________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૦૩ પદાર્થોની ક્ષણિકતાને જણાવે એવાં સર્વ વિષયવાળાં અનેક જ્ઞાનો એકીસાથે ઉત્પન્ન થતાં હોય. એવી અનેક જ્ઞાનની ઉત્પત્તિ એકીસાથે તમે માની નથી. તેથી સર્વક્ષણિકતા જાણી શકાતી નથી. એક સમયમાં એક-એક વિષયને જાણનારાં એકીસાથે અનેક જ્ઞાનો થતાં હોત તો સર્વપદાર્થ વિષયક ક્ષણિકતા પણ જાણી શકાત. પરંતુ આવાં અનેક જ્ઞાનો એક સમયમાં થતાં નથી. માટે આ વાત પણ અશક્ય છે.
- હવે કદાચ એવો બચાવ કરવામાં આવે કે એક-એક વિષયવાળું એક-એક જ્ઞાન હોય છે. પરંતુ જુદા જુદા એક-એક વિષયવાળું તે જ્ઞાન ક્રમશઃ એક પછી એક વિષયને જાણતાં જાણતાં સર્વ પદાર્થમાં રહેલી ક્ષણિકતાને તે જ્ઞાન જાણે છે. જો આમ બચાવ કરવામાં આવે તો તે જ્ઞાન ઉત્પન્ન થયા પછીના બીજા જ સમયે ધ્વંસ પામનારું બનશે નહીં. એટલે કે ચિરકાલસ્થાયી તે જ્ઞાન છે એવો અર્થ થશે અને તે જ્ઞાન અવિનાશી (ચિરકાલસ્થાયી) હોતે છતે તે પોતે અવસ્થિત એટલે ધ્રુવ તરીકે સિદ્ધ થવાથી સતત સ્થિર રહ્યું છતું ઘટ-પટ-આદિ અન્ય અન્ય પદાર્થોને ઉત્પન્ન થતાંની સાથે જ સમયાન્તરે ઉપરમ (વિનાશ) પામતાં દેખીને તે ચિરસ્થાયી જ્ઞાન આવો નિર્ણય કરી શકે કે અમારા વિના અને અમારી તુલ્ય અન્ય એવી જ્ઞાનધારા વિના બાકીના સઘળા પણ પદાર્થો ક્ષણિક જ છે પરંતુ તમારા મતે આમ પણ નથી. કારણ કે તમારા મત પ્રમાણે તો “સર્વ ક્ષ મ્'' સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે. તો જ્ઞાન કે જ્ઞાનધારા પણ ક્ષણિક જ છે. તેથી અવિનાશી (ચિરકાલસ્થાયી) કેમ ઘટે ? જે બૌદ્ધનું જ્ઞાન એકાન્ત ક્ષણિક જ છે. ક્ષણવિનાશી જ છે પણ ચિરકાલસ્થાયી નથી. તે બૌદ્ધને સર્વપદાર્થોની ક્ષણિકતાનું જ્ઞાન કેમ થશે ?
સારાંશ કે કોઈપણ એક જ્ઞાન એક વિષયને જ જાણનારું હોય અને ક્ષણમાત્ર સ્થાયી હોય તે જ્ઞાન સર્વકાલના સર્વ પદાર્થોની ક્ષણિકતાને કેવી રીતે જાણે ? તેથી પ્રમાતા એવા આત્મામાં થતું આ જ્ઞાન અક્ષણિક (ચિરકાલસ્થાયી) માનવું જોઈએ અને જ્ઞાન એ ગુણ હોવાથી તેને અનુરૂપ ગુણી એવા આત્મદ્રવ્ય વિના આ જ્ઞાન થઈ શકે નહીં. તેથી તે જ્ઞાનગુણવાળો જ્ઞાની એવો આત્મા પણ ચિરકાલસ્થાયી = નિત્ય માનવો પડશે, તથા શરીરમાં જ રહેલો છે અને શરીરથી જુદો છે એમ સ્વીકારવું જોઈએ. ll૧૬૭૪ll
ઉપર કહેલી ગાથાનો જ ભાવાર્થ સ્પષ્ટ કરે છે. जं सविसयनिययं चिय जम्माणंतरहयं च तं किह णु । नाहिति सुबहुयविण्णाणविसयखणभंगयाईणि ? ॥१६७५॥