________________
૨00
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ વિવેચન – બૌદ્ધદર્શનના અનુયાયી શિષ્ય પોતાના પક્ષનો બચાવ કરવા માટે કદાચ આ પ્રમાણે કહે કે - સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી આત્મદ્રવ્ય પણ ક્ષણિક જ છે. એટલે કે ક્ષણભંગુર જ છે. એમ અમે માનીશું. પરંતુ તેમાં રહેલી વિજ્ઞાનક્ષણોની સંતતિને અવસ્થિત માનીશું. એટલે વિશિષ્ટ-વિશિષ્ટ જ્ઞાનની જે ધારા ચાલે છે તે ધારા સતત વહેતી રહેતી હોવાથી તે વિજ્ઞાનક્ષણ સંતતિ (વિશિષ્ટજ્ઞાનની ધારા) અવસ્થિત હોવાથી ઉત્તરક્ષણવર્તી આત્મા પૂર્વેક્ષણવર્તી આત્માએ કરેલા અનુભવનું સ્મરણ સારી રીતે કરી શકે છે. સારાંશ કે જીવદ્રવ્યને ક્ષણિક માનીશું પણ તેમાં વહેતી જ્ઞાનધારા સ્વરૂપ ગુણની સંતતિને અવસ્થિત (ધ્રુવ) માનીશું, જેથી સ્મૃતિ ઘટી શકશે.
ઉત્તર - તમારો આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે એમ માનશો તો વિજ્ઞાનક્ષણોની સંતતિને (જ્ઞાનધારાને) તમે અવસ્થિત (ધ્રુવ-નિત્ય) માની હોવાથી પૂર્વભવીય શરીરનો નાશ થવા છતાં તે વિજ્ઞાનક્ષણસંતતિ તે પૂર્વભવીય શરીરને છોડીને અગ્રેતનભવીય શરીરમાં પ્રવેશ પામે છે. આવો અર્થ થશે. આમ થતાં પૂર્વ-ઉત્તર ભવાની સિદ્ધિ થશે. આમ થવાથી ભવો પલટાય છે. પરંતુ વિજ્ઞાનધારા ભવાન્તરયાયી બનવાથી તે વિજ્ઞાનની ધારા પૂર્વભવના કે ઉત્તરભવના સર્વશરીરોથી ભિન્ન છે આવો અર્થ થશે. કારણ કે શરીરો ક્ષણિક હોવાથી નાશવંત છે અને વિજ્ઞાનક્ષણસંતતિ અવસ્થિત હોવાથી નિત્ય છે. તેથી એક ભવથી બીજા ભવમાં જનારી બનવાથી આ વિજ્ઞાનસંતતિ સર્વ શરીરોથી ભિન્ન સાબિત થશે.
આ વિજ્ઞાનક્ષણસંતતિ એ જ્ઞાનગુણાત્મક છે અને ગુણો જે હોય છે તે ગુણીને છોડીને એકલા કદાપિ રહેતા નથી. તેથી જ્ઞાનગુણની સાથે તેનો ગુણી એવો અવિચ્છિજ્ઞાન ગુણાત્મક આ આત્મા પણ ધ્રુવ તત્ત્વ છે આ વાત આપોઆપ સિદ્ધ થાય છે.
જાતિસ્મરણ જ્ઞાન કોઈ કોઈ જીવોને થાય છે. તેનું ઉદાહરણ લઈને પૂર્વભવમાં અનુભવેલા વિષયનું અનુસ્મરણ આ વર્તમાન ભવમાં થાય છે. તેનો આશ્રય લઈને અવિનષ્ટ સ્મરણપણે જણાવ્યું. તેવા પ્રકારનું જ્ઞાન પૂર્વાપર ભવમાં વર્તતું હોવાથી તેવા જ્ઞાનવાળો આત્મા પણ અવસ્થિત છે. તે આ ગાથામાં સમજાવ્યું. પૂર્વાપર એમ બે ભવમાં થતા અનુસ્મરણને આશ્રયી જ્ઞાનની ધ્રુવતા સિદ્ધ થવાથી તે જ્ઞાનગુણવાળા આત્માની સિદ્ધિ કરી. હવે કેવલ એકલા વર્તમાન ભવમાં જ બાલ્યાવસ્થામાં અનુભવેલું યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં સ્મૃતિગોચર થતું હોવાથી આત્મા ક્ષણિક નથી જ પણ કથંચિત્ નિત્ય છે. તે વાત હવે પછીની ગાથામાં કહે છે. II૧૬૭૨ll