી હું તુરત જ મૃત્યુ પામનાર છું, તેથી ક્ષણિક છું, આવું પોતાનું સ્વરૂપ પણ પોતે જાણી શકતું નથી. તો અન્ય જ્ઞાનોની ક્ષણિકતા જાણવી તો ઘણી જ દૂર રહે છે. પોતે પોતાની ક્ષણિકતા પણ ક્ષણવિનાશી હોવાથી જાણી શકતું નથી, તો અન્ય જ્ઞાનોની ક્ષણિકતા તો કેમ જાણે ? વળી પોતાના વિષયમાત્રની ક્ષણિકતા પણ પોતે જાણી શકતું નથી. કારણ કે તે વિવક્ષિત એકજ્ઞાન અને તેનો પોતાનો વિષય આ બન્ને તમારા મતે સાથે જ ઉત્પન્ન થાય છે અને સાથે જ નાશ પામે છે. તમારા મતે બન્ને ક્ષણિક હોવાથી સમાનકાલમાં જ તે બન્નેનો નાશ થાય છે. જો જ્ઞાન બે ત્રણ ક્ષણ વધારે રહેતું હોય તો તો નાશ પામતા પોતાના વિષયને પોતે જોઈ શકે અને તે જોઈને તે વિષયસંબંધી ક્ષણિકતાનો નિર્ણય કરીને ત્યારબાદ કાલાન્તરે (થોડાક કાલ પછી) તે વિવક્ષિત જ્ઞાન પોતે પણ નાશ પામે. આ રીતે જો વિવક્ષિત જ્ઞાન બે-ત્રણ-ચાર ક્ષણ સ્થાયી હોય તો વિષયને નાશ પામતો જોઈને તેની ક્ષણિકતાને જાણી શકે. આ રીતે તે વિવક્ષિત જ્ઞાનને (જો અધિક ક્ષણ વૃત્તિ હોય તો જ) પોતાના વિષયની ક્ષણિકતા જણાય. પરંતુ આવું તો તમે માન્યું જ નથી. કારણ કે વિવક્ષિત જ્ઞાનને પણ ક્ષણિક જ કહો છો. તેથી તે વિવક્ષિત જ્ઞાનનો અને તેના પોતાના વિષયનો એમ બન્નેનો પોતપોતાના ક્ષણમાત્રમાં ઉત્પત્તિ થયા બાદ તુરત સાથે જ નાશ તમે સ્વીકાર્યો છે. જ્યાં બન્ને ક્ષણિક જ હોય તો તે જ્ઞાન પોતાની કે વિષયની સત્તા કે ક્ષણિકતા કેમ જાણી શકે ? અર્થાત્ ન જ જાણી
શકે.
જ્ઞાન પોતે ક્ષણિક હોવાથી પોતાની કે અન્ય જ્ઞાનોની ક્ષણિકતા જાણી શકે નહીં, વળી બૌદ્ધમત પ્રમાણે તો સ્વસંવેદન પ્રત્યક્ષ વડે કે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વડે ક્ષણિકતા ગ્રહણ કરાતી નથી. કારણ કે તે ક્ષણિકતા અનુમાન વડે જણાય છે એમ જ બૌદ્ધમતમાં માનેલું છે અને આ જ્ઞાન ક્ષણિક હોવાથી અનુમાન કરી શકે નહીં. તેથી પણ જ્ઞાન પોતે પોતાની ક્ષણિકતા જાણી શકે નહીં. ll૧૬૭૬/
આ વિષયમાં બૌદ્ધ તરફથી બચાવ તથા તેનું ખંડન કહે છે -